Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

સસ્તા ક્રુડનો પ્રજાને હાલ કોઇ લાભ નહિં

સંગ્રહની વ્યવસ્થા ન હોવાને કારણે કંપનીઓ ખરીદી શકતી નથી ક્રુડ

નવી દિલ્હી તા. રરઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડની કિંમત રેકોર્ડ બ્રેક નીચલા સ્તરે પહોંચી ગઇ છે. હાલત એવી થઇ ગઇ કે સોમવારે અમેરિકન ક્રુડનો વાયદાનો ભાવ શૂન્યથી નીચે ૩૭ ડોલર થઇ ગયો. બ્રેન્ટ ક્રુડ પણ ર૦૦ર પછી પહેલી વાર ર૦ ડોલર પ્રતિ બેરલની નીચે છે. પણ પોતાની જરૂરિયાતના ૮પ ટકા ક્રુડ આયાત કરનાર ભારત આ પરિસ્થિતિનો લાભ મેળવી શકે તેમ નથી. માંગમાં ઘટાડાના કારણે કેન્દ્ર અને રાજયો સરકારોની હાલત નબળી છે તો ઓઇલ કંપનીઓ પણ તેમ જ છે. જો ઘરેલુ માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલની માંગ નહીં વધે તો કેન્દ્ર અને રાજયોની આવકને તો ઝટકો લાગશે જ ઉપરાંત ઓઇલ કંપનીઓની મુસીબતો પણ વધશે.

દેશની સૌથી મોટી ઓઇલ કંપની ઓએનજીસીના ભૂતપૂર્વ સીએમડી આર. એસ. શર્મા અનુસાર સસ્તુ ક્રુડ ભારત માટે અત્યારે કામનું નથી. રિફાઇનરીઓ ક્રુડ નથી ખરીદી રહી કેમકે ઘરેલુ માંગ એકદમ ઘટી ગઇ છે અને તેમની પાસે સંગ્રહ વધારે કરવાની ક્ષમતા છે નહીં.

દેશની સૌથી મોટી ઓઇલ રીફાઇનરી અને માર્કેટીંગ કંપની ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી) ની બધી રિફાઇનરીઓ પોતાની ક્ષમતાના ફકત ૩૦ ટકાનો જ ઉપયોગ કરી રહી છે. છેલ્લા એક મહિનામાં પેટ્રોલના વેચાણમાં ૬૧ ટકા અને ડીઝલમાં ૬પ ટકાનો ઘટાડો થઇ ચૂકયો છે.

સરકાર દ્વારા બનાવાયેલ રણનૈતિક સંગ્રહ ક્ષમતા પ૩ લાખ ટનની છે જે લગભગ ભરાઇ ગઇ છે. આ જ કારણ છે કે કિંમતોમાં આટલો ઘટાડો થવા છતાં ભારત ક્રુડ ખરીદી શકવાની સ્થિતિમાં નથી.

(11:34 am IST)