Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

સોનિયા ગાંધી ગુરૂવારે ED સમક્ષ હાજર નહીં થાય : તબીબી કારણ રજૂ કરીને થોડા સપ્તાહનો સમય આપવા કરી વિનંતી

કોવિડ અને ફેફસાના ઈન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ હવે ડોક્ટરોએ ઘરે આરામ કરવાની સલાહ આપી

નવી દિલ્હી :નેશનલ હેરાલ્ડ કેસ મામલે તપાસને લઈ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને તેમની હાજર થવાની તારીખ થોડા અઠવાડિયા સુધી લંબાવવા વિનંતી કરી હતી, જેનો ED દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. જો કે નેશનલ હેરાલ્ડ કેસમાં એજન્સીએ હજુ તેમને નવા સમન્સની આગામી તારીખ આપી નથી. તમને જણાવી દઈએ કે ગુરુવારે તેમને ED સમક્ષ હાજર થવાનું હતું, જે હાલ માટે સ્થગિત કરવામાં આવ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે પાર્ટી તરફથી કહેવામાં આવ્યું હતું કે ડૉક્ટરે સોનિયા ગાંધીને આરામ કરવાની સલાહ આપી છે, તેથી તેમના હાજર થવાની તારીખ આગામી થોડા અઠવાડિયા સુધી લંબાવવામાં આવે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને કહ્યું કે ‘સોનિયા ગાંધીને કોવિડ અને ફેફસાના ઈન્ફેક્શનને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ હવે ડોક્ટરોએ ઘરે આરામ કરવાની સલાહ આપી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ અધ્યક્ષે આજે EDને પત્ર લખીને કહ્યું છે કે જ્યાં સુધી તેઓ સંપૂર્ણ સ્વસ્થ ન થાય ત્યાં સુધી તેમની હાજર થવાની તારીખ આગામી થોડા અઠવાડિયા માટે લંબાવવામાં આવે. કથિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં 23 જૂને સમન્સ મોકલવામાં આવ્યા હતા. કોવિડ-19 સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે સોનિયા ગાંધીને તાજેતરમાં દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાંથી સોમવારે સાંજે તેમને રજા આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમિત થયા બાદ સોનિયા ગાંધીને ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને 12 જૂને દાખલ કરવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમને 23 જૂને પૂછપરછ માટે બોલાવ્યા હતા. અગાઉ, EDએ તેમને 8 જૂનના રોજ સમન્સ પાઠવ્યું હતું, પરંતુ કોરોના સંક્રમિત હોવાના કારણે તે ત્યારે હાજર થઈ શક્યા ન હતા.

 આ જ કેસમાં EDએ રાહુલ ગાંધીની પાંચ દિવસમાં 50 કલાકથી વધુ પૂછપરછ કરી અને આ દરમિયાન તેમનું નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ નોંધવામાં આવ્યું. કોંગ્રેસે EDની કાર્યવાહીને કેન્દ્ર સરકારની વિપક્ષી નેતાઓ સામે બદલાની રાજનીતિ ગણાવી છે.

(9:00 pm IST)