Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

ક્રૂડ ૨૪ ટકા મોંઘું: દેશમાં મોંઘવારી-ફુગાવો વધશે

આગામી બે-ત્રણ મહિનામાં ક્રૂડના આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ ૭૫ ડોલર સુધી પહોંચવાની દહેશત

નવી દિલ્હી તા.૨૩: ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ફરી એક વાર ઉછાળો આવ્યો છે. આ વર્ષે ૧ જાન્યુઆરી બાદ અત્યાર સુધીમાં ક્રૂડ ઇન્ટરનેશનલ લેવલ પર ૨૪ ટકા જેટલું મોઘું થઇ ગયું છે. બ્રેન્ટ ક્રૂડ અને ડબ્લ્યુઆઇટી ક્રૂડ બંનેની કિંમત ઝડપથી વધી રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી કવાર્ટરમાં પણ ક્રૂડમાં તેજી રહેવાના અણસાર છે તેની અસર દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વરતાવા લાગી છે જો ક્રૂડમાં સતત તેજી ચાલુ રહેશે તો દેશની કરન્ટ એકઉન્ટ ડેફિસિટ (કેડ)વધી શકે છે. સાથેસાથે તેની અસર સ્વરૂપે દેશમાં મોંઘવારી અને ફુગાવો વધવાની દહેશત છે.

જાન્યુઆરીની શરૂઆતમાં ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ ૫૪ ડોલર હતો, જે વધીને ૨૨ માર્ચ, ૨૦૧૯ના રોજ પ્રતિ બેરલ ૬૮ ડોલર પર પહોંચી ગયો છે. ગઇ સાલ ડિસેમ્બરથી અત્યારસુધીની વાત કરીએ તો ક્રૂડ ૫૦ ડોલરથી ૩૬ ટકા વધુ મોંઘુ થઇ ગયું છે. એન્જલ બ્રોકિંગના જણાવ્યા પ્રમાણે આગામી બેથી ત્રણ મહિનામાં ક્રૂડમાં ઘટાડાની કોઇ શકયતા નથી. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ ૭૫ બેરલ સુધી પહોંચી શકે છે. તેનું કારણ એ છે કે યુએસમાં ઇન્વેન્ટરી ઘટી છે અને ઓપેક દેશો ક્રૂડ ઉત્પાદનમાં કાપ મૂકવા સતત સમર્થન આપી રહ્યા છે.

(3:30 pm IST)