Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

સરકારી મહેમાન

ગિરિમથકની રાણી 'મસૂરી' તેની ખૂબસૂરતી સાથે લગ્ન-જોડાં બનાવવાની મશહૂર જગ્યા

એક અનોખા ઓફિસર કે જેઓ બિન ગુજરાતી હોવા છતાં ગુજરાતી ભાષાને ખૂબ પ્રેમ કરે છે : રાજ્યના વહીવટી તંત્રમાં બે એવા લેખિત આદેશ થયા છે કે જેના કારણે શંકાઓ જન્મી છે : એક જિલ્લા કલેક્ટર- સ્માર્ટફોન અને સોશ્યલ મિડીયાથી દૂર થયા પણ લોકો સાથે કનેક્ટ છે

મસૂરીનું નામ આવે એટલે આપણને સૌંદર્ય યાદ આવી જાય છે. ખુશનુમા વાતાવરણ વચ્ચે મસૂરી કે જે ઉત્તરાખંડના દહેરાદૂન જિલ્લામાં આવેલું ખૂબસુરત શહેર છે. હિમાલયની તળેટીમાં આવેલા આ શહેરને ગિરિમથકોની રાણી તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીનરીથી ઘેરાયેલા આ પ્રદેશમાં ટેકરીઓ એક આદર્શ ગિરિમથક બનાવે છે. અહીંના સહેલાણીઓને પરીકથા જેવી ભૂમિનો અનુભવ થાય છે. અહીંનું સૌથી ઊંચુ સ્થળ લાલ ટિબ્બા 2290 મીટરની ઊંચાઈએ આવેલું છે. અહીં આઇએએસ ઓફિસરોની તાલીમ શાળા છે. કેન્દ્ર સાથે ત્રણ મહિનાની ટ્રેનિંગનું પોતાનું પહેલું એસાઇમેન્ટ પૂરું કરી રહેલા 2016ના 156 આઇએએસ ઓફિસરોની બેચે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ ઓફિસરોમાં 12 કપલ એવાં છે કે જેમણે મસૂરીની લાલબહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં ટ્રેઇનિંગ દરમિયાન લગ્ન કરી લીધાં છે. 2017ની બેચના છ અધિકારીઓ હજી મસૂરીમાં ટ્રેઇનિંગમાં છે તેમણે તેમના સાથી આઇએએસ અધિકારીઓ સાથે લગ્ન કર્યાં છે. 2015ની બેચના 14 અધિકારીઓએ બેન્ચમેટ કે જુનિયર અથવા સિનિયરને જીવનસાથી તરીકે પસંદ કર્યા છે. મસૂરી સુંદર અને રોમાન્ટિક જગ્યા છે. યુપીએસસી પરીક્ષા પાસ કરવાની જહેમત બાદ યુવા અધિકારીઓ ટ્રેઇનિંગ માટે આ એકેડેમીમાં આવે છે અને તેમને અન્ય સાથી મિત્રો સાથે પ્રેમ થઇ જાય છે.

ધવલ પટેલ કેવા ઓફિસર છે જાણો...

સોશ્યલ મિડીયા અને સ્માર્ટ ફોન એ આજના જમાનાની એવી ચીજ છે કે જેના વિના કોઇને ચાલી શકે નહીં. ગુજરાતની જનતા જ્યારે સ્માર્ટફોનની ચાહક છે અને ફેસબુક, ટ્વિટર અને વોટ્સઅપની આદતથી મજબૂર છે ત્યારે એવા પણ ઓફિસરો છે કે જેઓ સ્માર્ટફોન વાપરતા નથી. સોશ્યલ મિડીયાથી દૂર છે. સુરત જિલ્લાના કલેક્ટર ધવલ પટેલે નક્કી કર્યું છે કે તેઓ સ્માર્ટફોન વાપરશે નહીં અને સોશ્યલ મિડીયા સાથે પણ જોડાશે નહીં. તેમનું આ પગલું જોઇને જિલ્લાના પાંચ ડેપ્યુટી કલેક્ટરોએ પણ સ્માર્ટફોન તેમજ સોશ્યલ મિડીયાથી દૂર રહેવાનું પસંદ કર્યું છે. થોડાં સમય પહેલાં ઓરી અને રૂબેલા વિરોધી રસીકરણ ઝૂંબેશ ચાલતી હતી ત્યારે જિલ્લા કલેક્ટર ધવલ પટેલે સુરતના અડાજણની વીડી દેસાઇ સ્કૂલમાં પહોંચીને તેમના બન્ને પુત્રોને ઓરી અને રૂબેલાની રસી અપાવી હતી. ધવલ પટેલ 2008ની બેચના આઇએએસ ઓફિસર છે. 2009માં તેઓ આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ગોધરામાં જોડાયા હતા. 2010 થી 2012 સુધી તેઓ પાટણમાં આસિસ્ટન્ટ કલેક્ટર હતા ત્યારબાદ તેઓ 2012 થી 2015 સુધી રોજકોટના જિલ્લા વિકાસ અધિકારી હતા. 2016 થી 2018 સુધી તેમણે આણંદના જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવી છે. ગાંધીનગરના સરગાસણના વતની એવા આ અધિકારી 2008ની બેચમાં 23 વર્ષની યુવાન વયે 12મા રેન્કમાં આવ્યા હતા. તેમના પિતા પણ નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે સરકારી સેવામાં ફરજ બજાવી ચૂક્યાં છે. તેમની માતા રેલ્વેમાં ફરજ બજાવે છે. ધવલ પટેલ સ્માર્ટફોન અને સોશ્યલ મિડીયાથી અંગત કારણોસર દૂર થયા છે પરંતુ ફોન, એસએમએસ અને મેઇલ દ્વારા તેમનો સંપર્ક થઇ શકે છે.

ફિલ્મ શૂટીંગ માટે મહાત્મા મંદિર પણ સિલેક્ટ...

ગુજરાતમાં દર મહિને એક ગુજરાતી ફિલ્મ બને છે અને તેના શૂટીંગનું લોકેશન ગુજરાતની જ ભૂમિ હોય છે. હાલ રાજ્યમાં ગુજરાતી ફિલ્મોનો ક્રેઝ છે તેથી ફિલ્મ નિર્માતાઓ વધુને વધુ ફિલ્મો બનાવી રહ્યાં છે. ફિલ્મોના શૂટીંગની વધતી જતી માગણીને ધ્યાને લઇને રાજ્ય સરકારે બિન ગુજરાતી ફિલ્મો માટે શૂટીંગની પરવાનગી આપવાનું નક્કી કર્યું છે. ભૂતકાળમાં અનેક હિન્દી ફિલ્મોના શૂટીંગ ગુજરાતમાં થયા છે પરંતુ તે સમયે ફિલ્મના નિર્માતા-નિર્દેશકોને ખબર ન હતી કે ગુજરાત પાસે શૂટીંગના લોકેશનનો ખજાનો છે. ગુજરાત સરકારે પ્રથમવાર ટુરિસ્ટ ડેસ્ટીનેશનની જેમ ફિલ્મ શૂટીંગ માટેના લોકેશન શોધી કાઢ્યા છે. બોલીવુડની ફિલ્મો હવે ગુજરાતની ધરતી ઉપર પણ બની શકે છે, કેમ કે રાજ્યના ટુરિઝમ કોર્પોરેશને ફિલ્મ શૂટીંગ માટેના એવાં 91 જેટલા સ્થળો નક્કી કર્યા છે કે જ્યાં ફિલ્મ શૂટીંગ માટેની જગ્યા ભાડે આપવામાં આવશે. ગુજરાતના ઉત્તમ લોકેશનમાં સૌ પ્રથમ સાપુતારા આવે છે, ત્યારપછી પોળોના જંગલો આવે છે. એ ઉપરાંત હાલના ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં દરિયાકિનારાના સ્થળો, કચ્છનું રણ, ધોળાવીરા જેવા પૌરાણિક શહેરો, ધાર્મિક સ્થળો, રજવાડી મહેલો તેમજ અભ્યારણ્યોનો સમાવેશ થાય છે. ટુરિઝમ કોર્પોરેશને ગાંધીનગરના મહાત્મા મંદિરને પણ ફિલ્મ શૂટીંગ માટે સિલેક્ટ કર્યું છે. ફિલ્મ શૂટીંગના લોકેશન પૈકી સૌથી વધુ કચ્છમાં આવેલા છે. ટુરિઝમ કોર્પોરેશને અમદાવાદ અને વડોદરાને પણ શૂટીંગ લોકેશન માટેનું બેસ્ટ સ્થળ ગણ્યું છે. ચાલો, સારૂં થયું કે ગુજરાતની મનોરંજન પ્રિય જનતાને હવે હિન્દી અને બિન ગુજરાતી ફિલ્મોમાં પણ ગુજરાતી સ્થળો જોવા મળશે. ટુરિઝમના અધિકારીઓએ પ્રત્યેક લોકેશનની ખૂબસુરતીના વિડીયો બનાવ્યા છે જે ફિલ્મ નિર્માતા અને નિર્દેશકોને બતાવવામાં આવશે.

રેરાના ચેરમેનનો ગુજરાતી પ્રેમ અનોખો છે...

કહેવાય છે કે ગુજરાત કેડરના અધિકારીઓ નિવૃત્તિ પછી ગુજરાતને તેમનું ઘર બનાવી દેતા હોય છે. રાજ્ય સરકારની નોકરીમાંથી નિવૃત્ત થયેલા 350થી વધુ આઇએએસ ઓફિસરોએ વતનને ભૂલીને તેમનું કાયમી ઘર ગાંધીનગર અને અમદાવાદને બનાવી દીધું છે. ઓફિસરોનો આ ગુજરાત પ્રેમ છે પરંતુ ગુજરાતી પ્રેમ ઘણાં ઓછા અધિકારીઓને હોય છે. રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ (RERA) નો અમલ શરૂ થયો ત્યારે ગુજરાતમાં ભૂતપૂર્વ ચીફ સેક્રેટરી ડો. મંજૂલા સુબ્રમણ્યમ તેના પહેલા ચેરપર્સન હતા. તેઓ ગુજરાતી ભાષા ખૂબ સરસ રીતે બોલે છે. હવે રેરાના ચેરમેન તરીકે ડો. અમરજીત સિંઘ આવ્યા છે. તેઓ ગુજરાત કેડરના પંજાબી આઇએએસ ઓફિસર છે. દિલ્હીમાં તેઓ ઘણો સમય મોદી સરકારમાં રહ્યાં છે. નિવૃત્તિ પછી ગયા જુલાઇ મહિનામાં તેમનું પોસ્ટીંગ ગુજરાતમાં --રેરા-- ના ચેરમેન તરીકે થયું છે. ડો. સિંઘ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે અને અત્યારે પણ ગુજરાતી ભાષાને ખૂબ પ્રેમ કરે છે. તેમને ગુજરાતી સાહિત્ય વાંચનનો ખૂબ શોખ છે. અંગ્રેજી, પંજાબીની સાથે તેઓ ગુજરાતી લિટરેચર પણ વાંચે છે. તેમને ગુજરાતી લેખકોના પુસ્તકો વાંચવા ખૂબ ગમે છે. ગુજરાતી ન્યૂઝપેપરના એડિટોરિયલ તેમજ પૂર્તિના આર્ટિકલ્સના તેઓ શોખિન છે. ગાંધીનગરમાં સહકાર ભવનમાં રેરાની કચેરીમાં ચાર્જ લીધા પછી તેમણે ગુજરાતી લેખકોને શોધવાનું શરૂ કર્યું છે. ગુજરાતી જનતા માટે ગૌરવની બાબત છે કે એક પંજાબી આઇએએસ ઓફિસર ગુજરાતી ભાષાને વાંચવાનો અદ્દભૂત શોખ ધરાવે છે.

પ્રગતિશીલ ગુજરાત મેં યે ક્યા હો રહા હૈ...

ગુજરાતમાં આ શું ચાલી રહ્યું છે તેવો સવાલ લોકો કરી રહ્યાં છે. સચિવાલયમાં લોકોના તો ઠીક પરંતુ સંસદસભ્યો અને ધારાસભ્યોના કામ થતાં નથી તેથી રાજ્યના સામાન્ય વહીવટ વિભાગને આદેશ કરવો પડ્યો છે કે- રાજ્યના તમામ ઉચ્ચ અધિકારીઓએ પ્રજાના પ્રતિનિધિઓ સાથે શાલીનતાથી વર્તવું પડશે. તેઓ કોઇપણ ઓફિસમાં જાય ત્યારે તેમને પાણીનો ભાવ પૂછવો પડશે. તેમના પત્રોના સમયસર જવાબ આપવા પડશે. આવા આદેશ પછી નશાબંધીનો ચુસ્ત અમલ છે તેવા દાવા કરનારી સરકારના એક ઉચ્ચ પોલીસ ઓફિસર એટલે કે ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝા ને એક આદેશ કરવો પડ્યો છે કે- દારૂના દરોડા પાડતી વખતે સરકારની એજન્સીઓએ સ્થાનિક પોલીસને સાથે રાખવી નહીં, કેમ કે સ્થાનિક પોલીસ ફુટેલી હોઇ શકે છે. રાજ્યના પોલીસ વડા આ પ્રકારનો લેખિત આદેશ કરે તે સરકાર માટે શરમનજક કહી શકાય તેમ છે. પોલીસ વડા ગુજરાત પોલીસને મોરલના પાઠ શિખવે છે પરંતુ ખાટલે મોટી ખોડ છે. તેમણે સાચુ જ કહ્યું છે કે અગાઉથી જાણ કરીને દરોડા પાડવામાં આવે તો બઘું સગેવગે થઇ જાય છે, એટલે કે હવે --ઓચિંતા-- કોઇને જાણ કર્યા વિના દરોડા પાડવા ઇચ્છનિય છે.

ગુજરાત સરકાર પાંચ મહિના માટે વ્યસ્ત...

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને અત્યારે તો 31મી ઓક્ટોબર સાચવવાની છે તેથી આખી સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યમાં લાગી ગઇ છે. 31મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યાં છે અને આ નેશનલ કક્ષાના વિશાળ કાર્યક્રમમાં કોઇ ચૂક ન રહી જાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પરંતુ જેવી 31મી ઓક્ટોબર પૂર્ણ થશે એટલે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં સરકારના માથે મોટી જવાબદારી છે. રાજ્ય સરકારના પ્રતિનિધિઓ નવમી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટના ઇન્વિટેશન આપવા માટે તાજેતરમાં વિદેશ જઇ આવ્યા છે. હવે તેમના માટે એક નવો નેશનલ રાઉન્ડ શરૂ થાય છે. ગુજરાતના યજમાન પ્રતિનિધિઓ કે જેમાં મંત્રીગણ અને ઉચ્ચ ઓફિસરોનો સમાવેશ થાય છે તેઓ દેશના વિવિધ શહેરોમાં રોડ શો કરવા જવાના છે. આ બે મહિના પૂર્ણ થશે એટલે જાન્યુઆરીમાં વાયબ્રન્ટ સમિટ આવશે. તે પછી ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનો છે. આ ત્રણ મહિના લોકસભાની ચૂંટણીની તૈયારીમાં જતા રહેશે, એટલે સચિવાલયમાં એવું કહેવાય છે કે આગામી પાંચ મહિના સરકાર માટે અતિ વ્યસ્તતા ભર્યા અને ક્રિટીકલ છે. 150 દિવસની આ મેરેથોન રૂપાણી સરકારને કેવો સરપાવ આપે છે તે તેમના વહીવટી તંત્ર અને પ્રદેશ સંગઠનની કેવી તૈયારી છે તે બતાવશે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:52 am IST)
  • ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો:વિદેશી જંતુનાશક દવાઓ કંપનીઓને લપડાક:દેશની કંપનીઓ નથી કરતી વિદેશી કંપનીઓ નકલ:હાઈકોર્ટનાં નિર્ણયથી વિદેશી જંતુનાશક દવાઓ કંપનીઓની મોનોપોલી તૂટશે access_time 1:07 am IST

  • અમદાવાદમાં વકરતો રોગચાળો: છેલ્લા એક જ અઠવાડિયામાં ટાઈફોડના ૬૫ અને કમળાના ૫૮ નવા કેસો નોંધાયા access_time 1:12 am IST

  • આસામ અને અરૂણાચલ પ્રદેશમાં પૂરનો ખતરો:આસામના 10 ગામ પાણીમાં ગરકાવ: આસામ અને અરૂણાચલ પ્રદેશમાં તંત્ર હાઈ એલર્ટ પર:તિબેટમાં લેન્ડ સ્લાઈડ થઇ નદીનો રસ્તો બંધ થતા કૃત્રિમ તળાવ બન્યુ: access_time 4:38 pm IST