Gujarati News

Gujarati News

News of Monday, 22nd July 2019

અંતરિક્ષમાં ભારતની ઉંચી ઉડાનઃ શ્રીહરિકોટાથી આજે બપોરે જીએસએલવી માર્ક-૩ દ્વારા ચંદ્રયાન ચંદ્રમાની યાત્રાએ રવાનાઃ ૧૨૫ કરોડ ભારતીઓમાં ગૌરવની લાગણી

ભારતની સુવર્ણ સિદ્ધિ ચંદ્રયાન-૨નું સફળ પ્રક્ષેપણ

વૈજ્ઞાનિકો ઉપર અભિનંદનનો વરસાદઃ ૪૮મા દિવસે ચંદ્ર ઉપર પહોંચશે ચંદ્રયાનઃ ૯૭૮ કરોડનું મિશન છેઃ ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર ઉતરશે યાનઃ સિદ્ધિ મેળવનાર ભારત વિશ્વનો ચોથો દેશ બન્યો

શ્રીહરિકોટા, તા. ૨૨ :. ભારતે આજે ઐતિહાસિક અને સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. અંતરિક્ષમાં ભારતે ડંકો વગાડી ઈસરોના મહત્વકાંક્ષી મુન મિશન ચંદ્રયાન-૨ એ આજે બપોરે ૨.૪૩ કલાકે અહીંના સતિષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ઉડાન ભરી છે. વરસાદ અને કાળાડિંબાગ વાદળો વચ્ચે ચંદ્રયાન-૨ના પ્રક્ષેપણને નિહાળવા હજારો સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. અત્યાર સુધી બાહુબલીના નામથી ચર્ચિત જીએસએલવી માર્ક-૩ રોકેટ સામાન્ય રીતે કામ કરી રહ્યો છે. ભારતે આ મિશન સફળ બનાવી ઈતિહાસ રચ્યો છે અને આવુ મિશન મેળવનાર તે અમેરિકા, ચીન, રશીયા પછી ચોથો દેશ બન્યો છે. ભારતનું ચંદ્રયાન ૪૮ દિવસ બાદ ચંદ્રની સપાટી પર પહોંચશે. કુલ ૯૭૮ કરોડનું આ મિશન છે. ચંદ્રયાન-૨નું વજન ૩.૮ ટન છે અને લઈ જનાર રોકેટ ૧૫ માળની ઈમારત જેવડુ ઉંચુ છે. ૧૫ જુલાઈએ લોન્ચ થવાનુ હતુ પરંતુ ટેકનિકલ ખામી સર્જાતા તેને ટાળી દેવાયુ હતું.

ભારતના આ મહત્વકાંક્ષી મિશનને સફળતા મળતા ભારતીય વિજ્ઞાનિકો ઉપર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. ચંદ્રયાન-૨ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફટ લેન્ડીંગ કરશે. લેન્ડીંગ વખતે તે લગભગ ૧૫ મિનીટ સુધી જોખમનો સામનો કરશે. તેમા કુલ ૧૩ પેલોડ છે. જેમાં ભારતના ૫, યુરોપના ૩, અમેરિકાના ૨ અને ૧ બલગેરીયાનું છે.

ચંદ્રયાન-૨ ચંદ્રની સપાટી પર માટી તથા ખડકોના નમૂના એકત્રીત કરશે. તે એક સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ચાલશે અને કુલ ૫૦૦ મીટર કવર કરશે. સમગ્ર મિશન ૧ વર્ષ સુધી ચાલશે. આ સફળ પ્રક્ષેપણ સાથે ઈસરોએ અંતરિક્ષ ક્ષેત્રે મોટી સફળતા મેળવી છે. ભારત માટે આજે ગૌરવનો દિવસ છે. હવે ભારતની સિદ્ધિ ચંદ્રને આંબી છે.  ચંદ્રયાન-૨ ચંદ્રમા પર ૬ કે ૭ સપ્ટેમ્બરે પહોંચશે. પહેલા તે ૫ ચક્કર લગાવવાનુ હતુ પરંતુ તે ૪ ચક્કર લગાવશે. ચંદ્રમાં પર પાણીની માત્રા અને મોજુદ ખનીજો અને રસાયણોનો તે અભ્યાસ કરશે. ચંદ્રયાન-૨ને ચંદ્રમાની સપાટી પર પહોંચતા ૪૮ દિવસ લાગશે. સમગ્ર વિશ્વએ આજે ભારતની અવકાશી તાકાતના દર્શન કર્યા છે. ૨૫૦ જેટલા વૈજ્ઞાનિકોએ આ મિશન પર કામ કર્યુ હતું.

લેન્ડર વિશે જાણકારી

લેન્ડરનું નામ વિક્રમ રાખવામાં આવ્યું છે. તેનુ વજન ૧૪૦૦ કિલો અને ૩.૫ મીટરની લંબાઇ છે. તેમા ૩ પેલોડ હશે. લેન્ડર ચંદ્ર ઉપર ઉતરી રોવરને સ્થાપીત કરશે.

ઓર્બિટર અંગે સંક્ષીપ્ત

આર્બિટરનું વજન ૩૫૦૦ કિલો અને લંબાઇ ૨.૫ મીટર છે તે પોતાની સાથે ૮ પેલોડ લઇ જશે. તે પેલોડ સાથે ચંદ્રના ચકકર લગાવશે. ઓર્બિટર  અને લેન્ડર ધરતીથી સીધો સંપર્ક કરશે પણ રોવર સીધો સંવાદ નહિ કરી શકે.

રોવરની ટુંકાણમાં માહિતી

રોવરનું નામ 'પ્રજ્ઞાન' એટલે કે બુધ્ધિ રખાયું છે તેનુ વજન ૨૭ કિલો અને લંબાઇ ૧ મીટર છે. જેમા ૨ પેલોડ હશે. તે સૌર ઉર્જાથી ચાલશે અને પોતાના ૬ પૈડાની મદદથી ચંદ્રની સપાટી ઉપર ફરીને માટી અને ખડકોના નમુના ભેગા કરશે.

ચંદ્રયાન-૧ અને ચંદ્રયાન-૨ના લેન્ડીંગ વચ્ચેનો તફાવત

. ચંદ્રયાન-૧ની હાર્ડ લેન્ડીંગ (ક્રેશ લેન્ડીંગ) કરાવાયેલ

.ચંદ્રયાન-૨નું સોફટ લેન્ડીંગ થશે

 .સોફટ લેન્ડીંગમાં પેલોડને નુકશાન થતુ નથી

.હાર્ડ લેન્ડીંગમાં પેલોડ તબાહ થઇ શકે છે

ચંદ્રયાન-૨ વિશે ટુંકુને ટચ

. મિશન પાછળ ૯૭૮ કરોડનો ખર્ચ

.ઇસરો મુજબ ચંદ્રયાન-૨ ચંદ્રના દક્ષિણ ધુવ ક્ષેત્રમાં ઉતરશે અને ત્યાંથી માહિતી મેળવવા પ્રયાસ કરશે

.૩૮૫૦ કિલો વજનના ચંદ્રયાન-૨ને ઓર્બીટર, લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) સાથે લઇ જશે

. મિશનનો મુખ્ય ઉદેશ ચંદ્ર ઉપર પાણીના પ્રમાણનું અનુમાન લગાવવાનો તેની જમીન, હાજર ખનીજો અને રસાયણો અને તેના વિતરણનું અધ્યયન કરવાનો છે.

. ચંદ્રયાન ૧૩ સ્વદેશી પે-લોડ યાન વૈજ્ઞાનિક ઉપકરણો લઇ જશે. જેમા વિવિધ પ્રકારના કેમેરા, સ્પેકટ્રોમીટર, રડાર, પ્રોબ અને સિસ્મોમીટર સામેલ છે.

. અમેરીકી સ્પેસ એજન્સી નાસાનો એક પેસીવ પેલોડ પણ મિસનનો ભાગ છે. જેનો હેતુ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું સચોટ અંતર માપવાનો છે.

. આ મીશન એટલા માટે ખાસ છે કે યાન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે ઉતરશે અને સોફટ લેન્ડીંંગ કરશે

. ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર અત્યાર સુધીમાં કોઇ દેશનું યાન ઉતર્યું નથી.

. ચંદ્રયાનના ત્રણ ભાગ  છે. આર્બીટર ચંદ્રની સપાટીથી ૧૦૦ કિલોમીટરની ઉંચાઇવાળી કક્ષામાં  ચકકર લગાવશે.

.લેન્ડર વિક્રમ ઓર્બીટરથી અલગ થઇ ચંદ્રની સપાટી પર ઉતરશે અને એક સેન્ટીમીટર પ્રતિ સેકેન્ડની ગતિથી જમીન ઉપર ડેટા ભેગો કરશે. પ્રજ્ઞાન નામનું રોવર લેન્ડરથી અલગ થઇ ૫૦ મીટરની દુરી સુધી ચંદ્રની જમીન ઉપર ફરી તસ્વીરો લેશે.

(3:26 pm IST)