Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

કવોરન્ટાઇન સેન્ટરના ૫૪ મજુરોએ શાળાની શકલ ફેરવી

દેશભરમાં અનેક લોકો કોરન્ટાઇન સેન્ટરોમાં છે ત્યારે રાજસ્થાનના સીકરનો પ્રેરણાદાયી પ્રસંગ : ગ્રામજનોની વ્યવસ્થાથી ખુબ જ સંતોષ મળ્યો જેથી મજુરોએ સમગ્ર શાળામાં રંગ-રોગાન કરી આપ્યું: જીલ્લા સચિવે સેન્ટરને રોલ મોડલ ગણાવ્યું

સીકરઃ રાજસ્થાનના સીકરમાં એક ખુબ જ હકારાત્મક અને પ્રેરણાદાયી ઘટના બની છે. સમગ્ર ઘટનામાં પહેલા એ લોકોના શબ્દો વાંચીએ જેમણે આ પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.

'' ગામના લોકો આટલા દિવસથી અમારી આટલી સારી રીતે દેખભાળ કરે છે અને અમારી કામની આદત છુટી જશે તો પછી અમારાથી કામ પણ નહિ થાય. દિવસભર ખાલી બેસવા કરતા ગામ માટે કંઇક કરીને જઇએ તો સારૂ''

ઉપરોકત શબ્દો સીકરના પલાસાના સ્કુલમાં કોરેન્ટાઇનમાં રહેલા કારીગરો-મજુરોના છે. અહિં ગામમાં બે જગ્યાએ કોરેન્ટાઇન સેન્ટર કાર્યરત છે. જેમાં હરીયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશના ૫૪ મજુરોને રાખવામાં આવ્યા છે.

મજુરોએ જણાવેલ કે ખાલી બેસીશું તો માંદા પડીશુ. સરપંચ અને ગામના લોકોએ અમારા માટે ખુબ જ સારી વ્યવસ્થા કરી છે. જેની અમે કલ્પના પણ ન કરી શકી. તેના બદલામાં અમે પણ ગામ માટે કંઇક કરવા માંગીએ છીએ. એટલે અમે સ્કુલનું રંગ રોગાન શરૂ કરી દીધું છે.

ગામના સરપંચ રૂપસિંહ શેખાવતને મજુરોએ રંગરોગાનનો સામાન લાવી આપવા માંગણી કરેલ. સરપંચ અને સ્કુલના સ્ટાફ દ્વારા તમામ વસ્તુઓ તેમને આપવામાં આવી હતી અને મજુરોએ રંગકામ શરૂ કર્યું હતુ.

કોરેન્ટાઇન સેન્ટરનું નિરીક્ષણ કરવા આવનાર જીલ્લાના સચિવ જગતસિંહ પંવારે પણ અહિં બધા સાથે લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. પ્રવાસી લોકોને શાળામાં કાર્ય કરતા જોઇ રાજીપો વ્યકત કરવાની સાથે અન્ય સેન્ટરો માટે રોલ મોડલ હોવાનું જણાવ્યુ હતુ.  મજુરો અહિં ખુબ જ ખુશ હોવાનું પણ તેમણે ઉમેરેલ.

પલસાના ગામના સરપંચ રૂપસિંહે જણાવેલ કે તંત્ર દ્વારા કોરન્ટાઇન સેન્ટર સ્થાપીત કર્યા બાદ તેમના ભોજન-પાણીની વ્યવસ્થા સોંપવામાં આવેલ ત્યારે ખુદ પ્રવાસીઓએ કામ કરવાની ઇચ્છા દર્શાવી તો રંગકામની વસ્તુઓ આપવામાં આવી. તેમના અભિગમથી આખુ ગામ અભિભૂત છે.

 શાળાના પ્રિન્સીપાલ રાજેન્દ્ર મીણાએ પણ મજુરોના વખાણ કરતા જણાવેલ કે શાળામાં ૯ વર્ષથી કલરકામ થયુ નથી. બધા શિક્ષકોએ પોતાના પગારમાંથી રંગકામની વસ્તુ લેવા સહમતી આપેલ. તેમાંથી જ તમામ વસ્તુઓ આપવામાં આવેલ. ઉપરાંત મજુરોએ મજુરીના પૈસા લેવાની પણ ના પાડી છે.

(3:38 pm IST)