Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

ફેસબુકે રિલાયન્સ જીયોની ૯.૯૯% હિસ્સેદારી ૪૩,૫૭૪ કરોડ રૂપિયામાં ખરીદી

જીયો ભારતમાં જે મોટું પરિવર્તન લાવ્યું છે, તેનાથી અમે પણ ઉત્સાહિત થયા છીએઃ ફેસબુક

નવી દિલ્હી, તા.૨૨: સોશિયલ મીડિયા કંપની ફેસબુક હવે દેશની સૌથી મોટી દૂરસંચાર કંપની રિલાયન્સ જિયોની સૌથી મોટી શેરહોલ્ડર બની ગઈ છે. ફેસબુકની વેબસાઇટ મુજબ, કંપનીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના જિયો પ્લેટફોર્મ પર ૫.૭ બિલિયન ડોલર એટલે કે ૪૩,૫૭૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

આ ડીલની જાહેરાત ફેસબુકે બુધવારે કરી છે. ફેસબુકે કહ્યું કે, 'આ રોકાણ ભારત પ્રત્યે અમારી પ્રતિબદ્ઘતા દર્શાવે છે. Jio ભારતમાં જે મોટું પરિવર્તન લાવ્યું છે, તેનાથી અમે પણ ઉત્સાહિત થયા છીએ. ચાર વર્ષથી પણ ઓછા સમયમાં રિલાયન્સ Jio ૩૮૮ મિલિયનથી વધુ લોકોને ઓનલાઇન પ્લેટફોર્મ પર લઈને આવ્યું છે. આ ઇનોવેશન અને નવા એન્ટરપ્રાઇઝીસને પ્રોત્સાહન આપી રહ્યું છે. લોકોને નવી પદ્ઘતિઓથી જોડી રહ્યા છે. તેથી અમે જિયોના માધ્યમથી ભારતમાં પહેલાથી વધુ લોકોની સાથે જોડાવા માટે પ્રતિબદ્ઘ છીએ.'

મૂળે, વર્ષ ૨૦૧૬માં જિયોના લોન્ચિંગ બાદ રિલાયન્સ દેશની એકમાત્ર એવી કંપની તરીકે ઉભરી છે જે ઝડપથી વધતાં ભારતીય બજારમાં અમેરિકન ટેકનીકલ સમૂહોની સાથે પ્રતિસ્પર્ધા કરવામાં સક્ષમ છે. રિલાયન્સે મોબાઇલ ટેલીકોમથી લઈને હોમ બ્રોડબેન્ડ સુધી દરેક ચીજમાં ઈ-કોમર્સનો વિસ્તાર કર્યો છે.

બીજી તરફ, ભારત પણ ફેસબુક અને તેના મેસેજિંગ પ્લેટફોર્મ માટે એક મોટું માર્કેટ છે. ભારતમાં ફેસબુકના ૪૦૦ મિલિયન યૂઝર્સ છે. કન્સ્લટન્સી પીડબલ્યૂસી મુજબ, ભારતમાં વર્ષ ૨૦૨૨માં ઇન્ટરનેટ યૂઝર્સની સંખ્યા વધીને ૮૫૦ મિલિયન થવાની આશા છે.

(11:35 am IST)