Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2019

અમિત શાહ V/S રાહુલ ગાંધીઃ ૧૪ રાજ્યોમાં ઉત્સાહપૂર્વક મતદાન

લોકસભાની ચૂંટણીનો સૌથી મહત્વનો અને સૌથી મોટો તબક્કોઃ સવારથી મતદાનનો પ્રારંભઃ ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીનુ ભાવિ ઈવીએમમાં કેદઃ વડાપ્રધાને અમદાવાદમાં કર્યુ મતદાન : સવારથી જ અનેક મત કેન્દ્રો ઉપર લાંબી લાંબી લાઈનોઃ બપોર સુધીમાં અંદાજે ૪૦ થી ૪૫ ટકા મતદાન : મુલાયમ સિંહ, જયા પ્રદા, વરૂણ ગાંધી, શિવપાલ યાદવ, શશી થરૂર, સંબીત પાત્રા વગેરે દિગ્ગજોની પરીક્ષાઃ ઉંચુ મતદાન થવાના એંધાણ

૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી લોકસભાની ૧૧૬ બેઠકો પર ત્રીજા તબક્કાની ચૂંટણી  માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની શરૂઆત થઇ હતી. બપોર સુધીમાં મોટી સંખ્યામાં લોકોએ મતદાન  કર્યું હતું. બપોર સુધીમાં અંદાજે ૪૦ થી ૪૫ ટકા મતદાન થયું હોવાનું જાણવા મળે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના તમામ દિગ્ગજ મતદાન કરવા માટે સંબંધિત મતદાન મથક પર પહોંચ્યા હતા. આજે મતદાનની સાથે જ રાહુલ ગાંધી, અમિત શાહ સહિતના તમામ દિગ્ગજના ભાવિ ઇવીએમમાં સીલ થઇ ગયા હતા. ત્રીજા તબક્કાના મતદાનની સાથે જ ૩૦૨ સીટ પર લોકસભાની ચૂંટણી માટેની પ્રક્રિયા આજે પૂર્ણ થનાર છે.  હજુ સુધી બે તબક્કામાં કુલ ૧૮૬ સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ ચુકી છે. ઉંચા મતદાનની ખાતરી કરવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવા છતાં અપેક્ષા મુજબનુ મતદાન હજુ સુધી થયુ નથી.

અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અને શાંતિપૂર્ણ માહોલમાં અત્યાર સુધીમાં ઉત્સાહભેર મતદાન થયેલ હોવાનું જાણવા મળેલ છે. ઠેરઠેર લાંબી લાઇનો જોવા મળી હતી.

પશ્વિમ બંગાળના મુર્શિદાબાદમાં ચૂંટણીમાં ઝપાઝપીના સમાચાર સામે આવ્યા છે. મતદાન દરમિયાન દેસી બોમ્બથી હુમલો કરતાં તૃણમૂલ કોંગ્રેસના ત્રણ કાર્યકર્તા ઘાયલ થયા છે. મુર્શિદાબાદમાં મતદાન શરૂ થઇ ગયું છે. ચૂંટણીપંચે અહીં આકરી સુરક્ષાની વ્યવસ્થા કરી છે. મતદાનને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંવેદનશીલ બૂથો પર સુરક્ષાબળો ગોઠવવામાં આવ્યા છે. મારામારીમાં ૩ ટીએમસીના કાર્યકર્તા ઘાયલ થઇ ગયા છે.

ચૂંટણી અધિકારીની ધોલાઇ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં ભાજપ કાર્યકર્તાએ એક ચૂંટણી અધિકારીની ધોલાઇ કરી છે. અધિકારી પર આરોપ છે કે તે વોટિંગ દરમિયાન મતદારોને સપાના સાઇકલના નિશાન પર બટન દબાવવાનું કહી રહ્યો હતો.

૧૪ રાજ્યોની ૧૧૭ બેઠકો ઉપર આજે મતદાન થઈ રહ્યુ છે. જેમાં ગુજરાતની તમામ ૨૬ બેઠકો ઉપર પણ મતદાન થઈ રહ્યુ છે. કેરળની ૨૦, મહારાષ્ટ્ર અને કર્ણાટકની ૧૪  - ૧૪, યુપીની ૧૦, છત્તીસગઢની ૭, ઓડીસાના ૬, બિહાર અને પ.બંગાળની ૫ - ૫, આસામની ૪, ગોવાની ૨, જમ્મુ કાશ્મીર, દાદરાનગર હવેલી, દમણ અને દીવ તથા ત્રિપુરામાં ૧ - ૧ બેઠક માટે મતદાન થઈ રહ્યુ છે.

આજે ૧૫૯૪ ઉમેદવારોનુ ભાવિ ઈવીએમમા કેદ થઈ રહ્યુ છે. જેમાં ૧૪૨ મહિલા ઉમેદવારો છે. ઉમેદવારો પૈકી ૩૪૦ ઉમેદવારોનો ગુન્હાહીત ઈતિહાસ પણ છે. આજે મતદારો રાહુલ ગાંધી, અમિત શાહ, અનંતકુમાર હેગડે, સંબીત પાત્રા, શશી થરૂર, જયા પ્રદા, મુલાયમસિંહ યાદવ, વરૂણ ગાંધી, આઝમ ખાન વગેરે ઉમેદવારોનુ ભાવિ ઈવીએમમાં કેદ થઈ રહ્યુ છે. આજે ૧૮.૫૬ કરોડ મતદારો ઉમેદવારોનુ ભાવિ નક્કી કરી રહ્યા છે. આ માટે ૨.૧૦ લાખ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.

ગુજરાતમાં વિધાનસભાની ૪ બેઠકોની પેટાચૂંટણી પણ થઈ રહી છે. અત્રે એ નોંધનીય છે કે ૧૧ એપ્રિલે લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું ૨૦ રાજ્યોમાં ૯૧ બેઠકો માટે ૬૯.૪૫ ટકા મતદાન થયુ હતું. ૧૮ એપ્રિલે બીજા રાઉન્ડ વખતે ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૬૯.૪૩ ટકા મતદાન થયુ હતું.

આજે કેરળના વાયનાળથી રાહુલ ગાંધીની અગ્નિપરીક્ષા થઈ રહી છે. જ્યારે ભાજપના વરિષ્ઠ નેતા અડવાણીએ ગાંધીનગરમાં મતદાન કર્યુ હતું.(૨૧.૨૦)

કોના ભાવિ સીલ થયા

*    રાહુલ ગાંધી (કોંગ્રેસ અધ્યક્ષ)

*    મુલાયમ સિંહ યાદ ( સપાના સ્થાપક)

*    આઝમ ખાન ( સમાજવાદી પાર્ટીના નેતા)

*    જ્યા પ્રદા ( બોલિવુડ સ્ટાર, ભાજપ લીડર)

*    શિવપાલ સિંહ યાદવ  પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી)

*    વરૂણ ગાંધી ( ભારતીય જનતા પાર્ટી)

*    અમિત શાહ (ભારતીય જનતા પાર્ર્ટી)

*    પરેશ ધાનાણી (કોંગ્રેસ)

*    ભરતસિંહ સોલંકી (કોંગ્રેસ)

*    વીણા  (કોંગ્રેસ)

*    અનંત હેંગડે (ભાજપ )

*    શશી થરુર (કોંગ્રેસ)

*    સંતોષ ગંગવાર (ભાજપ)

*    ધર્મેન્દ્ર યાદવ (સમાજવાદી પાર્ટી)

*    વિલાસ ઔતાડે (કોંગ્રેસ)

*    કિરિટ સોલંકી (ભાજપ)

ત્રીજા ચરણના મતદાની સાથે સાથે...

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી, અરૂણ જેટલી સહિતના દિગ્ગજો દ્વારા મતદાન કરવામાં આવ્યુ

મોદીએ રાણીપની નિશાન હાઇસ્કુલમાં મતદાન કર્યુ

મોદીના સ્વાગત માટે પહેલાથી જ ભાજપ પ્રમુખ અમિત શાહ અને તેમના પરિવારના સભ્યો મોટી સંખ્યામાં લોકોની સાથે હાજર રહ્યા

મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન દ્વારા પણ મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો

૧૧મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં, ૧૮મી એપ્રિલના દિવસે બીજા તબક્કામાં શાંતિપૂર્ણ રીતે મતદાન થયા બાદ સવારમાં ત્રીજા તબક્કામાં મતદાનની શરૂઆત થઇ

ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૧૧૬ સીટ પર મતદાનની શરૂઆત થઇ

ગુજરાતની તમામ ૨૬ લોકસભા સીટ પર મતદાન શરૂ કરવામાં આવ્યુ

ગુજરામાં ગાંધીનગર સીટ સહિત કુલ ૩૭૧ ઉમેદવારોના ભાવિ મતદાન શરૂ થતાની સાથે સીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમિત શાહના પરિવાર સાથે થોડાક સમય વાતચીત કરતા દેખાયા

ત્રીજા  તબક્કામાં પણ શાંતિપૂર્ણ રીતે મતદાનને પાર પાડવા માટે ચૂંટણી પંચ દ્વારા તમામ તૈયાર કરી લેવામાં આવી હતી.

ત્રીજા તબક્કામાં ઉત્તરપ્રદેશની ૧૦ સીટ પર મતદાન જારી છે.  મુખ્ય સ્પર્ધા ભાજપ અને ગઠબંધન વચ્ચે છે

બિહારમાં પાંચ સીટ પર મતદાન જારી છે .પાંચ સીટ પર ૮૨ ઉમેદવારો મેદાનમાં છે. કુલ ૮૮.૩૧ લાખ મતદારો પૈકી મોટા ભાગના મતદારો બહાર નિકળ્યા

લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી.ત્યારબાદથી મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે

ત્રીજા તબક્કાની  ચૂંટણી માટે પ્રચારનો રવિવારના દિવસે અંત આવ્યો હતો

લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત તબક્કામાં ચૂંટણી યોજનાર છે

૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે.તમામ મતદારો પણ ઉત્સુક બન્યા

તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી ચુકી છે. આનાથી વોટરો એ બાબતને જાણી શકશે કે, તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ.

તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે. અને ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે

આ વખતે સામાન્ય ચૂંટણીમાં ૯૦ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.

૨૦૧૪થી હજુ સુધી ૮.૪ કરોડ મતદારો વધ્યા છે. આમા પણ ૧.૫ મતદારો એવા છે જેમની વય ૧૮થી ૧૯ વર્ષની છે.૨૦૧૪માં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.

(3:44 pm IST)