Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

આસામ : સીએમ સોનોવાલની હાજરીમાં ૬૪૪ ઉગ્રવાદીઓએ આત્મ સમર્પણ કર્યું

પ્રતિબંધિત સંગઠનોએ ૧૭૭ શસ્ત્રો પોલીસને જમા કરાવ્યા

આસામના ૮ પ્રતિબંધિત સંગઠનોના ૬૪૪ ઉગ્રવાદીઓએ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલની હાજરીમાં ગુરૂવારે આત્મસમર્પણ કર્યું છે. ઉગ્રવાદીઓએ ૧૭૭ હથિયાર પોલીસને જમા કરાવ્યા છે. આસામના ડીજીપી ભાસ્કર જયોતિ મહંતે આ વાતનો ખુલાસો કર્યો છે. મહંતે કહ્યું છે કે, આજનો દિવસ આસામ સરકાર અને પોલીસ માટે ખાસ છે.

સરન્ડર કરનાર સભ્યો યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ આસામ (ઉલ્ફા), નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (NDFB), આરએનએલએફ, કેએલઓ, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી), નેશનલ સંથાલ લિબરેશન આર્મી (NSLA), આદિવાસી ડ્રેગન ફાઈટર (ADF) અને નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ બંગાળી (NLFB)ના સભ્યો છે.

આ મહિનાની શરૂઆતમાં જ NDFBએ સરકાર સાથે તેમનું અભિયાન બંધ કરવા માટે ત્રિપક્ષીય સમજૂતી કરી હતી. સમજૂતી પ્રમાણે NDFB મુખિયા બી. સાઓરાઈગવરા સહિત દરેક ઉગ્રવાદી હિંસક પ્રવૃતિઓ રોકશે અને સરકાર સાથે શાંતિ વાર્તામાં સામેલ થશે. ત્રિપક્ષીય સમજૂતીમાં NDFB, કેન્દ્ર સરકાર અને આસામ સરકાર સામેલ હતા. સાઓરાઈગવરાની સાથે NDFBના ઘણાં સક્રિય સભ્યો ૧૧ જાન્યુઆરીએ મ્યાનમારથી ભારત આવ્યા હતા.

(3:39 pm IST)