Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

જૈશના મુખ્યાલયને કબ્જામાંથી લીધુ હોવાનો પાકિસ્તાનનો દાવો : ભારે દબાણ સામે ઝૂકી પડયા

ઇસ્લામાબાદ તા. ૨૩ : પુલવામા હુમલા બાદ આતંકી સંગઠન પર કાર્યવાહી કરવા આંતરરાષ્ટ્રીય દબાણ સહન કરી રહેલ પાકિસ્તાન સરકાર દુનિયાની આંખમાં ધૂળ નાંખવા અવનવા રસ્તાઓ અપનાવી રહ્યું છે.

પાકિસ્તાન સરકારે શુક્રવારે બહાવલપુરમાં જૈશ-એ-મહોમ્મદના મુખ્યાલયને પોતાના નિયંત્રણમાં લઇ લીધુ છે. પાકિસ્તાનના સૂચના પ્રસારણ મંત્રી ચૌધરી ફવાદ હુસૈને જણાવ્યું કે પંજાબ પ્રાંતની સરકારે આ કાર્યવાહી નેશનલ સિકયોરિટી કાઉન્સિલની બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય હેઠળ કરી છે.

ચૌધરીએ જણાવ્યું હતું કે જે મદરેસાને જૈશના આતંકીનું મુખ્યાલય બતાવામાં આવી રહ્યું છે, તે ચેરીટીનું કામ કરે છે અને આજરોજ આ વાતની પુષ્ટી માટે પંજાબ સરકાર મીડિયાકર્મીઓને આ મદરેસાની મુલાકાત કરાવશે.

આમ જૈશના મુખ્યાલયને લઇને પાકિસ્તાનનું વધુ એક જૂઠાણુ સામે આવ્યું છે. જેમાં બહાવલપુરમાં જૈના પરિસર પર કબજો કર્યો હોવોનો પાકિસ્તાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે.ઙ્ગ પાકિસ્તાનના સૂચના પ્રસારણ મંત્રીએ કહ્યું આ એ જ મસ્જિદ છે જેને ભારત તરફથી જૈશ-એ-મહોમ્મદનું મુખ્યાલય બતાવવામાં આવી રહ્યું છે. પંજાબ સરકાર મીડિયાકર્મીઓને આ મદરેસામા લઇ જશે જેના કારણે લોકોને ખબર પડે કે અહીં ૭૦૦ વિદ્યાર્થીઓ સાથે આ મદરેસા ચેરીટીનું કામ કરી રહ્યું છે. ચૌધરીએ જણાવ્યું કે મદ્રેસા પર કરવામાં આવી રહેલી કાર્યવાહનું કાશ્મીર હુમલા સાથે કોઇ સંબંધ નથી. નેશનલ એકશન પ્લાન અમારી પોતાની નીતિ છે જેને બધા પક્ષોનું સમર્થન છે. પાકિસ્તાન સરકારે એવો દાવો કર્યો હતો તેણે બહાવલપુરમાં જૈશ-એ-મહોમ્મદના પરિસરને પોતાના નિયંત્રણમાં લઇ લીધું છે.

(3:26 pm IST)