Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

CBIની રિમાન્ડમાં જ રહેશે ચિદમ્બરમઃસુપ્રિમ કોર્ટ ૨૬મીએ કરશે વધુ સુનાવણી

પૂર્વ નાણામંત્રી માટે એક આંચકારૂપ તો બીજા રાહતના સમાચાર :ઇડી મામલે મળી રાહતઃ સોમવારે સુનાવણી

નવી દિલ્હી, તા.૨૩:કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમને દિલ્હીની કોર્ટે આઈએનએકસ મીડિયા ભ્રષ્ટાચાર કેસમાં તેમની કસ્ટોડિયલ પૂછપરછ માટે ગુરૂવારે ચાર દિવસની સીબીઆઈની કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. કોર્ટે જણાવ્યું કે ચિદમ્બરમ ૨૬મી ઓગસ્ટ સુધી સીબીઆઈની કસ્ટડીમાં રહેશે. આ સમયમાં સીબીઆઈ નિયમિત સમયાંતરે તેમની મેડિકલઙ્ગ તપાસ કરાવશે અને દરરોજ અડધો કલાક માટે તેમના પરિવારના સભ્યો અને અડધો કલાક તેમના વકિલને મળવાની મંજૂરી અપાઈ છે.વિશેષ જજ અજય કુમારે જણાવ્યું હતું કે હકીકતો અને સંજોગો જોતાં પોલીસ કસ્ટડી જરૂરી છે. કોર્ટના ચૂકાદા બાદ ૭૩ વર્ષીય ચિદમ્બરમને તાત્કાલિક સીબીઆઈની ટીમ દ્વારા કોર્ટ રૂમમાંથી લઈ જવાયા હતા.

કોર્ટે લગભગ દોઢ કલાક સુધી સીબીઆઈ અને તેમના વકીલની દલીલો સાંભળી હતી. સીબીઆઈએ જણાવ્યું કે આઈએનએકસ મીડિયા કેસમાં ભ્રષ્ટાચારના મૂળ સુધી જવા માટે તેમને ચિદમ્બરમની કસ્ટડી મેળવવી જરૂરી છે. ચિદમ્બરમના વકીલે સીબીઆઈની અરજીનો વિરોધ કરતાં કહ્યું કે આ કેસમાં અન્ય બધા જ આરોપીઓને જામીન પર છોડી મૂકાયા છે. યુપીએના શાસન દરમિયાન નાણામંત્રી રહેલા ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમની આગોતરાઙ્ગ જામીનની અરજી મંગળવારે દિલ્હી હાઈકોર્ટે નકારી કાઢ્યા બાદ ચિદમ્બરમે બુધવારે સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણી માટે અરજી કરી હતી,

દિલ્હી હાઈકોર્ટના આદેશ પર સ્ટે ઈચ્છતી ચિદમ્બરમની અરજી અંગે શુક્રવારે નિર્ણય લેવાશે તેમ સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું. ચિદમ્બરમના વકીલો દ્વારા બુધવારે સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક સુનાવણી અંગે વારંવાર પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ આ કેસની સુનાવણી શુક્રવાર પર મુલતવી રાખી હતી. સીબીઆઈએ ગુરૂવારે સવારે લગભગ ચાર કલાક સુધી ચિદમ્બરમની નાણામંત્રી તરીકે તેમના સમયમાં આઈએનએકસ મીડિયાને અપાયેલી વિદેશી રોકાણની મંજૂરીઓમાં કથિત ભ્રષ્ટાચાર અંગે પૂછપરછ કરી હતી.

સુપ્રિમ કોર્ટે પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિદમ્બરમને ૨૬ ઓગષ્ટ ઇડી દ્વારા ધરપકડ કરવાની છુટ આપી દીધી છે. ઇડી પણ આઇએનએકસની તપાસ કરી રહી છે. હવે આ મામલાની સુનાવણી સોમવારે ૨૬ ઓગષ્ટે થશે. સુપ્રિમ કોર્ટમાં સીબીઆઇ અને ઇડી સાથે જોડાયેલા મામલાની સુનાવણી સોમવારે  જ કરશે. બીજી બાજુ સુપ્રિમ કોર્ટ દ્વારા આદેશ આપ્યા બાદ સોલીસીટર જનરલ તુષાર મહેતા કોર્ટને વાંચવા માટે કેટલાક દસ્તાવેજો આપવા માંગતા હતા તેથી સુપ્રિમે દસ્તાવેજોને લેવાનો ઇન્કાર કરીને કહ્યું કે હવે બધુ જ સોમવારે થશે.

(3:20 pm IST)