Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

કોરોના સામેની લડાઈમાં જર્મનીને મળી મોટી સફળતા: વેક્સીનનો માણસ પર કરશે ટ્રાયલ

પહેલા તબક્કામાં કુલ 200 સ્વસ્થ્ય લોકો પર વેક્સિનનું પરિક્ષણ કરાશે

 

નવી દિલ્હી : કોરોના વાયરસના કહેરથી દુનિયામાં હાહાકાર મચ્યો છે.પરંતુ મહામારીનો હજુ સુધી દુનિયાના શિર્ષ વૈજ્ઞાનિક, ડોક્ટરથી લઈ વાયરોલોજિસ્ટ સુધી કોઈની પાસે તેનો તોડ નથી. પરંતુ જર્મનીથી દુનિયા માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. જર્મનીએ કોરોના વાયરસના ખાત્મા માટે બનાવેલી વેક્સિનને હ્યુમન ટ્રાયલ માટે મંજૂરી મળી ગઈ છે.

 

જર્મનીની સંસ્થા ફેડરલ ઈન્સ્ટીટ્યૂટે જાણકારી આપી કે, જર્મનીની સરકારે નવી વેક્સિનને માણસ પર પ્રયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. પહેલા તબક્કામાં કુલ 200 સ્વસ્થ્ય લોકો પર વેક્સિનનું પરિક્ષણ કરવામાં આવશે. લોકોને 18 વર્ષથી 55 વર્ષની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. ક્લીનીકલ ટ્રાયલ દરમ્યાન વેક્સિન અલગ-અલગ લોકોને આપી જોવામાં આવશે કે વેક્સિન કોરોનાવાયરસનો ખાત્મો બોલાવવા માટે કેટલી કારગર છે. સાથે વૈજ્ઞાનિક તપાસ પણ કરવામાં આવશે કે, વેક્સિનથી કો સાઈડ ઈફેક્ટ તો નથી થતી ને.

બ્રિટિશ ન્યૂઝપેપર ઈન્ડિપેન્ડેન્ટ અનુસાર, જર્મનીની બાયોટેક કંપની બાયો એન ટેકે તેનું નિર્માણ કર્યું છે. બાયો એન ટેકે અમેરિકન દવા કંપની ફાઈઝર સાથે સંયુક્ત રીતે વેક્સિન તૈયાર કરી તેનું નામ BNT162 રાખ્યું છે. બાદમાં તેનું ટ્રાયલ અમેરિકામાં પણ કરવામાં આવે તેવી પૂરી સંભાવના છે. બીજા તબક્કામાં વેક્સિનનો ઉપયોગ તેવા લોકો પર કરવામાં આવશે, જે લોકો કોરોના સંક્રમિત થાય તેવી વધારે આશંકા છે. જોન હોપકિન્સ યૂનિવર્સિટી અનુસાર, અત્યાર સુધી 177000થી વધારે લોકોના કોરોના વાયરસથી મોત થયા છે. જ્યારે 25 લાખ લોકો દુનિયામાં કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. એવામાં એક વેક્સિનની સંપૂર્ણ માનવજાત કાગની ડોળે રાહ જોઈને બેઠી છે.

(11:32 pm IST)