Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

મુંબઇની નાઇટ લાઇફને સરકારની મંજુરી

ર૭મીથી થિયેટર, દુકાનો, મોલ, ખાઉગલી, હોટલો આખી રાત ખુલ્લા રહેશે

મુંબઇ તા. ર૩ : આર્થિક પાટનગર મુંબઇ ર૪ કલાક જાગતું હોવાનું કહેવાય છે. અને એ માન્યતા હકિકતમાં બદલાઇ રહી છે. લોકો આખી રાત ખાણી-પીણી અને ખરીદી કરી શકે એ માટે સરકારની મંજુરી મળી ગઇ છે. ગઇ કાલે મળેલી કેબિનેટની બેઠક બાદ ખુદ પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ મુંબઇ નાઇટ લાઇફની જાહેરાત કરી હતી. પબ અને બાર માટે નવા નિયમ નથી બનાવાયા એટલે પબ અને બિયરબાર રાતે ૧-૩૦ વાગ્યા સુધી જ ખુલ્લાં રહેવાના જુના નિયમ જ કાયમ રહશેે. ર૭ જાન્યુઆરીથી મુંબઇના રહેણાંક વિસ્તાર વગરના વિસ્તારોની દુકાનો અને મોલથી માંડીને ખાણી-પીણી આખી રાત ચાલુ રહી શકશે.

આદિત્ય ઠાકરેએ કહ્યું કે 'મુંબઇની મહેસુલી આવક વધારવા માટે અમે ર૦૧૩માં નાઇટ લાઇફની યોજના વિચારી હતી હવે ૭ વર્ષ પછી આ વિચાર સાકાર થયો છે. આ યોજનાથી રોજગાર વધશે' ર૭ જાન્યુઆરીથી નાઇટ લાઇફના નિયમ લાગુ થશે. અને નાઇટ લાઇફને બદલે મુંબઇ ર૪*૭ કહી શકાય મુંબઇમાં મોટી સંખ્યામાં લોકો નાઇટ શિફટમાં કામ કરતા હોય છે. તેમને મોડી રાતે ભુખ લાગે તો કયાં જાય ? રાતના સમયે તેઓ ફિલ્મો નથી જોઇ શકતા ર૪ કલાક શહેર ખુલ્લુ રહે તો લોકો કોઇ પણ ડર વિના હરીફરી શકશે. ટુરિસ્ટો પણ મોટી સંખ્યામાં મુંબઇની મુલાકાતે આવશે બધા પર સીટીટીવી કેમેરાથી ર૪ કલાક નજર રખાશે. દુકાનો અઠવાડિયામાં છ કે પાંચ દિવસ ખુલ્લી રહેશે અથવા ૧૮ કલાક ચાલુ રહેશે.

ઉલ્લેખનીય છે કે રાતના સમયે લોકોની સલામતી જોખમમાં મુકાવાની આશંકા બાબતે મુંબઇ પોલીસે નાઇટ લાઇફ શકય છે. કે નહી એનુ પહેલેથી સર્વેક્ષણ કરીને કોઇ સમસ્યા ઉભી ન થવાની અહેવાલ સરકારને સુપરત કર્યો હતો. આ જ રીતે મુંબઇ મહાનગર પાલીકાએ પણ અને માટે સજજ હોવાનું કહ્યું છે એથી ગઇ કાલના સરકારના નિર્ણય બાદ ર૭ જાન્યુઆરીથી મુંબઇની નાઇટ લાઇફ શરૂ થવાની શકયતા છે.

મુંબઇમાં નાઇટ લાઇટ પ્રાયોગીક તબકકામાં નરીમાન પોઇન્ટ, કાલા ઘોડા, બીકેસી, કમલા મિલ જેવા બિનરહેવાસી વિસ્તારોમાં શરૂ થશે. ત્યાર બાદ પરા વિસ્તારમાં પણ નાઇટ લાઇફનો વિસ્તાર થશે.

કેવી હશે મુંબઇની નાઇટ લાઇફ ?

* તળ મુંબઇ સાથે પરામાં પણ નવો નિયમ લાગુ પડશે.

* ફુડ ટ્રક, ખાઉગલી, દુકાન, હોટેલ, થિયેટર, મોલ ખુલ્લા રહેશે.

* પહેલો તબક્કો ર૭ જાન્યુઆરીથી શરૂ થશે.

 * પબ-બિયરબાર જુના નિયમ મુજબ રાતે ૧-૩૦ વાગ્યા સુધી ખુલ્લાં રહેશે.

(11:26 am IST)