Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કડક કાયદો બનાવવાની તૈયારીમાં

હોટેલ, રેસ્ટોરા, લગ્ન સમારંભમાં ભોજનનો બગાડ થશે તો પાંચ લાખનો દંડ ફટકારાશે

નવી દિલ્હી તા. રર :.. ભારતમાં એક તરફ લાખો લોકોને બે ટંકનું ભોજન મળતું નથી અને બીજી તરફ લગ્ન સહિતના સમારોહમાં તેમજ હોટેલો અને રેસ્ટોરન્ટોમાં ભોજનનો બગાડ થાય છે.

જો કે એને અટકાવવા માટે આજ દિન સુધી કોઇએ પહેલ કરી નહોતી. હવે સરકારના ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા ભોજનનો બગાડ અટકાવતો કાયદો બનાવવા માટેની કાર્યવાહી કરાઇ છે. આ માટેનો કાયદો લાવવાનો ડ્રાફટ ઓથોરીટી દ્વારા તૈયાર કરાયો છે. જે કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને મોકલી આપવામાં આવશે.

આ ડ્રાફટમાં મુકાયેલા પ્રસ્તાવ પ્રમાણે  હોટેલ, રેસ્ટોરન્ટ અને બીજા સમારોહમાં ભોજનનો બગાડ થશે તો પાંચ લાખ રૂપિયા સુધી દંડ કરશે. કેટલાક એનજીઓ હાલમાં આ પ્રકારે વધેલું ભોજન ગરીબોને વહેંચવાનું કામ કરે છે, પણ ડ્રાફટમાં આ બાબત પર પણ ધ્યાન અપાયું છે.

નવી વ્યવસ્થામાં હોટેલ, રેસ્ટોરન્ટો તેમજ મેરેજ અને પાર્ટી પ્લોટનાં સંચાલકોનું રજિસ્ટ્રેશન અને સાથે-સાથે ભોજન વહેંચનારી સંસ્થાઓનું પણ રજિસ્ટ્રેશન કરાશે. વધેલું ભોજન વહેંચતી વખતે એ વાસી નથી એ ધ્યાન રાખવાનું રહેશે. તેને પેકેટમાં વહેચવાનું રહેશે અને તેના પર ભોજન શાકાહારી કે માંસાહારી છે એ પણ દર્શાવવાનું રહેશે.

(11:44 am IST)