Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

સમાપ્‍ત થઇ શકે છે ફાંસીની સજા : વિકલ્‍પો ઉપર વિચારશે કોર્ટ

શું ફાંસીને બદલે સજાનો ઓછા દર્દવાળો કોઇ વિકલ્‍પ છે ? સુપ્રિમ કોર્ટે કેન્‍દ્રને પુછયો સવાલ : નિષ્‍ણાતોની સમિતિ રચી વિકલ્‍પો સૂચવવા આદેશ : ફાંસી આપવાથી કેટલુ દર્દ થાય છે ? આધુનિક વિજ્ઞાન અને ટેકનીક ફાંસી અંગે શું કહે છે ? શું દેશ - વિદેશમાં મોતની સજાના વિકલ્‍પનો કોઇ ડેટા છે ? સુપ્રિમનો કેન્‍દ્રને સવાલ

નવી દિલ્‍હી, તા.૨૨: દેશમાં ફાંસીની જગ્‍યાએ અન્‍ય કોઈ પીડારહિત મળત્‍યુદંડની સજા આપી શકાય કે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટ ટૂંક સમયમાં વિચારણા કરશે. સુપ્રીમ કોર્ટે સંકેત આપ્‍યો છે કે આ મામલે નિષ્‍ણાત સમિતિની રચના કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કેન્‍દ્ર સરકાર પાસે આ મામલે આંકડા માંગ્‍યા છે. સુપ્રીમ કોર્ટે પૂછયું છે કે ફાંસીથી કેટલી પીડા થાય છે, ફાંસીની સજા પર આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીનો શું મત છે, દેશમાં કે વિદેશમાં ફાંસીની સજાના વિકલ્‍પ અંગે કોઈ ડેટા છે કે કેમ?

સુપ્રીમ કોર્ટ આ મામલે ૨ મેના રોજ સુનાવણી કરશે. સુનાવણી દરમિયાન મુખ્‍ય ન્‍યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે અરજીકર્તા અને એજી આર વેંકટરામાણીને કહ્યું કે આ ચિંતાનો વિષય છે, અમને અમારા હાથમાં કેટલાક વૈજ્ઞાનિક ડેટાની જરૂર છે. મહેરબાની કરીને અમને વિવિધ પદ્ધતિઓના કારણે થતી તકલીફો અંગેના કેટલાક અભ્‍યાસો પ્રદાન કરો.

 પીઆઈએલમાં ફાંસી આપવાને બદલે ગોળી મારવા, ઈન્‍જેક્‍શન અથવા  કરંટ લાગવાનું સૂચન કર્યું છે. અરજદારના વકીલે કહ્યું કે ઓક્‍ટોબર ૨૦૧૭નો ખૂબ જ વિગતવાર આદેશ છે - સન્‍માન સાથે મળત્‍યુ એ મૂળભૂત અધિકાર છે. જ્‍યારે કોઈને ફાંસી આપવામાં આવે છે, ત્‍યારે તે મળત્‍યુમાં ગૌરવ છે. જે ગુનેગારનું જીવન સમાપ્ત થવાનું છે તેને ફાંસીનું કષ્‍ટ હોવુ ન જોઈએ.

આદેશમાં આગળ કહેવામાં આવ્‍યું છે કે - જ્‍યારે કોઈ વ્‍યક્‍તિ ફાંસી પર લટકાવવા જાય છે ત્‍યારે તેને કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. જ્‍યાં સુધી ડોક્‍ટર મેન કહે તે હવે મરી ગયો છે ત્‍યાં સુધી તેનું શરીર અડધા કલાક સુધી લટકતું રહે છે, આ ક્રૂરતા છે. અન્‍ય દેશોમાં પણ ફાંસી હવે ધીમે ધીમે છોડી દેવામાં આવી રહી છે. ફાંસી આપવાને બદલે માનવીય અને પીડારહિત મળત્‍યુ થવી જોઈએ. મળત્‍યુદંડ ઓછામાં ઓછી પીડાનું કારણ બને અને યાતના ટાળે તે રીતે હાથ ધરવામાં આવવી જોઈએ.

 

૯૭ દેશોમાં મોતની સજા નથી

ભારત સહિત દુનિયાના ૫૮ દેશોમાં મોતની સજા અપાય છેઃ ૯૭ દેશ આ જોગવાઇ સમાપ્‍ત કરી ચુકયા છે. બાકી દેશોએ પાછલા વર્ષોમાં કોઇને મૃત્‍યુદંડ નથી આપ્‍યો કે માત્ર જંગ સમયે ઉપયોગ કર્યો છે

 

અલગ અલગ દેશો શું કરે છે?

*   ગોળી મારવીઃ યમન, ટોગો, તુર્કમેનિસ્‍તાન થાઇલેન્‍ડ, બહેરીન, ચીલી, ઇન્‍ડોનેશીયા, ઘાના અર્મેનિયા સહિત ૭૩ દેશ

*   ફાંસીઃ ભારત-પાકિસ્‍તાન-મલેશિયા ટાન્‍ઝાનીયા, ઝીમ્‍બાબ્‍વે, દ.કોરિયા સહિત ૩૩ દેશ

*   ગોળી મારવી - ફાંસી- પથ્‍થરઃ અફઘાનીસ્‍તાન અને સુદાન

*   ગોળી મારવી- ફાંસીઃ બાંગ્‍લાદેશ - કેમરૂન - સીરીયા યુગાન્‍ડા- કુઐત, ઇરાન, ઇજીપ્‍ત

*   ઇન્‍જેકશન કે ગોળી મારવીઃ ચીન

*   ઇન્‍જેકશનઃ ફીલીપીન્‍સ

*   કરંટ - ગેસ-ફાંસી - ગોળીઃ અમેરિકા

*   માથુ વાઢવું: સા.-અરેબિયા સહિત ૩ દેશ

 

(11:03 am IST)