Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

લોકડાઉન એકસાથે નહિ હટેઃ જૂન-જુલાઈમાં સાચી પરીક્ષા

નીતિ આયોગના સભ્ય ડો. વી.કે. પોલ કહે છે હજુ લડાઈ પુરી થઈ નથીઃ સાચી પરીક્ષા તો આગામી મહિનાઓમાં થવાની છેઃ લોકડાઉનમાં ઢીલ દેશુ એટલુ વાયરસ ફરી જાગૃત થઈ ફેલાશેઃ લોકડાઉન બાદ ૩જી મેથી આકરી શરતો સાથે ગ્રીન ઝોનને છૂટછાટ મળે તેવી શકયતાઃ રેડ ઝોનને કોઈ રાહત નહિ મળેઃ આજે પ્રધાનોના સમુહની બેઠક

નવી દિલ્હી, તા. ૨૨ :. કોરોના વાયરસના સંક્રમણના કારણે સમગ્ર દેશમાં ૩ મે સુધી લોકડાઉન લંબાવવામાં આવેલ છે. શું ૩ મે પછી લોકડાઉન ખુલી જશે ? આ બાબતને લઈને સરકાર તરફથી સત્તાવાર રીતે કોઈ નિવેદન નથી અપાયુ. જો કે એક વરીષ્ઠ સરકારી અધિકારીએ સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે લડાઈ હજુ પુરી થઈ નથી. નીતિ આયોગના સભ્ય ડો. વી.કે. પોલના કહેવા મુજબ કોરોના વાયરસ વિરૂદ્ધની લડાઈમાં ભારતની ખરી પરીક્ષા જૂન, જુલાઈમાં થવાની છે.

ડો. પોલે જણાવ્યુ છે કે લોકડાઉનમાં ઢીલ આપવાથી સંભવતઃ વાયરસને ફરીથી જાગૃત થવા અને ફેલાવાની  તક મળી જશે. વાયરસના પ્રસારને લઈને તેમણે કહ્યુ હતુ કે અભૂતપૂર્વ આર્થિક ફટકો અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં કરવામાં આવેલ લોકડાઉનથી મળેલા લાભને આપણે વ્યર્થ જવા દઈ ન શકીએ. આપણે વાયરસના ફેલાવાને નિયંત્રણમાં રાખવો પડશે અને એ સુનિશ્ચિત કરવુ પડશે કે કોઈ નવી સમસ્યા સામે ન આવે. જૂન અને જુલાઈ આપણા સંકલ્પનું પરિક્ષણ કરશે.

તેમણે કહ્યુ હતુ કે ૩ જી મે બાદ લોકડાઉન ઉઠાવવુ એક ચરણબદ્ધ અને બારીક મામલો હશે. એઈમ્સના પિડીયાટ્રીકસના પૂર્વ પ્રો. ડો. પોલ સરકારના કોરોના મેનેજમેન્ટ યોજનાના અમલીકરણની બાબતમાં મહત્વના લોકો પૈકીના એક છે. નીતિ આયોગ ઉપરાંત તેઓ ચિકિત્સા પ્રબંધન યોજના પર ગૃહ મંત્રાલય દ્વારા રચાયેલ સમૂહના અધ્યક્ષ પણ છે. તેઓ લોકડાઉનથી સંબંધીત રણનીતિક મુદ્દા પર અધિકાર પ્રાપ્ત સમુહના સભ્ય પણ છે.

ડો. પોલે કહ્યુ હતુ કે નજીકના ભવિષ્યમાં આપણે એક સ્વદેશી વેકસીન વિકસીત કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે. એક સશકત ટીમ કામ કરી રહી છે.

દરમિયાન લોકડાઉનનો બીજો તબક્કો ૩ જી મેના રોજ પુરો થાય તો ગ્રીન ઝોનના વિસ્તારોને આકરી શરતો સાથે છૂટછાટ મળે તેવી શકયતા છે. કોરોનાથી સંક્રમિત રેડ ઝોનને હાલ કોઈ રાહત નહિ મળે. દિલ્હી, મુંબઈ, નોઈડા, ઈન્દોર સહિત હોટસ્પોટ શહેરો માટે મંત્રીઓનો સમુહ રોડમેપ તૈયાર કરી રહ્યો છે. કયા શહેરોમાં આર્થિક પ્રવૃતિ આગળ વધારવા માટે કયા પ્રકારની છૂટ આપવી તેના પર ચર્ચા ચાલુ છે.

(10:31 am IST)