Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

પંજાબમાં કેજરીવાલની જાહેરાત: રાજ્યમાં સરકાર બનશે તો દરેક મહિલાઓને માસિક રૂ.1000 આપશું

એક પરિવારમાં સાસુ, પુત્રવધૂ અને દીકરી હશે તો ત્રણેયના ખાતામાં રૂ.1000 આવશે: વૃધ્ધોને પેંશન સિવાય પણ રૂ.1000 આપવામાં આવશે

નવી દિલ્હી :  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબમાંથી એક મોટું એલાન કર્યું છે. તેમણે કહ્યું કે, અમારી સરકાર પંજાબમાં બની તો દરેક મહિલાઓને માસિક રૂ.1000 આપવામાં આવશે. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મોંગાની રેલીમાં કહ્યું હતું કે, જો એક પરિવારમાં સાસુ, પુત્રવધૂ અને દીકરી છે તો ત્રણેયના ખાતામાં રૂ.1000 આવશે.

જે વૃદ્ધોને પેન્શન મળે છે એના સિવાય પણ રૂ.1000 આપવામાં આવશે. દુનિયાના ઈતિહાસમાં આ મહિલા સશક્તિકરણનો સૌથી મોટો કાર્યક્રમ છે.

પંજાબની ચૂંટણીમાં હવે મહિલાઓએ નક્કી કરવાનું છે કે, કોને મત આપવો. પંજાબના મુખ્યમંત્રીને ટોણો મારતા કહ્યું કે, આજકાલ પંજાબમાં નકલી કેજરીવાલ ફરી રહ્યા છે. હું પંજાબમાં જે કંઈ વાયદાઓ કરીને જાવ છું એનું પુનરાવર્તન એ જ કરી દે છે. પણ કોઈ કંઈ કરતું નથી. માત્ર બોલે છે. હું પંજાબમાં આવીને વીજળી મફતમાં આપવાની વાત કરીને ગયો તો તેણે પણ ફ્રી વીજળીનું એલાન કરી નાંખ્યું. હું એક પ્રશ્ન કરવા માગું છું કે, પંજાબમાં કોઈનું ઝીરો વીજબિલ આવ્યું છે ખરા? આ માત્ર હું જ કરી શકું એમ છું. નકલી કેજરીવાલથી પંજાબના લોકોએ બચીને રહેવાનું છે. આમ આદમી પાર્ટી પંજાબમાં મોટાપાયે ચૂંટણી અભિયાન ચલાવી રહી છે. કેજરીવાલે કોંગ્રેસ પર ખોટા વાયદાનો આરોપ મુક્યો હતો. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ કહ્યું કે, અમે ખેડૂતોને રૂ. 8000 કરોડની સબસીડી આપીએ છીએ. કેજરીવાલને પૂછો કે તેઓ એવી કઈ સબસીડી ખેડૂતોને આપે છે. આ પહેલા પણ અરવિંદ કેજરીવાલે ઉત્તરાખંડની મુલાકાત લઈને ત્યાં પણ ચૂંટણીલક્ષી વાયદાઓ કર્યા હતા. ઉત્તરાખંડમાં આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે, જો તેમની પાર્ટી વિધાનસભા ચૂંટણીમાં સરકાર બનાવે, તો રાજ્યના લોકોને મફતમાં રામલલાના દર્શન કરાવવામાં આવશે.

(12:11 am IST)