Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

મુંબઇ-પુણેમાં લોકડાઉનમાં અપાયેલી છૂટછાટ કેન્સલ

લોકો છૂટછાટનો દુરૂપયોગ કરતા હોવાનું જણાયા બાદ રાજય સરકારે નિર્ણય લીધો

મુંબઇ તા. રરઃ કોરોનાના વધી રહેલા ફેલાવાને રોકવા માટે મુખ્ય પ્રધાન ઉદ્વવ ઠાકરેએ રાજય માટે લોકડાઉનમાં આપેલી છૂટછાટ મુંબઇ-પુણે માટે ગઇકાલે રદ કરી હતી. લોકો છૂટછાટનો દુરૂપયોગ કરતા હોવાનું જણાયા બાદ લોકડાઉનનું સખત રીતે પાલન કરાવવાનો પ્રશાસનને તેમણે આદેશ આપ્યો હતો.

રાજય સરકારે લોકડાઉન બાબતે ૧૭ એપ્રિલ છૂટછાટ આપવા બાબતના જારી કરેલા આદેશ રદ કરવા માટેની જાહેરાત ગઇ કાલે કરી હતી.

મુંબઇ અને પુણેમાં લોકડાઉન સંપુર્ણપણે રહેશે, જયારે રાજયના અન્ય વિસ્તારમાં અપાયેલી છૂટછાટો કાયમ રહેશે.

ઇ-કોમર્સ કંપનીઓને ઇલેકિટ્રકલ અને ઇલેકટ્રોનિકસ વસ્તુની હેરફેર કરવા અપાયેલી છૂટ રદ કરાઇ છે, જયારે અનાજ, જીવનજરૂરી વસ્તુ, દવાઓ અને તબીબી ઉપકરણોની હેરફેર કાયમ રહેશે.

ફરસાણ, મીઠાઇની દુકાનો, કન્ફેકશનરી દુકાનો પણ મુંબઇ અને પુણેમાં અગાઉની જેમ બંધ જ રહેશે.

બાંધકામના કામકાજ પણ મુંબઇ અને પુણેમાં બંધ જ રહેશે તેમ જ આ બન્ને શહેરોમાં ઇન્ફર્મેશન ટલેકનોલોજી કંપનીઓના કર્મચારીઓનું વર્ક ફ્રોમ હોમ સિસ્ટમથી જ કામ કરવું પડશે. રાજયભરમાં અખબારોનું વિતરણ કરનારાઓ માસ્ક પહેરવાની સાથે હાથ પર જંતુનાશક દવાઓ લગાવવાની સાથે સોશ્યલ ડિસ્ટન્સિંગ રાખીને ઘરે-ઘરે અખબાર પહોંચાડી શકશે. જોકે મુંબઇ અને પુણે મહાનગરપાલિકા ક્ષેત્ર અને કન્ટેઇનમેન્ટ ઝોનમાં આ કામ પર પ્રતિબંધ રહેશે એમ ઉદ્વવ ઠાકરેએ ફેસબુક લાઇવના માધ્યમથી જણાવ્યું હતું.

(11:33 am IST)