Gujarati News

Gujarati News

News of Monday, 22nd November 2021

એન્કરિંગ સમયે હિજાબ પહેરવાનું થયુ જરૂરી

તાલિબાનનું ફરમાન : હવે મહિલા એકટ્રેસવાળી ટીવી સીરીયલ બંધ કરાવો

નવી દિલ્હી તા. ૨૨ સત્તામાં આવ્યા બાદ તાલિબાને મહિલાઓને કામ કરવાની આઝાદી આપવાની વાત કરી હતી, પરંતુ હવે ફરી એક વખત જે રીતે ધાર્મિક માર્ગદર્શિકા જારી કરવામાં આવી રહી છે, તે જોઈને લાગે છે કે સંગઠને તેની જૂની પરંપરા જાળવી રાખી છે. હકીકતમાં, તાલિબાન પ્રશાસને રવિવારે નવી 'ઇસ્લામિક ધાર્મિક માર્ગદર્શિકા' જારી કરી છે, જે મુજબ મહિલા અભિનેત્રીઓને દેશમાં ટેલિવિઝન ચેનલો પરની સિરિયલો અથવા ડેઇલી સોપ્સમાં બતાવી શકાશે નહીં. એટલું જ નહીં, તાલિબાને મહિલા અભિનેત્રીઓને લઈને બનેલી તમામ જૂની સિરિયલોના ટેલિકાસ્ટને રોકવાનો પણ આદેશ આપ્યો છે. તાલિબાનના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મહિલા ટીવી પત્રકારોએ એન્કરિંગ કરતી વખતે હિજાબ પહેરવું જોઈએ.

મંત્રાલયે ચેનલોને પ્રોફેટ મુહમ્મદ અથવા અન્ય મહાનુભાવોને દર્શાવતી ફિલ્મો અથવા કાર્યક્રમોનું પ્રસારણ ન કરવા પણ જણાવ્યું હતું. તાલિબાન મંત્રાલયે ઇસ્લામિક અને અફઘાન મૂલ્યોની વિરૂદ્ઘ ફિલ્મો અથવા કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી હતી. મંત્રાલયના પ્રવકતા હકીફ મોહાજીરે એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે આ ધાર્મિક માર્ગદર્શિકા છે, નિયમો નહીં.

નવી માર્ગદર્શિકા રવિવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા નેટવકર્સ પર વ્યાપકપણે પ્રસારિત કરવામાં આવી હતી. તાલિબાનોએ પહેલેથી જ નિયમો લાદી દીધા છે કે મહિલાઓ યુનિવર્સિટીમાં શું પહેરી શકે અને શું નહીં. વધુમાં, પ્રેસની સ્વતંત્રતા જાળવી રાખવાના વચનો છતાં ઘણા અફઘાન પત્રકારોને માર મારવામાં આવ્યો હતો અને હેરાન કરવામાં આવ્યો હતો.

(12:47 pm IST)