Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

સંસદનું ખાસ સત્ર પણ યોજાય તેવી શકયતા

લોકડાઉન બાદ આવશે સ્પેશ્યલ બજેટ

નવી દિલ્હી,તા.૨૨: કોરોના સંકટ પછી આગામી રણનીતિ નકકી કરવા અને સ્થિતિની ચર્ચા કરવા માટે મોદી સરકાર સર્વસંમતિ માટેના બધા વિકલ્પો તપાસી રહી છે. જેના હેઠળ લોકડાઉન પૂરૃં થયા પછી સંસદનું ખાસ સત્ર બોલાવવા જેવા વિકલ્પો પર પણ વિચાર થઇ શકે છે. સાથે જ કોરોના પછીની સ્થિતિ સામે લડવા માટે સ્પેશ્યલ બજેટ પણ રજુ થઇ શકે છે.

વડાપ્રધાને ગત દિવસોમાં પોતાના પ્રધાનો સાથેની મીટીંગમાં કહ્યું હતું કે હજુ ઘણી લાંબી લડાઇ લડવાની છે. અને એટલે બધાએ સાથે મળીને લડવું પડશે. ત્યારથી સરકારમાં અલગ અલગ સ્તરે ઘણા પ્રકારના વિચારો થઇ રહ્યા છે. તેના અંતર્ગત એક પ્રસ્તાવ સામે આવ્યો છે કે લોકડાઉન સમાપ્ત થયા પછી આ સંકટ પર વિચાર કરવા માટે સંસદનું એક સત્ર પણ બોલાવી શકાય. આ ઉપરાંત સર્વપક્ષીય મીટીંગ બોલાવવાનો પણ પ્રસ્તાવ છે.

સ્પેશ્યલ બજેટ રજુ કરવા પાછળ એવો તર્ક અપાઇ રહ્યો છે કે કોરોનાના પછીના પ્રભાવથી બચવા માટે સરકાર જે રાહત પેકેજ જાહેર કરશે તે મોટું હશે. સરકાર પહેલા જ ૧ લાખ ૭૦ હજાર કરોડનું પેકેજ રજુ કરી ચુકી છે. આ ઉપરાંત બધા સેકટરો માટે અલગ પેકેજ લાવવા બાબતે પણ સરકાર વિચારી રહી છે. તેના માટે વડાપ્રધાન આવતા અઠવાડીયે એક અલગ ગ્રુપ ઓફ મીનીસ્ટર્સની રચના કરી શકે છે.

(11:26 am IST)