Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન વિઝા ઉપર પ્રતિબંધની જાહેરાતથી બહુ ગભરાઈ જવાની જરૂર નથી : આઇ ટી પ્રોફેશનલ્સ તથા સ્ટુડન્ટ્સ આ વિઝામાં આવતા નથી : હજુ સુધી લેખિત આદેશ પણ બહાર પડ્યો નથી : નિષ્ણાતોનું મંતવ્ય

વોશિંગટન : કોરોના વાઇરસ મહામારીને કારણે બંધ પડેલા ઉદ્યોગો ફરીથી ચાલુ થાય ત્યારે સ્થાનિક અમેરિકનોને નોકરી ગુમાવવી ન પડે તે માટે પ્રેસિડન્ટ ટ્રમ્પએ ઇમિગ્રેશન વિઝા ઉપર 60 દિવસનો કાપ મૂકી દીધો છે.
જોકે આનાથી બહુ ગભરાઈ જવાની જરૂર નથી. કારણકે  તેની કોઈ અસર ભારતીય આઈટી પ્રોફેશનલ્સ કે વિદ્યાર્થીઓ પર થશે નહિ. આઈટી પ્રોફેશનલ્સ અને વિઘાર્થીઓ નોન ઈમિગ્રેન્ટની કેટેગરીમાં આવતા હોવાથી તેમની પર કોઈ અસર થશે નહિ. નિષ્ણાતોનું કહેવું છે કે વિઘાર્થીઓ અને અન્ય લોકો અમેરિકાના વિકલ્પ તરીકે કેનેડા અને ઓસ્ટ્રેલિયાનો રસ્તો અપનાવી શકે છે.
આ અંગે અમેિરકા સહિત ઘણા દેશો માટે પ્રોફેશનલ્સ વિઝા ઉપલબ્ધ કરાવનાર અભિનવ ઈમિગ્રેશન સર્વિસિસના ચેરમેન અજય શર્મા કહે છે કે ટ્રમ્પની ટ્વિટનો અર્થ પહેલા સમજવો પડશે. ટ્રમ્પે હજી એમ કહ્યું છે કે તેઓ પ્રવાસીઓને રોકવા માટેના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર સહી કરશે. જોકે હજી એ જોવાનું છે કે સહી કરે છે કે નહિ. બીજી મહત્વની વાત એ છે કે અમેરિકાની પ્રવાસી કે ઈમિગ્રન્ટ વિઝાની કેટેગરીમાં આઈટી પ્રોફેશનલ્સ કે વિદ્યાર્થીઓ આવતા નથી. આ કારણે તેમની પર આ જાહેરાતની કોઈ અસર થશે નહિ.
અજય શર્માના જણાવ્યા મુજબ  H1 અને L1 વિઝાને નોન ઈમિગ્રેન્ટ કેટેગરીમાં ગણવામાં આવે છે, તેમાં આઈટી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ આવે છે. આ જાહેરાતની અસર તેમની પર પડશે, જે લોકો ગ્રીન કાર્ડ માટે અરજી કરી ચૂક્યા છે. જો ટ્રમ્પ સાઈન કરે છે તો જે લોકોએ ગ્રીન કાર્ડ માટે અરજી કરી છે, તેમની પ્રોસેસ અટકી જશે. જોકે જે લોકોએ ગ્રીન કાર્ડ માટે અરજી કરી નથી, તે લોકો એક વિકલ્પ તરીકે કેનેડા અને ઓસ્ટ્રેલિયાને વિચારી શકે છે. ગ્રીન કાર્ડ એટલે કે પરમનન્ટ રજીસ્ટર્ડ કાર્ડ. તેનાથી અમેરિકામાં કાયમ માટે રહેવાની અને કામ કરવાની પરવાનગી મળે છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:19 pm IST)