Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

તબીબો અને નર્સ ઉપર હુમલો થશે તો ૭ વર્ષ સુધીની જેલની સજા થશે

કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નવા વટહુકમને લીલીઝંડી મળી : કોરોના વોરિયર્સને ધ્યાનમાં લઇ સરકારનો નિર્ણય : હેલ્થ કર્મી ઉપર હુમલાને ચલાવી લેવાશે નહીં : તબીબના પ્રતિનિધિમંડળની સાથે ગૃહમંત્રી અમિત શાહની ચર્ચા

નવીદિલ્હી, તા. ૨૨ : કોરોના વાયરસ મહામારીના ગાળા દરમિયાન દેશના તબીબો અને નર્સો ઉપર થઇ રહેલા હુમલાઓને ધ્યાનમાં લઇને સરકાર તેમની સુરક્ષા માટે હવે એક વટહુકમ લઇને આવી છે. હેલ્થકેર વર્કરોને રક્ષણ ઉપલબ્ધ કરાવવા સાથે સંબંધિત વટહુકમને કેન્દ્રીય કેબિનેટે આજે લીલીઝંડી આપી દીધી હતી. નરેન્દ્ર મોદી કેબિનેટની આજે બેઠક યોજાઈ હતી જેમાં ૧૨૩ વર્ષ જુના કાનૂનમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હેલ્થકર્મીઓ માટે વટહુકમ લાવવાનો આ નિર્ણય લેવામાં આવ્યા બાદ તબીબી કર્મચારીઓને સુરક્ષા ઉપલબ્ધ થશે. આ વટહુકમ હેઠળ તબીબો અને અન્ય હેલ્થકર્મીઓ ઉપર હુમલા કરનારને મહત્તમ સાત વર્ષની સજા થઇ શકે છે. કોરોના વોરિયર્સ પર થઇ રહેલા હુમલાઓને કોઇપણ કિંમતે ચલાવી લેવામાં આવશે નહીં. કેન્દ્રીય કેબિનેટની બેઠકના સંદર્ભમાં માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, સરકાર તબીબો અને નર્સ પર હુમલાને કોઇ કિંમતે ચલાવી લેશે નહીં.

                તેમણે એમ પણ કહ્યું હતું કે, હેલ્થ કર્મીઓ પર હુમલા કરનાર પર ૫૦૦૦૦ રૂપિયાથી લઇને બે લાખ રૂપિયા સુધી દંડ કરવામાં આવશે. આ ઉપરાંત ત્રણ મહિનાથી લઇને પાંચ વર્ષ સુધીની સજા કરવામાં આવશે જ્યારે ગંભીર મામલામાં મહત્તમ સાત વર્ષની સજા ફટકારવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, આરોગ્ય કર્મચારીઓ ઉપર હુમલા બીનજામીનપાત્ર રહેશે. હુમલા કરનારાઓને જામીન પણ મળી શકશે નહીં. જાવડેકરે કહ્યું હતું કે, આજે સવારે ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને મેડિકલ કર્મચારીઓ સાથે વિડિયો કોન્ફરન્સિંગ કરીને વાતચીત કરી હતી.

              તબીબોએ માંગ કરી હતી કે, કોરોના કાળની આ સ્થિતિમાં તેમની સુરક્ષા માટે સરકાર કાનૂન લાવે તે ખુબ જરૂરી છે. ગૃહમંત્રીએ ખાતરી આપતા કહ્યું હતું કે, ડોક્ટરો અને નર્સોની સુરક્ષા સાથે કોઇ બાંધછોડ કરવામાં આવશે નહીં. એનએસએ, આઈપીસી અને સીઆરપીસી હોવા છતાં આ વટહુકમ લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, ૧૨૩ વર્ષ જુના કાનૂનમાં ફેરફાર કરીને તબીબો પર હુમલાને ચલાવી લેવામાં આવશે નહીં. ગંભીર મામલામાં હુમલો કરનારને છ મહિનાથી લઇને સાત વર્ષ સુધીની સજા થઇ શકે છે. ગાડી અથવા ક્લિનિકને નુકસાન કરવા બદલ બજાર રેટ કરતા બે ગણી રકમ હુમલાખોરો પાસેથી વસુલ કરવામાં આવશે. જાવડેકરે સાથે એમ પણ કહ્યું હતું કે, સરકારે કોરોના સંકટને દૂર કરવા માટે હજુ સુધી શ્રેણીબદ્ધ નવા પગલા લીધા છે. હજુ પગલા લેવામાં આવી રહ્યા છે.

(7:50 pm IST)