Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

ફાઈઝર-બાયોએનટેકના બૂસ્ટર ડોઝથી કોરોના સામે મળે છે ૯૫.૬% સુધી સુરક્ષા

અમેરિકામાં ૬૫ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો અને હાઈ રિસ્કવાળા લોકોને બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યા છે : ફાઈઝર વેકસીનનો બીજો ડોઝ લીધા બાદ ૮૪% તો ત્રીજા (બૂસ્ટર) ડોઝ લીધા પછી સંક્રમણ સામે ૯૫.૬% સુધી સુરક્ષા મળે છે

વોશિંગ્ટન, તા.૨૨: અમેરિકી કંપની ફાઈઝર-બાયોએનટેકની કોરોના વેકસીનનો બૂસ્ટર ડોઝ સંક્રમણથી ૯૫.૬% સુરક્ષા આપે છે. કંપનીના નવા અભ્યાસમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે. સ્ટડી માટે કંપનીએ ૧૬ વર્ષથી વધુ ઉંમરના ૧૦ હજાર લોકો પર ૧૧ મહિના સુધી ટ્રાયલ કર્યું. એમાં સામે આવ્યું છે કે ફાઈઝર વેકસીનનો બીજો ડોઝ લીધા બાદ ૮૪% તો ત્રીજા (બૂસ્ટર) ડોઝ લીધા પછી સંક્રમણ સામે ૯૫.૬% સુધી સુરક્ષા મળે છે.

ફાઈઝર-બાયોએનટેકનું કહેવું છે કે, જયારે ડેલ્ટા વેરિયન્ટ દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યો હતો, એ સમયે લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું. રિસર્ચરોનું કહેવું છે કે વેકસીનનો બૂસ્ટર ડોઝ દરેક ઉંમર, જાતિ, લિંગના લોકોમાં સમાન રીતે પ્રભાવશાળી રહ્યો છે. કંપનીના CEO અલ્બર્ટ બૌર્લાએ કહ્યું કે ટ્રાયલના રિઝલ્ટથી ખ્યાલ આવે છે કે બૂસ્ટર શોટ લીધા બાદ સંક્રમણથી સારી રીતે સુરક્ષિત રહી શકાય છે. અમે લોકો દુનિયાને આ મહામારી સામે સુરક્ષિત રાખવા ઈચ્છીએ છીએ. કેટલાય દેશ પોતાના નાગરિકોની ઈમ્યુનિટી વધારવા માટે કોરોના વેકસીનના બૂસ્ટર શોટ લગાવવાનું શરુ કરી ચૂકયા છે.

અમેરિકામાં બૂસ્ટર ડોઝ માટે શું નિયમ?

અમેરિકાના ફેડરલ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) સપ્ટેમ્બરમાં જ વેકસીનનો બૂસ્ટર ડોઝ લગાવવાની પરવાનગી આપી ચૂકયું છે. હાલ ત્યાં ફકત ૬૫ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો અને હાઈ રિસ્કવાળા લોકોને જ બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે.

યુરોપિયન મેડિસિન એજન્સી (EMA)એ ઓકટોબરની શરૂઆતમાં જ ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝ આપવાની પરવાનગી આપી દીધી છે. યુરોપમાં EMAએ છૂટ આપવામાં આવી છે કે તે જે એજ ગ્રુપને ઈચ્છે, તેમને પહેલા બૂસ્ટર ડોઝ આપે. તો, ઇઝરાયલે પોતાની મેડિકલ ઓથોરિટીઝને ૧૨ વર્ષથી વધુ ઉંમરના દરેક લોકોને બૂસ્ટર ડોઝ લગાવવાનું કીધું છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે દુનિયાના ગરીબ દેશોમાં હજુ પણ મોટાભાગની વસ્તી એવી છે જેમને વેકસીનનો પહેલો ડોઝ પણ નથી મળ્યો. આવી સ્થિતિમાં પશ્ચિમી દેશો દ્વારા બૂસ્ટર ડોઝ કાર્યક્રમ શરુ કરવો યોગ્ય નથી. સંયુકત રાષ્ટ્રથી જોડાયેલા સંગઠન ગાવી ગરીબ દેશોમાં વેકસીન પહોંચાડવાના પ્રયત્નમાં લાગ્યું છે.

(12:27 pm IST)