Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

અયોધ્યા કેસ : હિન્દુ પક્ષ વતી તર્કદાર દલીલો થઈ

અયોધ્યા કેસમાં દસમાં દિવસે પણ સુનાવણી : વિવાદાસ્પદ સ્થળ પર પુજાની તક આપવા માટે રજુઆત

નવી દિલ્હી,તા.૨૨ : અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટમાં આજે દસમાં દિવસે પણ જોરદાર સુનાવણી જારી રહી હતી. હિન્દુ પક્ષ તરફથી આજે દલીલો કરવામાં આવી હતી. અયોધ્યામાં રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલાની હાલમાં સુનાવણી ચાલી રહી છે. અર્જી કરનાર ગોપાલ સિંહ તરફથી વરિષ્ઠ વકીલ રણજીત કુમાર દ્વારા રજુઆત કરવામાં આવી હતી. રણજીત કુમારે દલીલ કરતા કહ્યું હતું કે, તેઓ પુજારી તરીકે છે. તેમને વિવાદાસ્પદ સ્થળ પર પુજા કરવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટમાં તકદાર દલીલોનો દોર આજે જારી રહ્યો હતો. સમગ્ર વિવાદ ૨.૭૭ એકર જમીનને લઈને છે. હજુ સુધી નિર્મોહી અખાડા અને રામલલ્લા વિરાજમાનના વકીલે તેમનો પક્ષ કોર્ટમાં રજૂ કરી દીધો છે. બુધવારે સાંજે સુનાવણી ખતમ થતા પહેલાં ગોપાલ સિંહ વિશારદ તરફથી વકીલ રંજીત સિંહ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. આજે તેમની દલીલો જારી રહી હતી. ગોપાલ સિંહ વિશારદના વકીલ રાજીવ કુમાર તરફથી કહેવામાં આવ્યું છે કે, ૧૯૪૯માં મુસ્લિમ પાર્ટીએ કહ્યું હતું કે,

           તેઓ ૧૯૩૫થી ત્યાં નમાઝ નથી પઢતા. આ સંજોગોમાં જો હિન્દુઓને આ જમીન આપવામાં આવે તો તેમને કોઈ મુશ્કેલી નથી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે એફિડેવિટની માન્યતા વિશે પૂછ્યું હતું અને પૂછ્યું હતું કે શું આ એફિડેવિટ વેરિફાઈ છે ? જસ્ટિસ બોબડેએ કહ્યું હતું કે, એફિડેવિટ ત્યારે આપવામાં આવી હતી જ્યારે સરકાર જમીન રિસીવરને સોંપવા ઈચ્છતી હતી. શું આ વાતો ક્યારેય મેજિસ્ટ્રેટ સામે પ્રૂવ થઈ શકી છે. બુધવારે રામલલ્લા વિરાજમાનના વકીલ સીએસ વૈદ્યનાથે તેમની વાત રજૂ કરી અને ઘણાં પુરાવા રજૂ કર્યા. વકીલના સ્કન્દ પુરાણનો ઉલ્લેખ કર્યો હતો અને અમુક તસ્વીરો પણ રજૂ કરી. વૈદ્યનાથે કોર્ટમાં જણાવ્યું કે, મંદિર હંમેશા મંદિર જ રહેશે. કોઈનો દાવો કરવાથી જમીન તેની નથી થઈ જતી. ગોગોઈના નેતૃત્વમાં પાંચ સભ્યોની બંધારણીય બેચ દ્વારા સુનાવણી કરવામાં આવી રહી છે.

(8:01 pm IST)