Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

દિલ્‍હીમાં અક્ષરધામ મંદિરના પરિસરમાં શ્રીરામ જન્‍મભૂમિ અયોધ્‍યામાં થનાર પ્રતિષ્‍ઠા નિમિતે ભવ્‍ય ઉદ્દઘોષ સભા યોજાઈ : દેશવ્‍યાપી શતકોટી હનુમાન ચાલીસા અભિયાનનો પ્રારંભ

રાજકોટ : ભગવાન શ્રી રામની પ્રતિષ્‍ઠાનો ઉત્‍સવ આવતા વર્ષે ૧૫ જાન્‍યુઆરી, ૨૦૨૪ પછી લગભગ તરત જ અયોધ્‍યામાં શ્રી રામ જન્‍મભૂમિ ખાતે નવા ભવ્‍ય મંદિરમાં યોજાશે. આ હેતુથી, ૨૧ માર્ચ, ૨૦૨૩ થી ૧૫ જાન્‍યુઆરી, ૨૦૨૪ સુધીના ૩૦૦ દિવસ માટે, સમગ્ર દેશમાં સાંસ્‍કૃતિક ચેતના જાગ્રત કરવા માટે સ્‍વામિનારાયણ અક્ષરધામ મંદિર, દિલ્‍હીથી એક વિશાળ ભક્‍તિ અભિયાન શરૂ કરવામાં આવ્‍યું હતું. સ્‍વામી શ્રી બાબા રામદેવજી (પતંજલિ યોગપીઠ, હરિદ્વાર), સ્‍વામી શ્રી ગોવિંદદેવ ગિરિજી (રામજન્‍મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્‍યાસ, અયોધ્‍યા) અને સ્‍વામી શ્રી ભદ્રેશદાસજી (BAPS સ્‍વામિનારાયણ શોધ સંસ્‍થાન, અક્ષરધામ, નવી દિલ્‍હી)ના સંયુક્‍ત નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં વિશ્વ વિખ્‍યાત સંતો, મહાત્‍માઓ, ધર્મગુરુઓ અને વિદ્વાન મહાનુભાવોએ ભાગ લીધો હતો. સમગ્ર રાષ્ટ્રમાં પરસ્‍પર સ્‍નેહ, સૌહાર્દ, અને સંવાદિતા સાથે સમગ્ર રાષ્ટ્રમાં સાંસ્‍કૃતિક ચેતના જાગ્રત કરવા માટે આયોજિત આ કાર્યક્રમમાં મંચ પર આ.મ.મ.સ્‍વામી શ્રી અવધેશાનંદ ગિરિજી મહારાજ, આદરણીય મ.મ.સ્‍વામી શ્રીપુણ્‍યાનંદ ગિરીજી મહારાજ, આદરણીય સ્‍વામી શ્રીપરમાત્‍માનંદ સરસ્‍વતીજી મહારાજ, આદરણીય સ્‍વામી શ્રીજ્ઞાનાનંદજી મહારાજ, આદરણીય સ્‍વામી શ્રીબાલકાનંદ ગિરિજી મહારાજ, આદરણીય સ્‍વામી શ્રીપ્રણવાનંદ સરસ્‍વતીજી મહારાજ, આદરણીય મ.મ.સ્‍વામી શ્રી વિશ્વેશ્વરાનંદ ગિરિજી મહારાજ, પૂજય સ્‍વામી શ્રી ગોપાલશરણદેવાચાર્યજી મહારાજ, પૂજય જૈન આચાર્ય શ્રી લોકેશ મુનિજી મહારાજ, શ્રી ચંપત રાય (શ્રી રામ જન્‍મભૂમિ અયોધ્‍યા), શ્રી નૃપેન્‍દ્ર મિશ્રા (શ્રી રામ જન્‍મભૂમિ અયોધ્‍યા),  શ્રી આલોક કુમાર (વિશ્વ હિન્‍દુ પરિષદ) વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. વિવિધ સંપ્રદાયો - પ્રદેશો - ભાષા - સમુદાયોમાં વિભાજિત રાષ્ટ્રના નૈતિક, ચારિત્ર્ય, સાંસ્‍કૃતિક અને આધ્‍યાત્‍મિક સશક્‍તિકરણ માટે અક્ષરધામ મંદિરના મંચ પર સૌએ એકઠા થઈને સંકલ્‍પ કર્યો કે શ્રીરામ મંદિરની સ્‍થાપના પહેલાં લાખો-હજારો ભક્‍તોએ હનુમાનજીની જેવી ભક્‍તિ જગાડવા માટે સમર્પિત થવું જોઈએ. આ માટે હનુમાન ચાલીસાનો પાઠ ભગવાનનાં ચરણોમાં અર્પણ કરવો જોઈએ. આ વિશિષ્ટ ભક્‍તિ દેશભક્‍તિ, વિશ્વ કલ્‍યાણ અને ભાઈચારાનું પણ મૂળ હોવાથી, તેની વિધિ આગામી શ્રી રામ મંદિર પ્રતિષ્‍ઠા સુધી ચાલુ રાખવામાં આવશે. આ સાથે ભગવાન શ્રી રામના જીવન પર આધારિત કથા-પ્રવચનો, પુસ્‍તક-નિબંધ લેખન, સુંદરકાંડ આધારિત કથાઓ, પરિષદો, પરિસંવાદો, સ્‍પર્ધાઓ વગેરે અનેક પ્રકારની ભક્‍તિ પ્રવૃત્તિઓ પણ વર્ષભર ચાલુ રહેશે. સમગ્ર કાર્યક્‍મના વ્‍યવસ્‍થાપનમાં અક્ષરધામ મંદિરના પ્રભારી પૂ. મુનીવત્‍સલ સ્‍વામીનું અપૂર્વ યોગદાન રહ્યુ હતુ. સાંજે ૪ વાગ્‍યે કાર્યક્રમનો પ્રારંભ થયેલ . બીએપીએસ બાળપ્રવૃત્તિના બાળકોએ વૈદિક શાંતિગાન કરી સભાનો મંગલ પ્રારંભ કરાવ્‍યો હતો. બીએપીએસ અક્ષરધામ સંસ્‍થાના વડા બ્રહ્મસ્‍વરૂપ મહંતસ્‍વામી મહારાજે વીડિયોના માધ્‍યમથી આશીર્વાદ પાઠવ્‍યા હતા. આ સમગ્ર ભક્‍તિમય આયોજન ભારત અને વિશ્વમાં સફળ બની રહે તે માટે શ્રીરામના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

(5:14 pm IST)