Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ભૂકંપને કારણે તુર્કીને ૧૦૪ અબજ ડોલરનું નુકસાન

૪૫ હજારથી વધુ લોકોના મોતનું કારણ બનેલા ભૂકંપે તુર્કીને આર્થિક રીતે પણ નબળું પાડ્‍યું

નવી દિલ્‍હી, તા.૨૧: તુર્કીમાં આવેલા વિનાશક ભૂકંપે દેશને ઘણા વર્ષોની પીડા આપી છે. ૪૫ હજારથી વધુ લોકોના મોતનું કારણ બનેલા આ ભૂકંપે તુર્કીને આર્થિક રીતે પણ નબળું પાડ્‍યું છે. રાષ્‍ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને જણાવ્‍યું છે કે આ ભૂકંપના કારણે દેશને ૧૦૪ અબજ ડોલરનું નુકસાન થયું છે. ધ્‍વસ્‍ત થયેલી ઈમારતોની સંખ્‍યા, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના નુકસાનની હદને જોતા, સ્‍થિતિ સામાન્‍ય થવામાં ઘણા વર્ષો લાગી શકે છે.

જાણકારી માટે તમને જણાવી દઈએ કે ૬ ફેબ્રુઆરીની સવારે તુર્કીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો પહેલો આંચકો સવારે ૪.૧૭ કલાકે આવ્‍યો હતો. રિક્‍ટર સ્‍કેલ પર તેની તીવ્રતા ૭.૮ મેગ્નિટયુડ હતી. ભૂકંપનું કેન્‍દ્ર દક્ષિણ તુર્કીમાં ગાઝિયાંટેપ હતું. લોકો તેમાંથી બહાર નીકળી શકે તે પહેલાં, તેના થોડા સમય બાદ બીજો ભૂકંપ આવ્‍યો, રિક્‍ટર સ્‍કેલ પર તેની તીવ્રતા ૬.૪ મેગ્નિટયુડ હતી. ભૂકંપના આંચકાનો આ સમયગાળો અહીં જ અટકયો ન હતો. આ પછી ૬.૫ની તીવ્રતાનો બીજો આંચકો આવ્‍યો હતો. આ આંચકાઓએ માલત્‍યા, સાનલિઉર્ફા, ઓસ્‍માનિયે અને દિયારબાકીર સહિત ૧૧ પ્રાંતોમાં વિનાશ સર્જ્‍યો હતો. સાંજે ૪ વાગે ભૂકંપનો વધુ એક આંચકો આવ્‍યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ આંચકાથી સૌથી વધુ તબાહી થઈ છે.

એકલા તુર્કીમાં ભૂકંપથી મળત્‍યુઆંક ૪૫ હજારથી વધુ છે. આ એક ભૂકંપ પછી આખી દુનિયા તુર્કીની મદદ માટે આગળ આવી. ભારત તરફથી પણ મદદ મોકલવામાં આવી હતી, NDRFની ટીમો ઘટનાસ્‍થળે ગઈ હતી. ભારતીય સેનાએ તુર્કીમાં પોતાની હોસ્‍પિટલ પણ બનાવી હતી જ્‍યાં ઘાયલોને સારવાર મળી હતી. કેટલાક અન્‍ય દેશોએ પણ તેમના વતી તુર્કીને મદદ મોકલી હતી.

(12:00 am IST)