Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

ઇન્દિરા ગાંધીએ 'ખાલિસ્તાનીઓ'ને મચ્છરની જેમ કચડી નાખ્યા હતાઃ કંગના

અભિનેત્રી સામે સિખ સંગઠને 'વાંધાજનક' ને 'અપમાનજનક' ટિપ્પણી મામલે ફરિયાદ નોંધાવી

મુંબઇ, તા.૨૨: અભિનેત્રી કંગના રાણાવતના વધુ એક નિવેદનથી વિવાદ સર્જાયો છે. તેમણે ખેડૂતોના આંદોલન મામલે પોતાનો અભિપ્રાય આપતાં કહ્યું કે 'ખાલિસ્તાની'આતંકીઓ આજે સરકારને ફેરવી શકે છે. પરંતુ તેઓ એક મહિલાને ન ભૂલે. એકમાત્ર મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમને પોતાના જૂતાની નીચે મચ્છરની જેમ કચડી નાખ્યા હતા. એ વખતે ભલે ગમે તેટલી પીડા થઇ હોય, પરંતુ તેમણે દેશના ટુકડા થવા દીધા નહતા. તેમના મોતના દાયકાઓ બાદ પણ લોકો તેમના નામથી કાંપે છે. તેમને આવો જ ગુરુ જ જોઇએ.ઇંસ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરાયેલી એક પોસ્ટ માટે હવે પોલીસ ફરિયાદ કરાઇ છે. તેમણે કથિતરીતે સંપૂર્ણ સિખ સમુદાયને ખાલિસ્તાની આતંકી તરીકે ગણાવ્યો હતો અને પૂર્વ વડાપ્રધાન પર સિખોને મચ્છરની જેમ કચડી દેવાનો આરોપ મુકયો હતો. દિલ્હી સિખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિએ કથિતરીતે વાંધાજનક ટિપ્પણી મામલે મંદિર માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમિતિએ તેના નિવેદનમાં કહ્યું છે કે સોશિયલ મીડિયા પર તાજેતરમાં કરાયેલી પોતાની પોસ્ટમાં રાણાવતે જાણીજોઇને ખેડૂતોના પ્રદર્શનને 'ખાલિસ્તાની આંદોલન' ગણાવ્યું છે. નિવેદનમાં ઉમેરાયું છે કે સિખ સમુદાયની સામે 'વાંધાજનક' અને 'અપમાનજનક' શબ્દોનો ઉપયોગ કરાયો છે. જેનાથી સિખ સમાજની લાગણીને નુકસાન પહોંચ્યું છે. કંગનાએ આ પોસ્ટ બાદ વધુ એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે ઇન્દિરા ગાંધીની એક તસ્વીરની સાથે લખ્યું હતું કે ખાલિસ્તાની આંદોલનના ઉદયની સાથે તેમની કહાણી તમારા માટે ઇમર્જન્સી લાવવાથી વધુ પ્રાસંગિક છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ભીખમાં આઝાદી સહિતના નિવેદનોને કારણે વિપક્ષો કંગનાની ટીકા કરી રહ્યા છે. હવે આ મુદો કેવો આકાર લે છે તેની રાહ જોવી રહી.

(3:30 pm IST)