Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

કાશ્મીરમાં કોરોનાગ્રસ્તોને ઘુસાડવા પાકિસ્તાનની ચાલ

પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ કોરોનાના સકંજામાં : જમ્મુ કાશ્મીરમાં લોકોમાં કોરોના ફેલાવવા માટેની યોજના

નવી દિલ્હી, તા. ૨૨ : કોરોના વાયરસના પરિણામ સ્વરુપે તબાહી તરફ વધી રહેલા પાકિસ્તાને હવે પોતાના અસરગ્રસ્ત લોકોને કાશ્મીરમાં ઘુસાડી દેવાની ખતરનાક યોજના તૈયાર કરી છે. ભારતીય ગુપ્તચર સંસ્થાઓને એવા અહેવાલ મળ્યા છે કે, પોકમાં આતંકવાદીઓ ઉપરાંત મોટી સંખ્યામાં કોરોનાગ્રસ્ત દર્દીઓને પણ કાશ્મીરમાં ઘુસાડી દેવાના પ્રયાસો થઇ રહ્યા છે. આની પાછળનો ઇરાદો ખીણમાં કોરોના ફેલાવીને દહેશત ઉભી કરવાનો રહેલો છે. પાકિસ્તાને પોતાની આજ ચાલ હેઠળ સરહદ ઉપર ઘુસણખોરીના પ્રયાસો તીવ્ર કરી દીધા છે જેના ભાગરુપે હાલના દિવસોમાં અંકુશ રેખા નજીક યુદ્ધવિરામ ભંગના બનાવો વધી રહ્યા છે. પાકિસ્તાની સેના ગોળીબારની આડમાં ત્રાસવાદીઓ ઉપરાંત કોરોના અસરગ્રસ્તોને ભારતમાં ઘુસાડી દેવાના પ્રયાસો કરી રહી છે.

               અલબત્ત આ વખતે ભારતીય સેનાની પ્રભાવી કાર્યવાહીના કારણે મુશ્કેલી નડી રહી છે. જમ્મુ અને કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું છે કે, જ્યારે સમગ્ર દુનિયા કોરોના વાયરસની સામે લડત ચલાવી રહી છે ત્યારે પાકિસ્તાનનો ટેકો ધરાવતા ત્રાસવાદીઓ જમ્મુ કાશ્મીરમાં શાંતિ ભંગ કરવાના પ્રયાસમાં છે અને ત્રાસવાદીઓને ઘુસાડવાના પ્રયાસો થઇ રહ્યા છે. પાકિસ્તાનમાં ત્રાસવાદી કેન્દ્રો અને તેના કબજાવાળા કાશ્મીરમાં અનેક આતંકવાદી કોરોના વાયરસથી અસરગ્રસ્ત થઇ ચુક્યા છે. પાકિસ્તાની સેના હાલમાં આતંકવાદીઓને આંતરરાષ્ટ્રીય સરહદ અને અંકુશરેખા પાર કરાવીને ભારતમાં ઘુસાડી દેવાના પ્રયાસોમાં છે. હાલમાં જ કોરોનાના સંદર્ભમાં વિડિયો કોન્ફરન્સિંગ મારફતે બેઠક યોજાઇ હતી જેમાં આ બાબત નિકળીને સપાટી ઉપર આવી હતી. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં લઇને વિશ્વભરમાં પાકિસ્તાનની દુનિયાભરમાં ટિકા થઇ રહી છે.

(7:53 pm IST)