Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

ડોકટરોને પુરી સુરક્ષા અપાશેઃ અમિતભાઇ આજનું સાંકેતીક પ્રદર્શન સમાપ્ત કરતુ IMA

ગૃહમંત્રીએ ઇન્ડિયન મેડીકલ એસોસીએશનના ડોકટરો સાથે વિડીયો કોન્ફરન્સમાં સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો : ગૃહમંત્રી અમિતભાઇ શાહે કોરોના સંકટ વચ્ચે ડોકટર્સ પર હુમલાની તપાસ માટે એક ટીમ બનાવીઃ આ ટીમ કેન્દ્ર સરકારને રીપોર્ટ સોંપશે

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિતભાઇ શાહે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના ડોકટર્સ સાથે આજે વીડિયો કોન્ફરન્સ કરી હતી. શાહે સંકટ વખતે ડોકટર્સની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે ડોકટર્સને પુરી સુરક્ષા આપવાનો વિશ્વાસ અપાવ્યો અને ગુરુવારે કરવાના સાંકેતિક દેખાવને ટાળવાની અપીલ કરી છે. IMAએ સ્વાસ્થ્યકર્મીઓ પર થઈ રહેલા હુમલાઓ વિરુદ્ઘ ૨૩ એપ્રિલે બ્લેક ડેની જાહેરાત કરી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે અલગ અલગ ૬ મંત્રાલયોની ટીમ બનાવી છે. જે ડોકટર્સ પર હુમલાનો રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકારને સોંપશે.

 કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સાથેની વાતચીત બાદ ઈન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA)ને પોતાનું સાંકેતિક પ્રદર્શન પાછુ લઈ લીધુ છે. ઉલ્લેખનીય છે કે ડોકટરો પર થઈ રહેલા હુમલાના વિરોધમાં IMAએ આજે રાતે ૯ વાગે સાંકેતિક પ્રદર્શન અને કાળો દિવસ મનાવવાનો નિર્ણય લીધો હતો. આ દરમિયાન અમિતભાઇ શાહે ડોકટરોને સુરક્ષાનો ભરોસો આપ્યો છે.વધુમાં અમિતભાઇ શાહે કહ્યું કે 'આપણા ડોકટરની પોતાના કાર્યસ્થળ પર સુરક્ષા અને પ્રતિષ્ઠા સાથે કોઈ બાંધછોડ ચલાવી નહીં લેવાય. તેમના માટે સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરવું એ આપણી સામુહિક જવાબદારી છે. મે ડોકટરોને આશ્વાસન આપ્યુ છે કે મોદી સરકાર તેમની રક્ષા કરવા કટિબદ્ઘ છે અને તેમને વિરોધ  પ્રદર્શન પર ફરી વિચાર કરવા અપીલ કરે છે.

સાંકેતિક પ્રદર્શનને પાછું ખેંચતા IMAએ કહ્યું કે આજે અમારી ગૃહ મંત્રી, સ્વાસ્થ્ય મંત્રી અને અધિકારીઓ સાથે વાતચીત થઈ છે. ખાસ કરીને અમિતભાઇ શાહ સમગ્ર મામલાને સમજી રહ્યા છે અને ચિંતાતુર પણ છે. ભારત સરકાર ડોકટરોની સુરક્ષા માટે જરુરી પગલા ભરશે એવો વાયદો કર્યો છે અને અમને સરકાર પર ભરોસો છે. એટલા માટે પ્રદર્શન પાછુ લઈ રહ્યા છીએ.

ફરજ બજાવી રહેલા કેટલાક ડોકટરો અને મેડિકલ સ્ટાફ પર હુમલાની વિરુદ્ઘમાં IMAએ વિરોધ પ્રદર્શની યોજના બનાવી હતી. ઉલ્લેખનીય છે કે દેશના અનેક રાજયોમાં ડોકટરો પર હુમલો કર્યાની, છેડતી કે મારપીટ કર્યાની ઘટનાઓ બની છે.

(3:29 pm IST)