Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

કોરોનાને હરાવવા ગોવાએ શું ચમત્કાર સર્જયો ?

પ્રજાનો પુરો સહયોગઃ કોરોનાની ચંગાલમાંથી બહાર આવી રહ્યા છે રાજયોઃ કવોરન્ટાઇન અને લોકડાઉનના નિયમોનો કડક અમલ

પંજીમ તા.રર : ગોવા કોરોના વાયરસમાંથી સૌથી પહેલા મુકત થઇ ગયું છે. એટલે હવે બધાની નજર ગોવાના એ આદર્શ મોડલ તરફ ગઇ છે. જેણે ત્યાંની ૧૬ લાખની વસ્તીને કોરોના વાયરસના પ્રકોપથી સંપૂર્ણ પણે બચાવી લીધી છે. આની પાછળ લોકડાઉન થયા. લોકડાઉનના બધા નિયમોને ગોવાની પ્રજાએ સંપૂર્ણ શિસ્ત સાથે પાળ્યા હતા જો કે ગોવા કોંગ્રેસ અધ્યક્ષ ગિરિશ  ચોડણકરે સરકારના આ પગલાને જલ્દબાજી ગણાવી છે.

રાજયમાં ૩ એપ્રિલથી અત્યાર સુધીમાં કોઇ કોરોના પોઝીટીવ કેસ નથી આવ્યો. આ પહેલા આવેલ પોઝીટીવ પણ સાજા થઇ ગયા પછી મૂખ્ય પ્રધાન પ્રમોદ સાવંત અને આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેએ રાજયમાં કોરોના પર જીતની જાહેરાત કરી હતી.

રાજય સરકારે ફેબ્રુઆરીની શરૂઆતના સપ્તાહમાં જ કોરોના સામેની લડાઇની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તે દરમ્યાન રાજયમાં ફરવા આવેલ લગભગ ૧પ હજાર પ્રવાસીઓને પાછા મોકલવા પર ભાર મુકયો હતો તો બીજી તરફ બહારથી આવતા રાજયના નાગરીકોને સખ્તાઇ પૂર્વક અને શિસ્ત સાથે નિયમો પાળવાના આદેશો આપ્યા હતા કોરોના વાયરસના ઇલાજના નોડલ ઓફીસર તરીકે ગોવા મેડિકલ કોલેજના મેડીસીન વિભાગના વડા ડો. એડવીન ગોમ્સને મુકાયા હતા તેમના કુશળ નેતૃત્વમાં બધી ટીમોએ રાત - દિવસ જોયા વગર કામ કર્યુ હતું.

ઝીરો કોરોના સ્ટેટ ગોવાએ આટલું કર્યું

 પોઝીટીવ કેસ જાહેર થયા પછી ઘરે ઘરે સર્વે કરાવ્યો.

 લોકડાઉનનો અમલ કડકાઇ પુર્વક કરાવ્યો.

 રાજયની બોર્ડરો સીલ કરી. કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી પ્રવેશબંધી.

 બન્ને બંદરો પર જહાજોની અવર જવર બંધ કરી.

 ગોવાથી બહાર કામ કરતા ૮ હજાર ખલાસીઓને પરિસ્થિતિ ન સુધરી ત્યાં સુધી ન આવવા દીધા.

 એરપોર્ટ, રેલ્વેસ્ટેશન અને બસ સ્ટોપ પરથી આવનાર દરેક મુસાફરનું થર્મલ સ્કેનીંગ કરાયું

 કોરોના પિડીતો અને શંકાસ્પદોને જે કવોરન્ટાઇન સેન્ટરો પર રખાયા હતા. ત્યાં કડકાઇ અને શિસ્તનું પાલન કરાવ્યું.

 બધી મોટી હોટલો, ખાનગી હોસ્પીટલો અને મોટી સંસ્થાઓને ઇમરજન્સી કવોરન્ટાઇન સેન્ટર બનાવી દેવાયા.

(3:36 pm IST)