Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

સેનામાં ૩૯ મહિલા ઓફિસરોને મળશે સ્થાયી કમીશન

સુપ્રીમકોર્ટમાં ૩૯ મહિલા ઓફિસરોને મોટી જીત મળી : કેન્દ્રને મહિલા ઓફિસરોને સ્થાયી કમીશન આપવાનો ઓર્ડર જાહેર કરેઃ સુપ્રીમ કોર્ટે

નવી દિલ્હી, તા.૨૨: સુપ્રીમકોર્ટમાં ૩૯ મહિલા ઓફિસરોને મોટી જીત મળી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું છે કે, તેઓ મહિલા ઓફિસરોને સ્થાયી કમીશન આપવાનો ઓર્ડર જાહેર કરે. સાથે જ અદાલતે ૨૫ મહિલા ઓફિસરોને સ્થાયી કમીશન ન આપવા અંગેના નિર્ણયના કારણો વિસ્તૃતરૂપે આપવાનું કહ્યું છે.

સુપ્રીમ કોર્ટમાં સેનાના મહિલા અધિકારીઓ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર ડીવાઇ ચંદ્રચુડ અને જસ્ટિસ બીવી નાગરત્નાની બેન્ચે સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન કેન્દ્ર તરફથી ASG સંજય જૈન અને વરિષ્ઠ વકીલ આર. બાલાસુબ્રમણ્યમે બેંચને જણાવ્યું હતું કે, ૭૨માંથી એક મહિલા ઓફિસરે સર્વિસથી રીલીઝ કરવા માટે અરજી કરી છે. સરકારે બાકીના ૭૧ મહિલા કર્મચારીઓ પર પુનૅં વિચાર કરીને ૩૯ મહિલા ઓફિસરને સ્થાયી કમીશન આપવાનો નિર્ણય કર્યો છે. કારણકે ૩૨માંથી સાત મેડીકલી ફીટ નથી જયારે બાકીના ૨૫ સાથે અનુશાશન ભંગ કરવાનો ગંભીર આરોપ છે અને ગ્રેડિંગ પણ ખરાબ છે.

નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ૮ ઓકટોબરના રોજ સેનાને કહ્યું હતું કે,પોતાના લેવલ પર આ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે. એવું ન કરે કે આ અંગે અમારે કોઈ આદેશ આપવો પડે.

જો મહિલા અધિકારીઓનું માનવામાં આવે તો, સુપ્રીમ કોર્ટે ૨૫ માર્ચ, ૨૦૨૧ના રોજ નિર્ણય કર્યો હતો કે, જે મહિલાઓને સ્પેશિયલ ઈલેકશન બોર્ડમાં ૬૦થી વધારે અંક મળ્યા છે અને જેમની સામે ડીસીપ્લીન અને વિજીલન્સના કોઈ કેસ નથી તેમને સ્થાયી કમીશન આપવામાં આવે. જોકે આ મહિલાઓને સ્થાયી કમીશન આપવામાં આવી રહ્યું નથી. એટલું જ નહિ પરંતુ તેમને રીલીઝ કરવાનું પણ કામ સેનાએ શરુ કરી દીધું છે, જોકે આ અંગે કોર્ટે રોક લગાવી છે. ૧૦ ઓગસ્ટના રોજ મહિલાઓએ રક્ષા મંત્રાલય અને સેનાને કાનૂની નોટીસ મોકલી હતી તો જવાબ મળ્યો ન હતો ત્યારબાદ પછી સુપ્રીમ કોર્ટના દરવાજા મહિલાઓએ ખખડાવ્યા હતા.

નોંધનીય છે કે, સેનામાં અત્યારે ૧૫૦૦થી વધારે મહિલા ઓફિસરો છે, જયારે પુરુષોની સંખ્યા ૪૮૦૦૦ છે, જે મહિલાઓ કરતા ત્રણ દ્યણી વધારે છે. હવે આ મહિલાઓને આશા છે કે, સુપ્રીમ કોર્ટ તેમને સ્થાયી કમીશન અપાવી શકે છે.

(4:22 pm IST)