Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

ચીને માન્યું: ગલવાનમાં તેના એક કમાન્ડિંગ ઓફિસરનું પણ મોત થયું

નવી દિલ્હી, તા.૨૩: ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ૧૫મી જૂનની રાત્રે હિંસક અથડામણ થઈ હતી, જેમાં ૨૦ ભારતીય જવાનો શહીદ થયા હતા. હિંસક ઝડપ બાદ આજે બંને દેશોના સૈન્ય કમાન્ડર સ્તરની વાતચીત થઈ. અમારા સહયોગી ન્યૂઝ પેપર ઈકોનોમિક ટાઈમ્સ મુજબ, ચીને માની લીધું છે કે, હિંસક ઝડપમાં તેણે પણ પોતાનો એક મિલિટરી ઓફિસર ખોયો છે.

ગલવાન ઘાટીમાં ૧૫ જૂનએ જયારે કર્નલ સંતોષ બાબુ પર હુમલો થયો તો ભારતીય સેના ગુસ્સાથી લાલ હતી અને તેમના પર બદલો લેવાનું ઝનૂન સવાર હતું. બિહાર રેજિમેન્ટની સાથે ત્યાં પંજાબ રેજિમેન્ટના શીખ જવાન પણ હતા. એક ખાનગી ન્યૂઝ ચેનલ મુજબ, તેમાંથી કેટલાક ચીનના એક ઓફિસરને ઉઠાવી લાવ્યા હતા. બાદમાં જયારે ચીનની સેનાએ ભારતના ૧૦ જવાન છોડ્યા, તો એ ઓફિસરને પણ છોડી દેવાયો હતો.

૧૫ જૂનની સાંજે લગભગ ૭ કલાકે કર્નલ સંતોષ બાબુ અને તેમની સાથે ૩૫-૪૦ સૈનિક ગલવાન વેલીમાં પેટ્રોલિંગ પોઈન્ટ-૧૪ પર પહોંચ્યા તો જોયું કે, ચીનના સૈનિકો ત્યાં એક ટેન્ટ બાંધી રહ્યા છે, જયાર વાતચીત મુજબ તેને હટાવી દેવો જોઈતો હતો. જયારે ટેન્ટ હટાવવા કહેવાયું તો ચીનના સૈનિકોએ હુમલો કરી દીધો. તે પછી જોરદાર મારામારી થઈ અને પત્થરો પણ ફેંકાયા. આ પહેલી અથડામણમાં ભારતીય સૈનિકો ચીનના સૈનિકો પર ભારે પડ્યા. થોડી વાર માટે આ અથડામણ શાંત થઈ ગઈ.

તે પછી ભારતીય સેનાની બીજી ટીમ પણ ત્યાં બોલાવાઈ, કેમકે તેમને શંકા હતી કે ચીનના સૈનિકો વધુ હરકતો કરી શકે છે. આ દરમિયાન ચીનના સૈનિકોની પણ એક મોટી ટીમ ત્યાં આવી ગઈ. પછી શરૂ થઈ બીજી હિંસક અથડામણ. આ ઝડપમાં સીઓ સંતોષ બાબુ સહિત કેટલાક જવાન નીચે નદીમાં પડી ગયા. ચીનના પણ દ્યણા સૈનિકો ગંભીર રીતે દ્યાયલ થયા અને નદીમાં પડ્યા. આ બીજી અથડામણ રોકાઈ પછી ભારત અને ચીન બંનેએ પોત-પોતાના સૈનિકોને શોધવાનું શરૂ કર્યું. કેટલાક સૈનિકોને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કઢાયા. સીઓ સંતોષ બાબુનો મૃતદેહ જોઈ ટૂકડી બોખલાઈ ગઈ.

(10:22 am IST)