Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

એક વ્‍યક્‍તિએ તેની સગી બહેન સાથે લગ્ન કર્યાઃ બે બાળકો પણ થયાં: ૬ વર્ષ પછી સત્‍ય જાણ્‍યું

જયારે આ સત્‍ય જાણ્‍યું તો પતિની હાલત કાપો તો લોહી ના નીકળે જેવી થઈ ગઈ હતીઃ આ વિચિત્ર કિસ્‍સો જાણીને તમને પણ નવાઈ લાગશે અને ગુસ્‍સો પણ આવશે

લંડન,તા.૨૨: લગ્નને લઈને દુનિયાભરમાં અલગ-અલગ રીતિ-રિવાજ હોય છે. જો કે, મોટાભાગના રિવાજમાં પતિ-પત્‍ની વચ્‍ચે લોહીનો સંબંધ ન હોવો જોઈએ તે વાત સામન્‍ય હોય છે. આપણાં દેશમાં પણ ધર્મ-જાતિ અને ગોત્રને લઈને અલગ અલગ રીતિ-રિવાજ જોવા મળતા હોય છે, પછી બે લોકોના લગ્ન થયા છે અને તે પહેલાં પણ તે ચકાસી લેવામાં આવે છે કે બંને વચ્‍ચે લોહીનો સંબંધ તો નથી ને. તેની પાછળ ઘણાં કારણો છે.

આ વાત માત્ર પરંપરા જ નથી, તેની પાછળ વિજ્ઞાન પણ તેટલું જ જવાબદાર છે. વિજ્ઞાન માને છે કે, ડીએનએ અને લોહીનો સંબંધ હોય તો પેઢીમાં જિનેટિક પ્રોબ્‍લેમ આવી શકે છે. એક વ્‍યક્‍તિ સાથે અજાણતાં જ પણ આવી ઘટના બની ગઈ હતી અને લગ્નના ૬ વર્ષ પછી તેને ખબર પડી કે જે છોકરી સાથે તેણે લગ્ન કરી પરિવાર બનાવ્‍યો છે તે સગી બહેન છે.

આ વ્‍યક્‍તિએ સોશિયલ મીડિયાના માધ્‍મયથી લોકો સાથે આ ઘટના શેર કરી હતી કે, તેની સાથે વિચિત્ર ઘટના બની છે. આ વ્‍યક્‍તિને તેના જન્‍મ પછી તરત જ કોઈ પરિવારે દત્તક લઈ લીધો હતો. એવામાં તેના બાયોલોજિકલ માતા-પિતા વિશે તે કંઈ જ જાણતો નહોતો. મોટા થઈને શહેરની જ એક છોકરી સાથે તેનું અફેર થયું અને પછી બે વર્ષની ડેટિંગ પછી તેની સાતે લગ્ન કર્યા હતા. બે બાળકો પણ થયાં, પરંતુ બાળકોના જન્‍મ પછી પત્‍ની બીમાર રહેવા લાગી. તેની બીમારીની સારવાર દરમિયાન વ્‍યક્‍તિને ખબર પડી કે તેણે જે છોકરી સાથે લગ્ન કર્યા છે તે તેની સગી બહેન છે.

હકીકતમાં પત્‍નીને કીડનીમાં તકલીફ હતી અને તેને ટ્રાન્‍સપ્‍લાન્‍ટ કરાવવી પડે તેવી પરિસ્‍થિતિ થઈ ગઈ હતી. તેના પરિવારના લોકોએ ટેસ્‍ટ કરાવ્‍યા પણ કોઈ કિડની માટેનું ડોનેશન મેચ થયું નહોતું. ત્‍યારે પતિએ ટેસ્‍ટ કરાવ્‍યો તો તે પોઝિટિવ તો આવ્‍યો જ પણ પોઝિટિવ રેટ એટલો ઊંચો હતો કે ડોક્‍ટરો પણ વિચારવા લાગ્‍યા હતા. તેમણે વ્‍યક્‍તિને જણાવ્‍યુ હતુ કે, સામાન્‍ય રીતે માતા-પિતા સાથે બાળકોનો મેચ રેટ ૫૦ ટકા જેટલો હોય છે, પરંતુ ભાઈ-બહેનોમાં ૧૦૦ ટકા જેટલો હોય છે. પતિ-પત્‍નીમાં આવું ક્‍યારેય નથી હોતું, માત્ર ભાઈ બહેનના કેસમાં જ આવું શક્‍ય છે. ત્‍યારે આ સાંભળીને તે વ્‍યક્‍તિ હેબતાઈ ગયો હતો અને તેના લગ્નજીવનને ૬ વર્ષ વીતી ગયા હતા અને ૨ બાળકો સાથે ખુશીથી જીવન જીવતા હતા.

(10:30 am IST)