Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

વાયરસની કેન્દ્રીય કોષિકા ફરતે મુગટ જેવો આકાર હોવાથી 'કોરોના' નામ અપાયુ

'કોરોના' મૂળ લેટિન શબ્દ : 'નોવલ કોરોના' વાયરસનું નામ છે, રોગનું નામ કોવિદ-19

રાજકોટ તા. ૨૨ : છેલ્લા બે મહિનાથી દેશ - વિદેશમાં કોરોના નામ લોકોની જીભે ચડી ગયું છે. મહામારીથી અસરગ્રસ્ત લોકો આખો દિવસ કોરોનાના વાતાવરણમાં રહે છે. વાસ્તવમાં કોરોના એ વાયરસનું નામ છે અને રોગનું નામ કોવિદ-નાઇન્ટીન છે. લગભગ તમામ લોકો આ રોગને કોરોના તરીકે ઓળખવા લાગ્યા છે. ૨૦૧૯ના વર્ષના ઉતરાર્ધમાં આ વાયરસ દેખાયો હોવાથી તેની સાથે તે વર્ષ ૨૦૧૯ જોડાયું છે. કોરોનાનો અર્થ અને આ રોગ સાથેનો તેનો સબંધ જાણવા જેવો છે.

'નોવલ કોરોના' વાયરસનું નામ છે અને તેનાથી થતા રોગનું નામ Covid-19 છે. જેમ એચ.આઇ.વી. વાયરસ છે અને તેનાથી થતા રોગનું નામ એઇડ્સ છે. કોરોના એ મુગટ આકારના વિવિધ પ્રકારના વાયરસના સમૂહનું નામ છે. કોરાના મૂળ લેટિન ભાષાનો શબ્દ છે જેનો અર્થ મુગટ-તાજ થાય છે. વાયરસની કેન્દ્રીય કોષીકા ફરતે પ્રોટીનના વિસ્તરણ (સ્પાઇકસ) આવેલા હોવાથી મુગટ જેવા દેખાવના કારણે તેને 'કોરોના' નામ અપાયું છે. ભૂતકાળમાં પણ અલગ-અલગ પ્રકારના કોરોના વાયરસ અને તેનાથી થતા રોગ જાણવામાં આવી ચૂકયા છે. પૂર્વે જોવા મળેલા રોગ 'સાર્સ' (SARS-Sever Acute Respiratory Syndrome) અને 'મર્સ' (MERS -middle East respiratory Syndrome) પાછળ કોરોના વાયરસ જ જવાબદાર હતો. વર્ષ ૨૦૧૯માં જોવા મળેલો પ્રવર્તમાન વાયરસ અને તેનાથી થતા રોગના લક્ષણો અપૂર્વ હોવાને કારણે આ વખતે વાયરસનું નામ 'નોવલ કોરોના' અને તેનાથી થતી શરીરની હાલત એટલે કે રોગનું નામ Covid-19 છે. Corona Virus Disease 2019  ટુંકા નામે  Co vi d 19. તરીકે ઓળખાય છે. (૨૧.૧૬)

(11:29 am IST)