Gujarati News

Gujarati News

News of Saturday, 23rd March 2019

અડવાણી બાદ હવે મુરલી મનોહર જોશીની ટિકિટ કપાય તેવી શકયતા

નવીદિલ્હી,તા.૨૩: ભાજપ તરફથી જાહેર કરવામા આવેલી યાદીમાં અડવાણીના નામની બાદબાકી બાદ હવે કાનપુરના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશીની પણ ટિકિટ કપાય તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરએસએસએ ભાજપમા આ વખતે યુવા ચહેરાને  તક આપવામા આવે તેવી યોજના બનાવી છે.

ભાજપે તેની પહેલી યાદીમાંથી ગાંધીનગર સીટ પરથી છ વખત ચૂંટણી લડનારા અડવાણીનુ નામ કાપી અમિત શાહને ટિકિટ આપ્યા બાદ હવે મુરલી મનોહર જોશીનુ નામ પણ કાપી નાખવામા આવે તેવી શક્યતા વધી રહી છે. મુરલી મનોહર જોશી પણ અડવાણીની જેમ જ પાર્ટીના માર્ગદર્શક મંડળના સભ્ય છે. ત્યારે એવુ માનવામા આવી રહ્યુ છે કે સંઘ પરિવારે જનપ્રતિનિધિ બનવા ૭૫ વર્ષની વય મર્યાદા નકકી કરી છે તેમાં અત્યારસુધી જારી કરેલી યાદીમાં ઉત્તરાખંડના બે પૂર્વ મુખ્યમત્રી બી સી ખંડુરી અને ભગતસિંહ કોશ્યારી પણ ચૂંટણી મેદાનમાથી હટી ગયા છે. ભાજપે આ વખતે ઉત્તરાખંડના અધ્યક્ષ તીરથસિંહ રાવતને ખંડુરીની જગ્યાએ મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોશ્યારી સીટ માટે અજય ભટ્ટની પસંદગી કરવામા આવી છે. આ ઉપરાંત દેવરિયાથી ૨૦૧૪માં સાંસદ તરીકે ચૂંટાયેલા કલરાજ મિશ્રએ તેમની ઉમર ૭૫ વર્ષથી વધુ હોવાથી તેમણે ખુદ જ ચૂંટણી લડવા ઈનકાર કર્યો છે. આ સિવાય ઝારખંડના ખુંટીથી કરિયા મુંડાની પણ ટિકિટ કપાય તેવી શકયતા છે.

તો બીજી તરફ મધુબની સીટ પર હુકુમદેવ નારાયણને બદલે તેમના પુત્ર અશોક યાદવને ટિકિટ આપવામા આવી છે. આ ઉપરાંત ઈન્દોરથી સતત સાંસદ તરીકે ચૂંટાતા સુમિત્રા મહાજન અને હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી શાંતાકુમારને પણ આ વખતે ટિકિટ નહિ મળે તેવી ચર્ચા ચાલી રહી છે. આધ્રપ્રદેશની સિંકદરાબાદ સીટ પરથી બંડારૂ દત્તાત્રેયની જગ્યાએ ભાજપે કિશન રેડડીને મેદાનમાં ઉતાર્યા છે.આમ ભાજપમાથી આ વખતે મોટાભાગના નેતાઓની ટિકિટ કપાય તેવી શકયતા છે .

(3:25 pm IST)