Gujarati News

Gujarati News

News of Saturday, 21st December 2019

કૃષિ, સિંચાઇ અને સોઇલ હેલ્થ કાર્ડને મહત્વ મળશે

બજેટમાં તમામ માટેની ફાળવણીની વધારાશે : કૃષિ ક્ષેત્રમાં અનેક નવી આકર્ષક જાહેરાત કરવામાં આવે તેવી વકી : મોદી સરકાર બજેટને લઇને તૈયારીમાં વ્યસ્ત

નવી દિલ્હી,તા. ૨૧: નાણાંપ્રધાન નિર્મલા સીતારામન  બજેટને લઇને વાતચીતમાં લાગી ગયા છે. જુદા જુદા ક્ષેત્રના પ્રતિનિધીઓ સાથે તેમની સતત દરરોજ વાતચીત થઇ રહી છે. પહેલી ફેબ્રુઆરીના દિવસે રજૂ કરવામાં આવનાર સામાન્ય બજેટમાં મોદી સરકાર આ વખતે કૃષિ, સિંચાઇ, ગ્રામીણ માર્ગો અને સોઇલ હેલ્થ કાર્ડના ક્ષેત્રમાં ફાળવણીને વધારી દે તેવી શક્યતા છે. સરકાર જંગી ફાળવણી કરવાને લઇને તમામ તૈયારી કરી ચુકી છે. અધિકારીઓએ કહ્યુ છે કે સામાન્ય બજેટમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના જેવી અસરકારક યોજના પર ફાળવણીને વધારી દેવામાં આવે તેવી શક્યતા છે. છેલ્લા થોડાક વર્ષોના ગાળા દરમિયાન દેશના ૧૪૦ મિલિયનથી વધારે ખેડુત પરિવારને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવનાર છે.  સુધારવામાં આવેલા અંદાજ મુજબ  ફાળવણી વધારી દેવામાં આવનાર  છે. કૃષિ નિષ્ણાંતો નાણાં મંત્રાલયના અધિકારીઓને મળી ચુક્યા છે.  જેમાં બજેટને લઇને પોતાની રજૂઆત કરવામાં આવી હતી.

છેલ્લા ત્રણ વર્ષના ગાળા દરમિયાન કૃષિ સેક્ટરમાં મંદી રહી હતી. તેમાં નવા પ્રાણ ફુંકવા માટે મેક ઇન ઇન્ડિયાને વધુ અસરકારક બનાવાશે. કષિ અને સિંચાઇ માળખા પર ખર્ચને વધારી દેવા માટે રાજ્યોને વધારી જવાબદારી સોંપાશે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના માટે ફાળવણીને લઇને હજુ કોઇ વાત કરવામાં આવી નથી.  મહત્વકાંક્ષી સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમને રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના સાથે મર્જ કરી દેવામાં આવે તેવી શક્યતા છે. બજેટમાં રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાની ફાળવણીમાં વધારો કરવામાં આવી શકે છે.  બજેટને લઇને થોડાક દિવસ રહ્યા છે ત્યારે તમામ ગણતરીનો દોર ચાલી રહ્યો છે. મર્જરનો મતલબ એ થશે કે રાજ્યોને તેમને ફાળવવામાં આવેલી રકમ વધુ સારી રીતે ખચકરવાની તક મળી જશે. સાથે સાથે અમલીકરણ ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરાશે.  સોઇલ હેલ્થકાર્ડ સ્કીમમાં સુધારા કરવામાં આવી રહ્યા છે.

વડાપ્રધાન પહેલાથી જ આના માટેની યોજના રજૂ કરી ચુક્યા છે. તેને કૃષિ વિકાસ યોજનામાં મર્જ કરી દેવામાં આવશે. કૃષિ વિકાસ યોજના સરકારની ફ્લેગશીપ સ્કીમો પૈકીની એક સ્કીમ છે. કેન્દ્ર સરકાર આ બાબતની ખાતરી કરશે કે રાજ્યો કાર્યક્રમને ફંડની તેમની હિસ્સેદારીનું યોગદાન આપે. મહત્વકાંક્ષી પાક વિમા યોજનાને મહત્વ મળી શકે છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની ફાળવણીમાં પણ નોધપાત્ર વધારો થઇ શકે છે. દેશમાં સિંચાઈની સુવિધાને સુધારવા માટે વડાપ્રધાનની અંગત કમિટિ આ સંદર્ભમાં સૂચન કરી ચુકી છે. ડિસેમ્બરના અંત સુધી વાતચીતનો દોર જારી રહી શકે છે. કેટલાક પાસા પર હજુ વાતચીત ચાલી રહી છે.

(3:31 pm IST)