Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

આર્થિક મોરચે સરકારને ઉઘાડી પાડવા રાહુલ મેદાને

સરકારની નિષ્ફળતાઓનો પર્દાફાશ કરશેઃ ખેડૂતો-યુવાનો-વેપારીઓ-પ્રોફેશ્નલોને મળશે દેશવ્યાપી યાત્રા કરશે

નવી દિલ્હી તા.૨૩: દેશભરમાં સીએએ અને એનઆરસીનો વિરોધ ચાલુ રાખવો મુશ્કેલ થઇ રહ્યો હોવાથી પ્રજા સમક્ષ કોગ્રેસ પણ આર્થિક મંદી અને અન્ય મુદ્દાઓ બાબતે રાહુલ ગાંધીની દેશભરમાં યાત્રાનું આયોજન કરી રહ્યો છે.

પોતાની આ યાત્રા દરમ્યાન રાહુલ ગાંધી કિસાન, આદિવાસી, ગ્રામ્ય મજૂરો, નાના અને મધ્યમ વેપારીઓ, ઉદ્યોગપતિઓ અને ધંધાર્થીઓ જેવા મુદ્દાઓ પણ ઉઠાવશે. આવા મુદ્દાઓ ઉઠાવવાની સાથે સાથે પ્રજા સાથે જોડાવાનો પ્રયત્ન કરવા ઉપરાંત સરકારની આર્થિક ક્ષેત્રે નિષ્ફળતાઓની પણ વાત કરશે. કોંગ્રેસના એક નેતાએ કહ્યું હતું કે આની સાથે સાથે સીએએ અને એનપીઆરનો વિરોધ કરવાનું પણ ચાલુ રખાશે.

આ નેતાએ કહ્યું હતું કે ૧૧ જાન્યુઆરીની કોંગ્રેસ વર્કીગ કમિટીની મિટીંગમાં આ યાત્રા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સીએએ અને એનઆરસી તો મુદ્દા છે જ પણ યુવાઓ, કિસાનો, વેપારીઓ અને ધંધાર્થીઓના મુદ્દાઓ ઉઠાવીને પ્રજાવિરોધી ભાજપા સરકારને ખુલ્લી પાડવાની પણ જરૂર છે.

આ યાત્રા પહેલા ભૂતપૂર્વ કોંગ્રેસ પ્રમુખ એક યુવા આક્રોશ રેલીનું પણ આયોજન કરશે અને દેશભરના યુવાનો અને વિદ્યાર્થીઓ સાથે દેશની આર્થિક સ્થિતી અને બેરોજગારી જેવા મુદ્દાઓની ચર્ચા કરશે.

(11:39 am IST)