Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

હજુ કયારે શાળા - કોલેજો ખુલશે એ નક્કી નથી

શાળા - કોલેજો દોઢ વર્ષથી બંધ : યુનિફોર્મના વેપારને કરોડો રૂપિયાનું નુકસાન : ઉત્પાદકો બીજા ધંધામાં વળ્યા

મુંબઇ તા. ૨૩ : કોરોના મહામારીને કારણે બે વર્ષથી શાળા કોલેજો બંધ છે અને બાળકો ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. પરીક્ષા પણ ઓનલાઇન થઇ રહી છે. કોરોનાને કારણે ઉદ્ભવેલી શિક્ષણની નવી પ્રથાથી સ્ટેશનરીથી લઇને સ્કુલ યુનિફોર્મના ઉત્પાદકોના ધંધાને મોટો ફટકો પડયો છે. યુનિફોર્મના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓની કમ્મર ભાંગી છે.

કોરોના પૂર્વે નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા જાન્યુઆરી - ફેબ્રુઆરી માસ દરમિયાન શાળાના યુનિફોર્મ ઉત્પાદકો પાસે લાખો રૂપિયાના ઓર્ડર આવતા હતા. જેના કારણે ઉત્પાદકોએ દિવસ - રાત કામ કરવું પડતું હતું. આજે સ્થિતિ બદલાઇ છે. મોટાભાગના ઉત્પાદકો કામ - ધંધા વિનાના થયા છે. મોટાભાગનાઓએ ફેકટરીઓ બંધ કરી દીધી છે. ઓનલાઇન અભ્યાસ બંધ હોવાને કારણે સ્કુલ યુનિફોર્મ તથા અન્ય સામાનની જરૂર પડતી નથી.

સ્કુલ યુનિફોર્મના ઉત્પાદક - વિક્રેતા મોહનભાઇ જૈને જણાવ્યું હતું કે, અમારો વેપાર સંપૂર્ણપણે બંધ થઇ ચૂકયો છે. દર વર્ષે ૫૦ લાખનો વેપાર થઇ જતો હતો. પણ કોરોના મહામારીને કારણે કામકાજ ઠપ્પ થઇ ગયું છે. સુરતમાં સ્કુલ યુનિફોર્મની અંદાજે ૧૦૦ જેટલી દુકાનો આવેલી છે. સ્કુલ યુનિફોર્મનો સુરતમાં કરોડો રૂપિયાનો વેપાર છે. વેપારીઓ પાસે કામકાજ ન હોવાના કારણે અનેક વેપારીઓ બીજા ધંધે ચઢયા છે.

કોરોનાને કારણે ડિજીટલ એજ્યુકેશન શરૂ થયું છે. હવે કોમ્પ્યુટર, ટેબ્લેટ, મોબાઇલ જેવા વસ્તુઓમાં ભાવ વધારો થયો છે. આગામી કેટલાક મહિનામાં યુનિફોર્મ ઉત્પાદકોની ખોટ બમણી થશે. નોટ-ચોપડા, યુનિફોર્મની ફેકટરીઓ મહિનાઓથી બંધ છે.

હવે જ્યારે નિષ્ણાંતોએ કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યકત કરી છે ત્યારે હજુ પણ શાળાઓ કયારે શરૂ થશે તે કહેવું મુશ્કેલ છે. આગામી એક વર્ષ સુધી શાળાઓ ખુલે એવું લાગતું નથી. યુનિફોર્મ ઉત્પાદકોથી લઇને તેના મટીરીયલ સપ્લાયર સહિતના વેપારીઓની હાલત કફોડી બની છે.

(10:29 am IST)