Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

ચૂંટણી પહેલા ગુજરાતના ખેડૂતોના બંને હાથમાં લાડવા

૪૦ લાખ ખેડૂતોને પાંચમી માર્ચ પહેલા રૂ. ૬૦૦૦ કિસાન સન્માન યોજના હેઠળ મળી જશે : સરકાર ૨૫૦૦ કરોડ છુટા કરશેઃ અછતગ્રસ્ત વિસ્તારોના ૧૫ લાખથી વધુ ખેડૂતોને પાક વીમાની રકમ પણ એક સપ્તાહમાં મળી જશે

નવી દિલ્હી તા. ૨૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૪ અને ૫ માર્ચે ગુજરાતની મુલાકાતે આવે તે પહેલા ૪૦ લાખ જેટલા ખેડૂતોના ખાતામાં રૂ. ૬૦૦૦ હજાર જમા કરાવી દેવા માંગે છે. આ રકમ પીએમ કિસાન સન્માન યોજના હેઠળ જમા થશે. અગાઉ સરકારે એવી જાહેરાત કરી હતી કે, ૧૦ દિવસમાં દરેક ખેડૂતના ખાતામાં રૂ. ૨૦૦૦નો પ્રથમ હપ્તો જમા થઇ જશે.

આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું હતું કે, આ મહત્વકાંક્ષી યોજના હેઠળ જે ખેડૂત પાસે ૨ હેકટરથી પણ ઓછી કૃષિ ભૂમિ ધરાવતા હોય તેમના ખાતામાં દર વર્ષે રૂ. ૬૦૦૦ જમા કરવામાં આવશે. ૨૮મી ફેબ્રુ. પહેલા ૪૦ લાખ જેટલા ખેડૂતોના ખાતામાં રૂ. ૬૦૦૦ જમા કરવા સરકાર રૂ. ૨૫૦૦ કરોડ છુટા કરવા જઇ રહી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભૂમિ ધરાવતા ૩૦ લાખ ખેડૂતોના આધાર અને બેંક ખાતાના લીંકીંગનું કામ પુરૃં થઇ ગયું છે. બાકીનું કામ બે-ત્રણ દિવસમાં પુરૂ થઇ જશે. વડાપ્રધાન ડિજીટલ રીતે ગુજરાતના ખેડૂતોના ખાતામાં રકમ જમા કરશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૧૫ લાખથી વધુ ખેડૂતો (મોટા ભાગના અછતગ્રસ્ત વિસતારો)ના પાક વીમાના દાવા પણ મંજુર કરવાની તૈયારી ચાલી રહી છે. ખેડૂતોને એક સપ્તાહમાં વળતર મળી જવા ધારણા છે.

આ બંને લાભો વડાપ્રધાન ૪ અને ૫ માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે આવે તે પહેલા અને ચૂંટણીની તારીખો જાહેર થઇ જાય તે પહેલા ખેડૂતોના હાથમાં પહોંચી જશે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે જિલ્લા વહીવટી તંત્ર પાત્ર ખેડૂતોના ફોર્મ વિગતો એકઠી કરી ભરી રહ્યું છે અને તે ડીજીટલ ગુજરાત પોર્ટલમાં અપલોડ કરી રહ્યું છે.(૨૧.૮)

(11:53 am IST)