Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

મહા ગઠબંધન તૂટવાની અટકળો સાચી પડીઃ ઉત્તર પ્રદેશ બાદ હવે બિહારમાં પણ કોંગ્રેસનું ગઠબંધન તૂટયુઃ લોકસભાની 40 બેઠકો કોંગ્રેસ એકલા હાથે લડશે

પપ્‍પુ યાદવે બનાવેલ પાર્ટીને કોંગ્રેસમાં ભેળવી દેવાય તેવી શક્‍યતા

યુપી બાદ બિહારમાં પણ કોંગ્રેસનુ મહાગઠબંધન ખતમ થઈ ગયુ છે. મહાગંઠબંધન તુટવાની અટકળો તો કેટલાક દિવસથી થઈ જ રહી હતી પણ આજે ખુદ કોંગ્રેસ દ્વારા જ તેનુ એલાન કરવામાં આવ્યુ હતુ.

બિહાર કોંગ્રેસના પ્રભારી ભક્ત ચરણ દાસે કહ્યુ હતુ કે, બિહારમાં હવે કોંગ્રેસ મહાગઠબંધનમાં હિસ્સો નથી. આગામી લોકસભામાં તમામ 40 બેઠકો પર કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે. તેમણે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, આજથી બિહારમાં મહાગઠબંધન ખતમ થઈ ગયુ છે.

બિહારના રાજકારણની દ્રષ્ટિએ આ બહુ મોટી જાહેરાત છે. કારણકે લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી અને કોંગ્રેસ ત્રણ દાયકાથી એક બીજાની જોડે છે. જોકે આ સમયગાળામાં બે ત્રણ વખત એવુ બન્યુ હતુ કે, આ બંને પાર્ટીઓ એક બીજાથી અલગ થઈ હતી પણ તે બહુ ઓછા સમય માટે.

દરમિયાન બિહારના બાહુબલી નેતા ગણાતા પપ્પુ યાદવે પેટા ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપવાની વાત કરી છે. જેને કોંગ્રેસે આવકાર આપ્યો છે. એવુ મનાય છે કે, પપ્પુ યાદવે બનાવેલી અલગ પાર્ટીને ટુંક સમયમાં કોંગ્રેસમાં ભેળવી દેવામાં આવશે.

(5:54 pm IST)