Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

આંધ્રમાં મોટું જમીન કૌભાંડઃ ૭૯૭ ગરીબોએ ખરીદ્યા ૨૨૦ કરોડના પ્લોટ

અગાઉની ટીડીપી સરકાર વખતનુ કૌભાંડ બહાર આવતા ખળભળાટઃ જેમણે કિંમતી પ્લોટો ખરીદ્યા તેમની માસિક આવક રૂ. ૫૦૦૦થી પણ ઓછી છેઃ સીઆઈડી, પોલીસ, ઈડી, ઈન્કમટેક્ષ વગેરે એજન્સીઓએ તપાસ શરૂ કરીઃ પ્લોટો લેનાર ગરીબી રેખા નીચે રહે છે અને બધા સફેદ કાર્ડ ધારક છેઃ અમરાવતીમાં ૧૩૧ ગરીબોએ ૧૨૯ એકર જમીન ખરીદીઃ પેડાકાકાનીમાં ૪૩ ગરીબોએ ૪૦ એકર જમીન ખરીદીઃ ટડીકોન્ડામાં ૧૮૮ ગરીબોએ ૧૯૦ એકર જમીન ખરીદીઃ થુલ્લુરમાં ૨૩૮ ગરીબોએ ૨૪૩ એકર જમીન ખરીદીઃ મંગલાગીરીમાં ૧૪૮ ગરીબોએ ૧૩૩ એકર જમીન ખરીદીઃ ટાડાપલ્લીમાં ૪૯ ગરીબોએ ૨૪ એકર જમીન ખરીદી

અમરાવતી, તા. ૨૩ :. આંધ્ર પ્રદેશમાં ૩ પાટનગરવાળા પ્રસ્તાવને લઈને મચેલા હોબાળા વચ્ચે સીઆઈડીએ એક મોટા જમીન કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સીઆઈડી અને પોેલીસે એવુ શોધી કાઢયુ છે કે રાજ્યના અનેક ગરીબ લોકોને કરોડો રૂપિયાની જમીનના માલિક ગણાવી મોટુ કૌભાંડ આચરવામાં આવ્યુ છે. સીઆઈડીની તપાસમાં સામે આવ્યુ છે કે અગાઉની ટીડીપી સરકારના સમયમાં પ્રસ્તાવિત પાટનગર અમરાવતીમાં સફેદ કાર્ડ ધારક (ગરીબી રેખાથી નીચે) લગભગ ૭૯૭ લોકોને કરોડો રૂપિયાની જમીનના માલિક ગણવામાં આવ્યા છે. સીઆઈડીની તપાસ દરમિયાન ૨૦૧૪ અને ૧૫માં અમરાવતીમાં ખરીદવામાં આવેલા ૨૨૦ કરોડ રૂપિયાની મૂળ કિંમતના પ્લોટના માલિકોની આવક માત્ર ૫૦૦૦થી પણ ઓછી છે.

સીઆઈડીએ મામલાની આગળની તપાસ માટે ઈન્કમટેક્ષ વિભાગ અને ઈડીને પત્ર લખ્યો છે. ટેકસની ચોરી અને મનીલોન્ડ્રીંગ થયાની આશંકા છે. સીઆઈડીનું કહેવુ છે કે અનેક લોકો કે જેમણે કરોડોના પ્લોટ ખરીદ્યા છે તેમની પાસે પાનકાર્ડ પણ નથી એટલુ નહિ તેઓની આવક પણ ઈન્કમટેક્ષ ચૂકવવાને પાત્ર ન હતી. અત્રે નોંધનીય છે કે જગન મોહન સરકારે ટીડીપી નેતા નારા લોકેશ, પી. નારાયણ સહિત અનેક લોકો પર ગુન્ટુરમાં ઈનસાઈડર ટ્રેડીંગમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. કૌભાંડની તપાસ કરનાર સબકમીટીનું કહેવુ છે કે બધા નેતાઓએ સાથે મળીને ગુન્ટુરમાં ૪૦૭૦ એકર જમીન ઈનસાઈડર ટ્રેડીંગ હેઠળ પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુના દિશાનિર્દેશથી આવુ કર્યુ હતું.

૨૦૧૪માં તેલંગાણાથી આંધ્રપ્રદેશ અલગ પડયા બાદ તત્કાલીન સરકારે જાહેરાત કરી હતી કે અમરાવતી આંધ્રપ્રદેશનું પાટનગર હશે અને વિજયવાડા સાથે જોડાયેલા વિસ્તારમાં ૩૩૦૦૦ એકર જમીન ખરીદવામાં આવી હતી. ૨૦૧૯માં જ્યારે વાયએસઆર કોંગ્રેસની સરકાર આવ્યા બાદ ૩ અલગ પાટનગર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે હેઠળ અમરાવતીમાં માત્ર વિધાનસભા રહેશે જ્યારે સરકારી કાર્યાલય વિશાખાપટ્ટનમ શિફટ થશે.

સીઆઈડીની તપાસમાં જણાયુ હતુ કે તમામ ૭૬૭ લોકો જેમણે કથીત રીતે ૭૬૧ એકર જમીન ખરીદી તેઓ બધા ગુન્ટુરના રહેવાસી છે. તપાસમાં એવોે પણ ખુલાસો થયો છે કે સૌથી વધુ સંખ્યામા શંકાસ્પદ લેવડદેવડ થુલ્લુરૂ વિભાગમાં થઈ છે.

પોલીસે આઈટી અધિકારીઓને ખરીદનારાઓની વિગત, તેમનુ સરનામુ અને જમીનની માર્કેટ વેલ્યુ અંગે જણાવ્યુ હતું. બીજી તરફ ઈડીએ આ ડીલમાં મનીલોન્ડ્રીંગની આશંકા સાથે તપાસ કરવા કહ્યુ છે. સીઆઈડીએ ટીડીપીના પૂર્વ મંત્રી પુલ્લા રાવ અને પી. નારાયણ વિરૂદ્ધ જમીન ખરીદીનો કેસ નોંધ્યો છે.

(10:50 am IST)