Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

દેશમાં કોરોનાની વધતી ઝડપ : માત્ર આઠ દિવસમાં 10 હજારમાંથી 20 હજાર કેસ : મૃત્યુઆંક પણ બમણો

પ્રથમ દસ હજાર કેસ પહોંચવામાં 74 દિવસનો સમય લાગ્યો

નવી દિલ્હી : દેશમાંકોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા  20 હજારને પાર પહોંચી છે અને મૃત્યુઆંક પણ વધીને 640 થઈ ગયો છે.  દેશમાં કોરોના વાયરસના કેસો ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા આઠ દિવસમાં ચેપના કેસો દસ હજારથી વધીને વીસ હજાર થઈ ગયા. એટલે કે, માત્ર આઠ દિવસમાં આ સંખ્યા બમણી થઈ ગઈ છે .

  દેશમાં ચેપનો પહેલો કેસ 30 જાન્યુઆરીએ કેરળમાં જોવા મળ્યો હતો. આ પછી, કેસ દિવસેને દિવસે વધતા ગયા. 14 એપ્રિલના રોજ દેશમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા 10 હજારને વટાવી ગઈ હતી અને 339 લોકોનાં મોત નીપજ્યાં હતાં. દેશમાં દસ હજાર કેસ પહોંચવામાં 74 દિવસનો સમય લાગ્યો હતો. આજે 22 એપ્રિલના રોજ માત્ર આઠ દિવસમાં આ કેસ વધીને 20 હજાર થઈ ગયા છે.

આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, આઠ દિવસમાં 301 લોકોનાં મોત નીપજ્યાં છે. આનો અર્થ એ કે મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે દર્દીઓના સ્વસ્થ થવાની ટકાવારી 14.75 થી વધીને 17.48 થઈ છે. તે જ સમયે, 23 રાજ્યોમાં 61 જિલ્લાઓ છે જેમાં છેલ્લા 14 દિવસથી ચેપના કોઈ કેસની પુષ્ટિ થઈ નથી.

(1:29 pm IST)