Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd April 2020

ભારે હૃદયે હિંમત આપતી

પુત્રીનો ડોકટર માતાને મેસેજ :ફાઇટ બેક...વી મીસ યુ... માતાનો જવાબઃ હા બેટા...હું પાછી આવીશ...પણ...

મૂળ ભારતીય ડો. માધવી આયા (આહ્યા) ને અમેરિકામાં કોરોના ભરખી ગયો : કોરોનાગ્રસ્ત લોકોની ICUમાં છેલ્લે સુધી સારવાર કરતા કરતા ખુદ કોરોનાનો શિકાર બની ગયા : ર૦૦૮ થી ન્યુયોર્કની વુડહુલ હોસ્પિટલમાં સિનિયર ફીઝીશ્યન તરીકે ફરજ બજાવતા હતાઃ ભારતમાં (મુંબઇ) MBBS થઇને ૧૯૮૮માં અમેરિકા જઇને આગળનો અભ્યાસ કર્યો હતો : ૧૯૯૪માં રાજ આયા સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતાઃ પતિ રાજ તથા પુત્રી મિલોની સાથેનો સુખી પરીવાર કરૂણાતાપૂર્વક વેરવિખેર થઇ ગયો : ડો. માધવીબેનના પિતા સ્વ. ડો. રતુભાઇ મસરાણી તથા માતા ડો.માલતીબેન મસરાણી પણ મુંબઇના ખ્યાતનામ તબીબોઃ ભાઇ ડો. મકરંદ મસરાણી શાહરૂખખાનના ફેમીલી ડોકટર છે : COVID19 મહામારીએ સમગ્ર વિશ્વમાં સૌપ્રથમ રઘુવંશી (લોહાણા) ડોકટરનો ભોગ લીધો

પુત્રી સાથે સ્વ. ડો. માધવીબેન આયા(આહ્યા) પતિ રાજ આયા તથા પુત્રી મીલોની સાથે નજરે પડતા સ્વ.ડો.માધવીબેન આયા (આહ્યા)

રાજકોટ તા.ર૧: અમેરિકામાં ન્યુયોર્ક ખાતે કોરોના કેર સેન્ટરમાં હોસ્પિટલના બિછાને કોરોના સામે ઝઝુમતી નીડર ડોકટર માતાને તેની ૧૯ વર્ષની પુત્રી મેસેજ કરે છે કે ''ફાઇટ બેક...વી મીસ યુ..., સામે માતા જવાબ આપે છે કે ''હા બેટા....હું પાછી આવીશ.''

પરંતુ કુદરતને કંઇક અલગ જ મંજુર હતું. માતા-પુત્રીનો એ સંવાદ પુત્રી મિલોની માટે જીવનભરની કરૂણ યાદગીરી બની ગયો. સિનિયર ડોકટર-ફીઝીશ્યન તરીકે ઘણાં લોકોને નવજીવન આપનાર ડો. માધવીબેન  આયા (આહ્યા) એ કાયમ માટે દુનિયાને અલવિદા કરી દીધી. ર૦૦૮ થી ન્યુયોર્કની વુડહુલ હોસ્પિટલમાં સફળતાપૂર્વક ફરજ  બજાવતા  ડો.માધવીબેન આયા ICUમાં કોરોનાગ્રસ્ત લોકોની છેલ્લે સુધી સારવાર કરતા કરતા ખુદ કોરોનાનો શિકાર બની ગયા હતા.

રાજકોટ ખાતે રહેતા તેમના કઝીન અને ફેવરીટ ટૂર્સ એન્ડ ફોરેક્ષ પ્રાઇવેટ લી.ના ડાયરેકટર દિલીપભાઇ મસરાણીએ અકિલાને જણાવ્યું હતું કે માર્ચ મહિનાથી ડો. માધવીબેન આયાની ડયુટી કોરોના પીડીત લોકોની સારવાર અર્થે રાખવામાં આવી હતી અને તેઓ ICU માં સતત ૧ર કલાક જેટલી ફરજ બજાવતા હતા. ફરજ દરમ્યાન પોતે પણ કોરોનાથી સંક્રમિત થયા હતા. અને ગત ૧૮ માર્ચના રોજ તેના ઘરથી દૂર ૭ કિ.મી. જેટલા અંતરે આવેલા કોરોના કેર સેન્ટરમાં દાખલ થયા હતા. ર૩ માર્ચના રોજ તેમણે તેમના પતિ રાજ આયાને મેસેજ કર્યો કે તેમની તબિયતમાં કોઇ સુધારો જોવા મળતો નથી.

ત્યારબાદ તેની ૧૯ વર્ષની દિકરી મિલોની રપ માર્ચે ઉપરોકત વોટસએપ મેસેજ કરે છે અને તે મેસેજનો ડો. માધવીબેન નીડરતા- પૂર્વક જવાબ પણ આપે છે.

આ નીડરતા પૂર્વકનો જવાબ તેના છેલ્લા શબ્દો હતા અને પછીના બે જ દિવસમાં એક સફળ અને સેવાકીય કારકિર્દીનો કરૂણ અંત આવી જાય છે.કોરોના સામે બાથ ભીડી, લડી, ઘણાં બધાં દર્દીની સારવાર કરી અને અંતે ગુજરાતી રઘુવંશી ડોકટર મૃત્યુ સામે હારી ગયા. આમ COVID 19 મહામારીએ સમગ્ર વિશ્વમાં કદાચ સૌપ્રથમ રઘુવંશી (લોહાણા) ડોકટરનો ભોગ લીધો હતો. જો કે ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાલમાં લાખો મેડીકલ સ્ટાફ/ડોકટર્સ પોતાના જીવના જોખમે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી જીવ બચાવી રહ્યા છે તે બધાંને સલામ કરવી જ ઘટે.

જાણવા મળતી વિગતો મુજબ સ્વ.ડો. માધવીબેન આયા ભારતમાં (મુંબઇ) એમ.બી.બી.એસ. થઇને ૧૯૮૮માં અમેરિકા ગયા હતા. પછી ત્યાં તેઓએ આગળનો માસ્ટર સ્ટડી કર્યો હતો.૧૯૯૪માં રાજ આયા (આહ્યા) સાથે લગ્નગ્રંથીથી જોડાયા હતા. હાલ તેઓને એક પુત્રી પણ છે. પતિ રાજ તથા પુત્રી મિલોની સાથેનો તેમનો સુખી પરિવાર કોરોનાને કારણે સાવ વેરવિખેર થઇ ગયો છે.

સ્વ.ડો.માધવીબેનના પિતા સ્વ. ડો. રતુભાઇ મસરાણી તથા માતા ડો.માલતીબેન મસરાણીની પણ મુંબઇના ખ્યાતનામ તબીબો તરીકે ગણના થતી આવી છે. તેઓ મુંબઇમાં ભુલેશ્વર ખાતે હોસ્પિટલ ધરાવતા હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્વ.ડો.માધવીબેનના ભાઇ પણ અંધેરી -ભાયંદર (મુંબઇ) ખાતે મેડીકલ પ્રેકટીસ કરે છે. તેઓ ફિલ્મ સ્ટાર શાહરૂખખાનના ફેમીલી ડોકટર ગણાઇ રહ્યા છે. સાથે-સાથે અન્ય ફીલ્મ સ્ટાર્સ સાથે પણ સંકળાયેલા હોવાનું જાણવા મળે છે.

(4:18 pm IST)