Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

પાકિસ્તાનને વ્યાજમુક્ત લોન આપવા સાઉદી અરેબિયાનો સ્પષ્ટ ઈનકાર

કોઈપણ દેશને પાકિસ્તાન પર ભરોસો નથી રહ્યો ઃ પહેલા પાકિસ્તાન માટે આઈએમએફ બેલઆઉટ પેકેજને મંજૂરી આપે ત્યારબાદ જ તેને લોન આપવામાં આવે

નવી દિલ્હી, તા.૨૨ : પાકિસ્તાનની દુર્દશા સતત ભયંકર રૃપ લઈ રહી છે અને બીજી બાજુ તેને એક પછી એક આંચકા મળી રહ્યા છે. આઈએમએફ સમક્ષ આટલી વિનંતી કરવા છતા તેને હજુ સુધી બેલઆઉટ પેકેજ નથી મળી શક્યું. ત્યારે જે ઈસ્લામિક દેશો પર તે વિશ્વાસ કરતું રહ્યું છે અને ઈસ્લામના નામે મદદ માંગી રહ્યું છે તેમણે પણ વ્યાજ વગર લોન આપવાનો ઈનકાર કરી દીધો છે. સાઉદી અરેબિયાએ સ્પષ્ટ કહ્યું છે કે પહેલાની જેમ હવે તે પાકિસ્તાનને વ્યાજમુક્ત લોન નહીં આપે. મળતી માહિતી મુજબ સાઉદી અરેબિયા ઈચ્છે છે કે પહેલા પાકિસ્તાન માટે આઈએમએફ બેલઆઉટ પેકેજને મંજૂરી આપે ત્યારબાદ જ તેને લોન આપવામાં આવે. વાસ્તવમાં કોઈપણ દેશને પાકિસ્તાન પર ભરોસો નથી રહ્યો.

પાકિસ્તાનના નાણામંત્રીએ તાજેતરમાં કહ્યું હતું કે તેના મિત્ર દેશો પણ મદદ કરવાથી પાછળ હટી રહ્યા છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે વકીલોના સંમેલનમાં કહ્યું હતું કે આજે સ્થિતિ એવી થઈ ગઈ છે કે આપણે કોઈ મિત્ર દેશને ફોન પણ કરીએ તો તેમને લાગે છે કે અમે પૈસા માંગવા જઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે સાઉદી અરેબિયા પહેલાથી પાકિસ્તાનને ઘણી મદદ કરતું આવ્યું છે. સાઉદી અરેબિયા પાકિસ્તાનને લોન પર મોટી માત્રામાં ક્રૂડ ઓઈલ ઉપલબ્ધ કરાવતું રહ્યું છે. હવે એવું લાગે છે કે  સાઉદી અરેબિયાને પાકિસ્તાન હવે બોજ જેવું લાગવા લાગ્યું છે. જણાવી દઈએ કે તાજેતરમાં આઈએમએફએ શ્રીલંકાને મોટું રાહત પેકેજ આપ્યું છે. બીજી તરફ પાકિસ્તાને આઈએમએફની કેટલીક શરતો સ્વીકારીને પોતાના લોકો પર ટેક્સનો ભારે બોજ નાખ્યો છે. તેમ છતા હજુ સુધી વિશ્વાસ સ્થાપિત નથી થઈ શકો.

સાઉદી અરેબિયા એટલા માટે પાકિસ્તાનની મદદ કરતું હતું કારણ કે તે પરમાણુ શક્તિ ધરાવતો દેશ છે. આવી સ્થિતિમાં સાઉદી અરેબિયાને લાગતું હતું કે જો પશ્ચિમી દેશો પ્રતિબંધો લાદશે તો તેમની સામે લડવામાં મદદ મળી જશે. સાઉદી અરેબિયાએ પરમાણુ પરીક્ષણના બદલામાં કહ્યું હતું કે તે દરરોજ ૫૦,૦૦૦ બેરલ તેલ મફતમાં આપશે. આ સિવાય પાકિસ્તાનના ધાર્મિક સંગઠનોનું ફંડિંગ પણ સાઉદી અરેબિયામાંથી થતું હતું.

પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા પણ વિશ્વાસ ગુમાવવાનું એક કારણ છે. પાકિસ્તાનમાં લોકશાહી શરૃઆતથી જ માત્ર દેખાવ તરીકે રહી છે. સરકારમાં સેનાની દખલગીરી વધુ છે. ત્યારે હાલમાં જ ઈમરાન ખાનની સરકાર પડી ગયા બાદ પાકિસ્તાનમાં જે રીતે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને વર્તમાન સરકારને ઉથલાવી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં કોઈ પાકિસ્તાન પર વિશ્વાસ કરી શકે તેમ નથી.

(11:39 pm IST)