Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

પબજી હવે છ કલાકથી વધુ નહીં રમી શકાય

પબજી સામે વધતા વિરોધના પગલે ગેમના ડેવલપર્સે નિયંત્રણ મૂકયા : બે કલાક બાદ હવે સ્ક્રીન પર હેલ્થ રિમાઇન્ડર આવશે

મુંબઇ તા. ૨૩ : અમદાવાદ સહિત દેશભરમાં લાખો યુવાનો અને કિશોરોને લાગેલી પબજી મોબાઇલની લત ચિંતાનો અને ચર્ચાનો વિષય બન્યો છે. અમદાવાદ સહિત શહેરોમાં પોલીસે પબજી પર પ્રતિબંધ મુકયો છે અને અત્યાર સુધીમાં ૧૧ યુવાનોની ધરપકડ પણ કરી છે. બીજી બાજુ હવે ભારતમાં પબજી સામેના વિરોધ અને ચિંતાને ધ્યાનમાં રાખીને હવે પબજી ગેમના ડેવલપર્સ હવે નિયંત્રણ લાદવા જઇ રહી છે જેના કારણે હવે કોઇ પણ વ્યકિત એક દિવસમાં ૬ કલાકથી વધુ પબજી રમી નહીં શકે. હોળી-ધુળેટીના દિવસોમાં પબજીની ગેમમાં હેલ્થ રિમાઇન્ડર મળ્યા હોવાનું અનેક ગેમર્સ કહી રહ્યા છે. પબજીના શોખીન અનેક પ્લેયરે તેના સ્ક્રીનશોટ પણ સોશિયલ મીડિયામાં મુકયા છે.

પબજી ગેમ સતત બે કલાક રમ્યા બાદ સ્ક્રીન પર મેસેજ આવે છે.જો તમે તેને અવગણીને રમવાનું ચાલું રાખો તો ફરીથી ગેમમાંથી બ્રેક લેવાની સલાહ આપતો મેસેજ આવે છે. તેમ છતાં ગેમ ચાલુ રખાય તો ગેમનું સર્વર આપોઆપ પ્લેયરને અમુક સમય માટે બ્લોક કરી દે છે. આ ઉપરાંત હવે સર્વરમાંથી મેસેજ દ્વારા પ્લેયરની ઉંમર ૧૮ વર્ષથી વધુની છે કે કેમ તે પણ પૂછવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પબજી ગેમની લતમાં યુવાનોએ હત્યા અને આત્મહત્યા કર્યાના તથા હુમલા કર્યાના બનાવો બન્યા છે.અનેક કિશોરો અને યુવાનો ભણવાનું છોડીને કલાકોના કલાકો આ ગેમમાં રચ્યાપચ્યા રહે છે. જેના કારણે ગુજરાતમાં શાળાઓમાં પબજી પર પ્રતિબંધ મુકી દેવાયો હતો. આ ઉપરાંત અમદાવાદ અને રાજકોટમાં પણ પોલીસે પ્રતિબંધ મુકયો છે.ભારતમાં પબજી સામેના વિરોધને જોતા હવે ગેમના નિર્માતાઓ આગળ આવ્યા છે અને ગેમ રમવાના સમય પર નિયંત્રણ મૂકવાનું શરું કર્યું છે. જોકે તેની સત્ત્।ાવાર જાહેરાત હજુ કરાઇ નથી. તેમ જ આ ફિચર પણ હજુ ટેસ્ટિંગ લેવલમાં હોવાનું પણ મનાઇ રહ્યું છે.

(3:35 pm IST)