Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

જીત્યો તો દરેક ઘરે ૧૦ લીટર દારૂ આપીશ!

તામિલનાડુના ઉમેદવારનો અનોખો વાયદો

મદુરાઇ તા. ૨૩ : દેશમાં ચૂંટણીનો માહોલ છે અને ચૂંટણીના માહોલ વચ્ચે દારૂ અને પૈસાનો ભરપૂર રીતે દુરૂપયોગ કરવામાં આવતો હોય તે વાતમાં બીજો મત ન હોઈ શકે. પહેલા તબક્કાનું મતદાન પણ દૂર નથી. રાજનૈતિક પાર્ટીઓ અને ઉમેદવારો કોઈપણ રીતે ચૂંટણીના વાયદા કરવાથી ચૂકતા નથી. એવામાં તમિલનાડુમાં એક અલગ જ પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. જયાં તમિલનાડુમાં મોટી રાજનૈતિક પાર્ટીઓ મફતમાં કંઈપણ આપવાની ચૂંટણી ઘોષણા કરતાં બચતી જોવા મળી રહી છે, જયારે એક અપક્ષ ઉમેદવારે ચૂંટણી જીતવા બાદ મફતમાં દારૂ આપવાનો વાયદો કર્યો છે.

વ્યવસાયે દરજી કામ કરતા ૫૫ વર્ષીય શેખ દાઉદે એલાન કર્યું કે જો તેઓ ચૂંટણી જીતશે તો પોતાના મતવિસ્તારમાં આવતા દરેક ઘરમાં ૧૦ લીટર દારૂ મફતમાં આપશે. શેખ દાઉદે તીરૂપુર લોકસભા સીટ પરથી પોતાનું નામાંકન પત્ર ભર્યું છે. શેખે પોતાની ચૂંટણી ઘોષણાપત્રમાં ૧૫ ઘોષણા કરી છે. આ ઘોષણા પત્રમાં મહિલાઓ માટે ખાસ જગ્યા બનાવવામાં આવી છે. શેખે વાયદો કર્યો છે કે મહિલાઓને ૨૫,૦૦૦ રૂપિયા પ્રતિ મહિને આપવામાં આવશે.

શેખ દાઉદે પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં કહ્યું કે, 'મારા ચૂંટણી ઘોષણાપત્રની ૧૫ હાઈલાઈટ્સ છે, જે જનતાને સીધા જ લાભ પહોંચાડશે. ઘરની મહિલાઓના મુખ્યા માટે સરકાર તરફથી ૨૫૦૦૦ રૂપિયા પ્રતિ મહનાની વ્યવસ્થા કરીશ. હું એવું એટલા માટે નથી કરી રહ્યો કે લોકો ભૂલ કરે. પરંતુ હું પોંડિચેરીથી શુદ્ઘ બ્રાંડી દરેક પરિવાર માટે ઉપલબ્ધ કરાવીશ જેનો ઉપયોગ દવાની જેમ થઈ શકે. જે દર મહિને આપવામાં આવશે.'

આ ચૂંટણીલક્ષી ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું કે દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. દરેક છોકરીને લગ્ન સમયે ૧૦ સોનાના સિક્કા અને ૧૦ લાખ રૂપિયા કેશ આપવામાં આવશે. ઘોષણાપત્રમાં ખેડૂતો માટે શેખ દાઉદે વાયદો કર્યો કે જિલ્લામાં પાણીની વ્યવસ્થા દુરૂસ્ત કરવા માટે નહેર ખોદવામાં આવશે, જેનાથી મેત્તૂર ડેમ દ્વારા તીરુપુર અને સલેમ જિલ્લાને કનેકટ કરી શકાશે. શેખ દાઉદે એમ પણ કહ્યું કે જેવી રીતે દિવંગત પી કક્કને પોતાના લોકસભા ક્ષેત્રનો વિકાસ કર્યો હતો તેવી જ રીતે તેઓ પણ પોતાના ક્ષેત્ર માટે કામ કરશે.

(3:29 pm IST)