Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

તમામ મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૭મીએ વાત કરશે

કોરોનાની વિકટ સ્થિતી પર ચર્ચા હાથ ધરાશે : તમામ મુખ્યપ્રધાનો સાથે મોદીની ચર્ચાને લઇને ઉત્તેજના

નવી દિલ્હી,તા. ૨૨ : વડાપ્રધાન  નરેન્દ્ર મોદી ૨૭મી એપ્રિલના દિવસે ફરી એકવાર મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરનાર છે. આ બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યપ્રધાન  ઉપસ્થિત રહેનાર છે. વડાપ્રધાને છેલ્લે ૧૧મી એપ્રિલના દિવસે મુખ્યપ્રધાનો સાથે વાતચીત કર્યા બાદ લોકડાઉનને વધારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં સહમતી થયા બાદ ૧૪મી એપ્રિલના દિવસે લોકડાઉનની અવધિ પૂર્ણ થયા બાદ બીજા તબક્કામાં લોકડાઉનને વધારી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આવી સ્થિતીમાં લોકડાઉનને વધુ વધારી દેવામાં આવશે કે કેમ તેને લઇને પણ આમાં ચર્ચા કરવામાં આવનાર છે. રમજાનના મહિનામાં મેલ મિલાપની સંભાવના રહેલી છે.

          આવી સ્થિતીને ધ્યાનમાં લઇને આ બેઠક ઉપયોગી રહેનાર છે.પાર્ટીના તમામ નેતાઓ અને કેબિનેટ મંત્રીઓ સાથે પણ મોદી સતત વાતચીત કરી રહ્યા છે. હવે ૨૭મી એપ્રિલના દિવસે તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે વાયા વિડિયોથી મોદી વાતચીત કરનાર છે. વિડિયો કોન્ફરન્સ એવા સમયમાં આવી રહી છે ત્યારે લોકડાઉનને વધુ લંબાવવાને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. કારણ કે, કોરોના વાયરસના ઝડપથી ફેલાવા રોકવા માટે લોકડાઉનની અવધિ ઉપયોગી સાબિત થઇ છે. વિડિયો કોન્ફરન્સિંગમાં જુદા જુદા રાજ્યો પોતાના અભિપ્રાય રજૂ કરશે. એવા સંકેત મળી રહ્યા છે કે, મોદી સરકાર દેશભરમાં લોકડાઉનની અવધિને  હજુ એક વખત વધારી શકે છે.

કેન્દ્ર સરકારની પ્રાથમિકતા દરેક વ્યક્તિને બચાવી લેવાની રહેલી છે.વડાપ્રધાન મોદી પણ કહી ચુક્યા છે કે, કોરોના પહેલાની સ્થિતિ અને કોરોના પછીની સ્થિતિ એક સમાન રહેશે નહીં. મોદીએ તે પહેલા  બીજી એપ્રિલના દિવસે મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી. . લોકડાઉનમાંથી બહાર નિકળવાને લઇને ચર્ચા થઇ હતી. વડાપ્રધાને ૨૦મી માર્ચના દિવસે પણ તમામ મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી. સાથે સાથે ખતરનાક વાયરસના ફેલાવાને રોકવાના પાસા પર ચર્ચા કરી હતી.

(9:39 pm IST)