Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

રૂા.૩૪૬૧૫ કરોડના બેંક કૌભાંડનો પર્દાફાશ

સીબીઆઇએ અત્‍યાર સુધીના સૌથી મોટા બેંક કૌભાંડમાં નોંધાવી એફઆઇઆરઃ ડીએચએફએલના પૂર્વ ડાયરેક્‍ટરોએ ૧૭ જેટલી બેંકોનું લગાવ્‍યુ કરોડો રૂપિયાનું બુચઃ અગાઉ એબીજી શીપયાર્ડનું રૂા.૨૩૦૦૦ કરોડનું કૌભાંડ પકડાયુ હતુ : નિરવ મોદી અને મેહુલ ચોક્‍સીએ પંજાબ નેશનલ બેંકને ૧૩૦૦૦ કરોડનું બુચ માર્યુ છેઃ સ્‍ટર્લીંગ બાયોટેકના સંદેસરા બંધુઓ ઉપર કુલ ૧૬૦૦૦ કરોડ રૂપિયાનો અને વિજય માલ્‍યા ઉપર ૯૦૦૦ કરોડ રૂપિયાનો બેંકોને ચુનો લગાવ્‍યાનો આરોપ છે : સીબીઆઇએ DHFLના પૂર્વ ડાયરેક્‍ટરો વિરૂદ્ધ નોંધ્‍યો કેસ

નવી દિલ્‍હી તા.૨૨: સીબીઆઇએ દિવાન હાઉસિંગ ફાયનાન્‍સ લિમીટેડ (ડીએચએફએલ)ના ડાયરેક્‍ટરો કપિલ વાધવાન, ધીરજ વાધવાન અને અન્‍યોની સામે ૧૭ બેંકો સાથે રૂપિયા ૩૪૬૧૫ કરોડ રૂપિયાની છેતરપીંડીનો કેસ નોંધાવ્‍યો છે. સીબીઆઇ દ્વારા નોંધવામાં આવેલ અત્‍યાર સુધીનો આ સૌથી મોટો છેતરપીંડીનો કેસ છે. આ પહેલા એબીજી શીપયાર્ડ પર ૨૩ હજાર કરોડ રૂપિયાની છેતરપીંડીનો કેસ નોંધવામાં આવ્‍યો હતો.
યુનિયન બેંક ઓફ ઇન્‍ડિયા દ્વારા ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજની ફરિયાદને ટાંકીને સીબીઆઇએ તેની એફઆઇઆરમાં જણાવ્‍યું હતું કે, જીએચએફએલ પ્રમોટર્સ અને ડિરેક્‍ટરો પર ૪૨,૮૭૧.૪૨ કરોડની લોનની ૧૭ બેંકોના કન્‍સોર્ટિયમને છેતરવા માટે ગુનાહિત કાવતરૂ ઘડવાનો આરોપ છે. આરોપીઓએ ડીએચએફએલના ચોપડા ખોટા કરીને ઉપરોક્‍ત ભંડોળના નોંધપાત્ર ભાગની ચોરી કરી અને ગેરઉપયોગ કર્યો અને આ કન્‍સોર્ટિયમ બેંકોના કાયદેસર લેણાની ચુકવણીમાં અપ્રમાણિકપણે ડિફોલ્‍ટ કર્યુ. જેનાથી કન્‍સોર્ટિયમ લેનર્સને રૂા.૩૪,૬૧૫ કરોડનું ખોટુ નુકસાન થયુ તેમ એફઆઇઆરમાં જણાવવામાં આવ્‍યુ છે.
અત્રે એ નોંધનીય છે કે, વાધવાન બંધુઓ ૨૦૨૦થી જ્‍યુડિશ્‍યલ કસ્‍ટડીમાં છે. તેઓની ઇડીએ યસ બેંક કૌભાંડમાં ધરપકડ કરી હતી.
સુત્રોએ જણાવ્‍યું હતું કે, સીબીઆઇએ મુંબઇમાં ૧૨ જેટલા સ્‍થળોએ દરોડા પાડયા હતા. ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ બેંક દ્વારા થયેલી ફરિયાદ બાદ સીબીઆઇએ કાર્યવાહી કરી હતી.

 

(3:28 pm IST)