Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

તેલંગણાના કરીમનગરમાં તંત્રની અનોખી જાહેરાત તમામ લોકોના અંતિમ સંસ્કાર માત્ર રૂ. એકમાં !

ઉપરાષ્ટ્રપતિ નાયડૂએ યોજના બદલ મેયરની પ્રશંસા કરીઃ ૧૫ જુનથી નગરપાલિકા દ્વારા 'અંતિમ યાત્રા આખરી સફર' યોજના શરૂ કરાશે : ૧.૧૦ કરોડ રૂપિયાની ફાળવણી

કરીમનગર તા. ૨૩ : તેલંગણા રાજ્યના કરીમનગર શહેરની નગર પાલિકા દ્વારા એક અનોખી યોજના બનાવવામાં આવી છે. જે મુજબ આવતા મહિનાથી કરીમનગર શહેરમાં માત્ર એક રૂપિયામાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. શહેરના સામાન્ય અને ગરીબ લોકોના અંતિમ સંસ્કાર સન્માન સાથે અને વ્યવસ્થિત રીતે થઇ શકે તેવા હેતુ સાથે આ યોજના રજુ કરવામાં આવી છે.

કરીમનગરના મેયર એસ. રવિન્દર સિંહના જણાવ્યા અનુસાર 'અંતિમયાત્રા આખરી સફર' નામની આ યોજના આગામી ૧૫મી જૂનથી શરૂ થનાર છે. આ યોજના માટે ૧.૧૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જેના વડે મૃતકના જે તે ધર્મના રીત રીવાજ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આ યોજના અનુસાર કરીમનગર નગરપાલિકા દ્વારા અંતિમ સંસ્કાર માટે મૃતકના પરિવારને લાકડા, ચંદન અને કેરોસીન પુરૃં પાડવામાં આવશે. લાકડા ખરીદવા માટે ૫૦ લાખની રકમ અનામત રાખવામાં આવશે. આ સિવાય આ યોજના અંતર્ગત અંતિમયાત્રાના દિવસે મૃતકના પરિવારના ૫૦ લોકોને ૫ રૂપિયા પ્રતિ વ્યકિતના દરે ભોજન પણ આપવામાં આવશે. ઉપરાંત સ્થળ પર જ મૃતકનું ડેથ સર્ટીફીકેટ મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે.

મેયરના જણાવ્યા અનુસાર કરીમનગર શહેરમાં દરરોજ એવરેજ ચારથી પાંચ વ્યકિત મૃત્યુ પામે છે. તેમણે દાતાઓને આ યોજનામાં યોગદાન આપવા માટેની અપીલ પણ કરી છે.

(10:13 am IST)