Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

પીએમ કિસાન : કુલ ૪.૭૪ કરોડ ખેડૂતોને રકમ ચુકવાશે

બીજા ઇન્સ્ટોલમેન્ટની આગામી મહિનાથી ચુકવણી : આચારસંહિતા અમલી બની જાય તે પહેલા નોંધાઈ ચુકેલા ૪.૭૪ કરોડ ખેડૂતોને પીએમ કિસાન સ્કીમનો લાભ થશે

નવી દિલ્હી, તા. ૨૩ : સામાન્ય ચૂંટણી માટે આચારસંહિતા ૧૦મી માર્ચના દિવસે અમલી બને તે પહેલા પીએમ કિસાન સ્કીમ હેઠળ નોંધણી કરાવી ચુકેલા આશરે ૪.૭૪ કરોડ નાના અને મધ્યમ ખેડૂતોને તેમના બેંક ખાતામાં બે હજાર રૂપિયાની બીજા ઇન્સ્ટોલમેન્ટની રકમ હવે મળનાર છે. વરિષ્ઠ સરકારી અધિકારીએ આજે આ મુજબની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ૪.૭૪ કરોડ લાભાર્થીઓ પૈકીના ૨.૭૪ કરોડ ખેડૂતોને પ્રથમ ઇન્સ્ટોલમેન્ટની રકમ મળી ચુકી છે. બાકીના ખેડૂતોને આ મહિનામાં આવરી લેવામાં આવશે. ચૂંટણી પંચે ૧૦મી માર્ચ પહેલા સ્કીમ હેઠળ નોંધાયેલા તમામ લાભાર્થીઓને પ્રથમ અને બીજા ઇન્સ્ટોલમેન્ટની રકમ ટ્રાન્સફર કરવા કેન્દ્રીય કૃષિમંત્રાલયને મંજુરી આપી દીધી છે. અત્રે નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવે તે પહેલા જ કેન્દ્ર સરકારે ૭૫૦૦૦ કરોડ રૂપિયાની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ૧૨ કરોડથી વધુ ખેડૂતોને ત્રણ ઇન્સ્ટોલમેન્ટમાં દર વર્ષે ૬૦૦૦ રૂપિયા આપવામાં આવશે. જે ખેડૂતો બે હેક્ટર સુધીની જમીન ધરાવે છે તેવા ૧૨ કરોડ ખેડૂતોને આનો લાભ મળશે. બજેટમાં એનડીએ સરકાર દ્વારા પ્રથમ ઇન્સ્ટોલમેન્ટમાં આવા ખેડૂતોને ૨૦૦૦ રૂપિયા તેમના ખાતામાં જમા કરવા ૨૦૦૦૦ કરોડ રૂપિયાની રકમ ફાળવવામાં આવી હતી. માર્ચના અંત સુધી ઇન્સ્ટોલમેન્ટમાં આ રકમ ચુકવવામાં આવશે. ૨૪મી ફેબ્રુઆરીના દિવસે ઉત્તરપ્રદેશમાં ગોરખપુરમાં મોદી દ્વારા રાષ્ટ્રીય સ્તર પર આ યોજના શરૂ કરી હતી અને ૨૦૨૧ કરોડ રૂપિયાની રકમ ૧.૦૧ કરોડ ખેડૂતોના ખાતામાં પ્રથમ ઇન્સ્ટોલમેન્ટ તરીકે રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. ૧૨ કરોડ ખેડૂતોના ડેટા ભેગા કરવામાં આવી રહ્યા છે. આચારસંહિતા  અમલી બને તે પહેલા જ ૪.૭૪ કરોડ ખેડૂતોના આંકડા આવ્યા હતા જેથી તેમને લાભ મળનાર છે. ૨.૭૪ કરોડ લાભાર્થીઓને પ્રતમ ઇન્સ્ટોલમેન્ટની રકમ મળી ચુકી છે. પહેલી એપ્રિલથી બીજા તબક્કાની રકમ આપવામાં આવશે. તમામ લાભાર્થીઓની નોંધણી આચારસંહિતા પહેલા કરવામાં આવી હતી. અધિકારીઓના કહેવા મુજબ પ્રથમ ઇન્સ્ટોલમેન્ટની ચુકવણી કરવા આગળ વધી રહ્યા છે જે લોકોના નામ પોર્ટલ પર છે તેમને રકમ મળશે. ઉપરાંત બીજા ઇન્સ્ટોલમેન્ટની રકમ પણ ચુકવાશે. એકલા ઉત્તરપ્રદેશમાં પ્રથમ ઇન્સ્ટોલમેન્ટની રકમ હજુસુધી એક કરોડ ખેડૂતોને આપવામાં આવી છે. કેન્દ્ર સરકારનેવધારાના ૬૬ લાખ ખેડૂતોના ડેટા મળ્યા છે. પંજાબ અને હરિયાણા લાભાર્થીઓની યાદીમાં સૌથી ઉપર છે. બંગાળ અને સિક્કિમ એવા રાજ્યો છે જે રાજ્યો દ્વારા ખેડૂતોના ડેટા આપવામાં આવ્યા નથી.

 

(7:23 pm IST)